________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ६८, मीमांसकदर्शन
७७१
ગમે તેટલો અભ્યાસ કરે, પરંતુ તે ક્યારે પણ સમસ્તલોકને ઉલ્લંઘી શકતો નથી. માત્ર અભ્યાસથી પૂર્વે જેટલું ઊંચે કૂદી શકતો હતો, તેનાથી વધુ કૂદી શકે. પરંતુ સકલલોકને કૂદી જવાનું સંભવિત નથી. કહ્યું પણ છે કે “જે મનુષ્ય અભ્યાસ કરતો કરતો દશ હાથ ઊંચો ઉછળી શકે છે, તે સેંકડો અભ્યાસ કરવા છતાં પણ સો યોજન ઊંચો કૂદી શકતો નથી.”
શંકા ? સારું, માણસોને અભ્યાસથી સર્વજ્ઞતા ભલે પ્રાપ્ત ન થાય. પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ તો દેવ છે, તેમનામાં તો સર્વજ્ઞતારૂપી અતિશય હોઈ શકે છે. કુમારિલે કહ્યું છે કે...” જો દિવ્ય દેહ હોવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ ભલે સર્વજ્ઞ હોય, પરંતુ સામાન્ય મનુષ્યમાં સર્વજ્ઞતા કેવી રીતે હોઈ શકે ?”—આનાથી સ્પષ્ટ થાય છે કે અલૌકિક દિવ્યપુરુષ બ્રહ્મા આદિમાં સર્વજ્ઞતા માનવામાં બાધ નથી. આથી તેમને જ સર્વજ્ઞ માની લેવા જોઈએ.
સમાધાનઃ તે પણ તમારી વાત અયોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષમૂલક શિષ્ટાનુગ્રહ, દુષ્ટનિગ્રહ કરવાવાળા તથા કામસેવન આદિ વિકારોમાં વ્યાકુલ ચિત્તવાળા તેઓમાં સર્વજ્ઞતા સંભવિત નથી.
વળી પ્રત્યક્ષાદિ પ્રમાણપંચકથી પણ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થતી નથી. પ્રત્યક્ષ તો અસંબદ્ધ તથા અવર્તમાન સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી શકતું નથી. કારણકે પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયોથી સંબદ્ધ અને વર્તમાનકાલીન પદાર્થને જ ગ્રહણ કરી શકે છે. અહીં સર્વજ્ઞત્વ કોઈ ઇન્દ્રિયથી સંબંધ ધરાવતું નથી, કે જેથી તેનું પ્રત્યક્ષ થાય.
અનુમાન પણ સર્વજ્ઞતાનું સાધક નથી. કારણ કે પ્રત્યક્ષથી જોયેલા અર્થમાં જ અનુમાનની પ્રવૃત્તિ હોય છે (જેમ કે પર્વત ઉપર ધૂમનું પ્રત્યક્ષ થવાથી, ધૂમલિંગ દ્વારા વનિનું અનુમાન થાય છે.) પરંતુ અહીં મનુષ્યમાં સર્વજ્ઞત્વ પ્રત્યક્ષથી અસિદ્ધ હોવાથી, તેમાં અનુમાનની પ્રવૃત્તિ સંભવિત નથી. અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ હોય છે.
આગમ પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સત્તા સિદ્ધ થતી નથી, કારણકે સર્વજ્ઞતા જ અસિદ્ધ, હોવાથી, તે કહેવાતા સર્વજ્ઞના આગમ પણ વિવાદાસ્પદ છે. તેવા વિવાદાસ્પદ આગમથી સર્વજ્ઞની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ?
ઉપમાન પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી. કારણકે બીજા સર્વજ્ઞવ્યક્તિનો અભાવ છે. બીજો કોઈ સર્વજ્ઞ જોવા મળતો હોય તો સાદશ્યજ્ઞાનથી ઉપમાન સર્વજ્ઞતાને સાધી શકે. પરંતુ બીજા કોઈ સર્વજ્ઞનો અભાવ હોવાથી સાદશ્યજ્ઞાનના અભાવના કારણે સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકશે નહિ.
અર્થપત્તિથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી, કારણકે સર્વજ્ઞતાનો સાધક અન્યથા અનુપપન્ન = અવિનાભાવિ પદાર્થ જગતમાં જોવા મળતો નથી.