________________
૪૬૦
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(કહેવાનો આશય એ છે કે “હું સ્મરણ કરું છું”, “હું જાણવા ઇચ્છું છું” ઇત્યાદિ માનસિક સ્વસંવેદનપ્રત્યક્ષમાં સ્મૃતિવગેરે ગુણોનું સ્વરૂપ સ્પષ્ટતયા પ્રતિભાસિત થાય છે. તથા) જેના ગુણોનું પ્રત્યક્ષ થાય છે, તે ગુણી પણ અવશ્ય પ્રત્યક્ષ થાય છે. જેમકે ઘટના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણીઘટ પણ પ્રત્યક્ષ થાય છે, તે પ્રસિદ્ધ છે. તેમ જીવના જ્ઞાનાદિગુણો પણ સ્વસંવેદનપ્રત્યક્ષના વિષય બને છે. આથી આત્માનું પણ પ્રત્યક્ષ માનવું જ જોઈએ.
શંકાઃ તમારો હેતુ અર્નકાન્તિક છે, કારણ કે આકાશના ગુણ શબ્દનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ ગુણી આકાશનું પ્રત્યક્ષ થતું નથી. (વૈશેષિકમતમાં શબ્દને આકાશનો ગુણ માનેલો છે. તેમના મતે હેતુમાં વ્યભિચાર બતાવાયો છે).
સમાધાન : તમારી વાત અયોગ્ય છે. કારણકે શબ્દ આકાશનો ગુણ નથી, પરંતુ પુદ્ગલનો ગુણ છે. કારણ કે શબ્દ ઇન્દ્રિયગ્રાહ્ય છે. જેમ રૂપાદિ ઇન્દ્રિયગ્રાહ્ય છે, તેથી પુદ્ગલના ગુણો છે, તેમ શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો જ ગુણ છે. (આગળ) પુદ્ગલતત્ત્વની વિચારણામાં શબ્દની પૌદ્ગલિકતાનું વિસ્તારથી સમર્થન કરીશું.
ચાર્વાક (પૂર્વપક્ષ)ઃ “ગુણોનું પ્રત્યક્ષ થતું હોવાથી તે ગુણોથી અભિન્ન એવા ગુણીનું પણ પ્રત્યક્ષ થાય છે.” –આ તમારો નિયમ ઉચિત છે. પરંતુ તેનાથી આત્માની સિદ્ધિ થઈ જતી નથી. કારણ કે જ્ઞાનાદિગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણો શરીરના જ છે. આથી શરીર જ જ્ઞાનાદિગુણોનો ગુણી કહેવો ઉચિત છે. જેમ રૂપાદિ ગુણોનો ગુણીઘટ છે. તેમ જ્ઞાનાદિ ગુણોનો ગુણી પણ શરીર જ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – “જ્ઞાનાદિ શરીરના જ ગુણો છે. કારણ કે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમકે ગોરાપણું, દુબળાપણું, સ્થૂલપણું વગેરે શરીરમાં ઉપલબ્ધ થાય છે.” અર્થાત્ જેમ ગોરાપણું વગેરે શરીરમાં ઉપલબ્ધ થાય છે. તેમ જ્ઞાનાદિગુણો પણ શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. આથી જ્ઞાનાદિગુણો શરીરના જ છે.
જૈન (ઉત્તરપક્ષ)ઃ તમારું અનુમાન પ્રતિ-અનુમાનથી બાધિત હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતું નથી. તેથી સાધ્યરૂપ વિષય પક્ષમાં બાધિત હોવાના કારણે પક્ષાભાસ દોષ છે, તે પ્રતિપક્ષી અનુમાન આ છે – જ્ઞાનાદિદેહના ગુણો નથી. કારણ કે દેહ (ઘટની જેમ) મૂર્તિ છે. અને ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય છે.
આથી જેમ ઘટના રૂપાદિ ગુણો મૂર્તિ અને ચાક્ષુષપ્રત્યક્ષના વિષય હોવાથી દેખી શકાય છે, તેમ જ્ઞાનાદિગુણો પણ શરીરના જ હોય તો, તે પણ આંખોદ્વારા દેખી શકાવાની આપત્તિ આવશે. પરંતુ જ્ઞાનાદિગુણો આંખોથી દેખી શકાતા નથી, માટે તે શરીરના ગુણો નથી.
આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે અને