________________
७४८
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६५, वैशेषिक दर्शन
તે દ્રવ્યત્વાદિ પોતાના આશ્રય એવા દ્રવ્યાદિમાં અનુગતાકારકજ્ઞાનના કારણ હોવાથી સામાન્ય પણ છે. અને પોતાના આશ્રયને વિજાતીયગુણાદિથી વ્યાવૃત્ત કરતો હોવાથી, અર્થાત્ વ્યાવૃત્તિજ્ઞાનનું કારણ હોવાથી વિશેષ પણ કહેવાય છે. તેથી અપસામાન્ય અપેક્ષાએ ઉભયરૂપ હોવાથી સામાન્ય અને વિશેષ બંને સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અપેક્ષાનો ભેદ હોવાથી એકમાં જ સામાન્ય અને વિશેષનો વ્યપદેશ વિરોધી નથી. આ પ્રમાણે પૃથ્વીત્વ, સ્પર્શત્વ, ઉત્તેપણત્વ, ગોત્વ, ઘટત્વ આદિ પણ અનુગતાકારકજ્ઞાનના તથા વ્યાવૃત્તિજ્ઞાનના કારણ હોવાથી સામાન્ય અને વિશેષ બંને રીતે સિદ્ધ છે.
અહીં જે સત્તાના સંબંધથી = સમવાયથી “સત્' મનાય છે તેમ કહ્યું, તે માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ જાણવું. અર્થાત્ દ્રવ્ય, ગુણ અને કર્મ, આ ત્રણ જ પદાર્થ સત્તાના સમવાયથી સતું મનાય છે. પરંતુ આકાશાદિમાં નહિ. આકાશ, કાલ અને દિશામાં સ્વરૂપાત્મક અસ્તિત્વ મનાયેલું છે. આકાશમાં જાતિ મનાતી નથી. કારણકે આકાશ આદિ એક-એક જ વ્યક્તિઓ છે. ઉદયનાચાર્યે કહ્યું છે કે... “વ્યક્તિનો અભેદ, તુલ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસંબંધ, આ છ જાતિબાધક છે.” આ શ્લોકની વ્યાખ્યા કરે છે -
(૧) વ્યક્તિનો અભેદ - વ્યક્તિનો અભેદ. અર્થાત્ વ્યક્તિનું એકલાપણું જાતિમાં બાધક છે. કારણ કે સામાન્ય તો અનેક વ્યક્તિઓમાં રહે છે. આકાશમાં વ્યક્તિનો અભેદ હોવાથી, અર્થાત્ આકાશ એક જ હોવાથી તેમાં આકાશત્વજાતિ મનાતી નથી. (તે જ રીતે કાલ આદિ પણ એક હોવાથી કાલત્વાદિજાતિ મનાતી નથી.).
(૨) તુલ્યત્વઃ પૃથ્વીમાં પૃથ્વીત્વજાતિ હોવા છતાં, જો તેમાં ભૂમિત્વ ને જાતિ કહેવાય, તો તુલ્યત્વજાતિબાધક દોષ આવશે. અર્થાતુ પૃથ્વીમાં પૃથ્વીત્વ અને ભૂમિત્વ નામની સમાનાર્થક બે જાતિઓ નથી રહેતી, કારણકે બંનેની વ્યક્તિઓ તુલ્ય છે. તથા તે બંને સમાનાર્થક છે. (તુલ્યત્વ એટલે અન્યૂનાતિરિક્તવૃત્તિત્વ. ભૂમિત્વમાં પૃથ્વીત્વનું આવું તુલ્યત્વ રહેલું છે. આવું તુલ્યત્વ જાતિબાધક છે. તેથી ભૂમિત્વજાતિ ન બને.) આથી પૃથ્વીત્વથી તુલ્યતા હોવાથી ભૂમિત્વ અતિરિક્તજાતિ ન બને.
(૩) સંકર : (એક બીજાના) અભાવ સાથે સમાનાધિકરણ હોય એવા બે ધર્મો કોઈ એક સ્થળે સાથે રહી જવા તે સાંકર્યદોષ છે. આ દોષ જાતિનો બાધક છે. (જેમકે “પરમાણુત્વ' ને જાતિ તરીકે માનવામાં આ સાંકર્ય દોષ આવે છે. ઘટમાં પરમાણુત્વ નથી, પૃથ્વીત્વ છે. જલીય પરમાણુઓમાં પરમાણુત્વ છે, પૃથ્વીત્વ નથી. તથા પાર્થિવ પરમાણુઓમાં પરમાણુત્વ અને પૃથ્વીત્વ બને છે.)