________________
षड्दर्शन समुचय भाग २, श्लोक ५८, जैनदर्शन
-
७१५
સામાન્યમાં સાંશતા - અંશ સહિતતા હોય ત્યારે જ તે વિભિન્ન દેશ સાથે સંબંધ કરી શકે, અન્યથા નહિ. આ રીતે એકબાજું સર્વપદાર્થોમાં સત્તાસામાન્યનો સ્વીકાર કરી તેની સાંશતાનો સ્વીકાર કર્યો અને બીજી બાજું સામાન્યને નિરંશ અને એક માનો છો. તેથી કેવી રીતે પૂર્વાપવિરોધ નથી ? (૬)
આ રીતે નૈયાયિકો સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો પણ કહે છે તથા બીજીબાજુ સર્વ સમવાયી સાથે નિયતસંબંધ કરવાવાળો પણ માને છે. કારણકે સમવાયનો ભિન્ન-ભિન્ન સમવાયીઓમાં સંબંધ સમવાયની અનેકસ્વભાવતા હોય તો શક્ય બને છે. અર્થાત્ ઘટ અને રૂપનો તથા જ્ઞાન અને આત્માનો સમવાય ભિન્ન છે. તેથી ભિન્ન-ભિન્ન સમવાયીઓમાં રહેવાવાળો સમવાય એક સ્વભાવવાળો રહી શકતો જ નથી. અન્યથા સર્વમાં એક જ પ્રકારનો સમવાય હશે. પરંતુ એવું નથી. ઉપર કહ્યું તેમ ઘટ અને રૂપના સમવાયથી જ્ઞાન અને આત્માનો સમવાય ભિન્ન છે. આ રીતે નૈયાયિકા એકબાજુ સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો માને છે અને બીજી બાજુ સર્વે સંબંધીઓ સાથે નિયત સંબંધ રાખવાનું વિધાન કરી સમવાયની અનેક સ્વભાવતાને કહે છે, તો તે શું તેઓનો સ્વવચનવિરોધ નથી ? (૭)
“પ્રમાણ અર્થવાળું હોય છે”-આવું વિધાન નૈયાયિકો કરે છે. તેમાં ‘અર્થવત્'ની વ્યાખ્યા કરતાં કહે છે કે પ્રમાણજ્ઞાનમાં અર્થ=પદાર્થ સહકારીકા૨ણ થાય છે. આથી પ્રમાણ અર્થવાળું કહેવાય છે. આ પ્રમાણે કહીને યોગીપ્રત્યક્ષમાં અતીત અને અનાગતપદાર્થને વિષય કહેતા નૈયોયિકો ને પૂર્વાપવિરોધ કેમ ન થાય ? કારણકે અતીતાદિ પદાર્થો પ્રમાણજ્ઞાનમાં સહકારીકા૨ણ બની શકતા નથી. આમ એક બાજુ અર્થકારણતાવાદને કહેવો અને બીજી બાજુ યોગીઓના પ્રત્યક્ષને અતીત કે જે વિનષ્ટ છે તથા અનાગત કે જે અનુત્પન્ન છે, તે પદાર્થોને વિષય કરવાવાળું કહેવું, તે સ્પષ્ટ રીતે પૂર્વાપરવિરોધ છે. (૯)
(હવે નૈયોયિકો સ્મૃતિને અપ્રમાણભૂત માને છે. તેમાં પણ પૂર્વાપવિરોધ બતાવાય છે.) તમે નૈયાયિકો સ્મૃતિને શા માટે અપ્રમાણ માનો છો ? શું તે ગૃહીતગ્રાહિ અર્થાત્ જાણેલા અર્થને ગ્રહણ કરે છે, માટે અપ્રમાણ માનો છો કે તે પદાર્થથી ઉત્પન્ન થતી ન હોવાના કારણે અપ્રમાણ માનો છો ? જો ‘સ્મૃતિ ગૃહીતગ્રાહિ હોવાથી અપ્રમાણ છે' તેમ કહેશો તો તે ઉચિત નથી, કારણકે ધારાવાહિશાનો (કે જેને તમે પ્રમાણ માનો છો, તે પણ) અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે. ‘આ ઘટ છે’, ‘આ ઘટ છે' આવા ગૃહીતગ્રાહિ ધારાવાહિજ્ઞાનોને નૈયાયિકો અને વૈશેષિકો અપ્રમાણભૂત માનતા નથી. પ્રમાણભૂત જ માને છે.
જો પદાર્થથી ઉત્પન્ન ન થવાના કારણે સ્મૃતિ અપ્રમાણભૂત હોય તો અતીતાદિવિષયક અનુમાન પણ પદાર્થથી ઉત્પન્ન થતું ન હોવાથી અપ્રમાણ બની જશે. (અર્થાત્ અતીત અને