________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
સાધ્યાદિ ધર્મો પણ પોતાના ધર્મમાં સ્વતઃ જ રહી જાય ને ! તેમાં નિરર્થક સમવાયની કલ્પના કરવાની શી જરૂર છે ?
સમવાયની બીજા કોઈ સમવાયથી ધર્મ અને ધર્મીમાં વૃત્તિ માનશો તો, તે સમવાય પણ પોતાના સંબંધિઓમાં કોઈ ત્રીજા સમવાયથી રહેશે, ત્રીજો ચોથાથી. આ પ્રમાણે અનેક સમવાયોની કલ્પના કરવામાં અનવસ્થાનદી તરવી કઠીન બની જશે. અનવસ્થાદૂષણ આવી પડશે. (અસતુલ્પનાથી માની પણ લઈએ કે) સમવાયની પોતાના સંબંધીઓમાં સ્વતઃ કે પરતઃ ભલે વૃત્તિ હોય, તો પણ તે સર્વત્ર તુલ્ય અને એક હોવાથી સર્વે સંબંધીઓમાં વ્યાપક હોવાના કારણે “સમવાય અમુક સંબંધીઓમાં જ સંબંધ કરે છે' - આવું કહી શકાશે નહિ. (આથી તંતુનો પટની જેમ ઘટમાં પણ સમવાય થઈ જશે.)
જો સાધ્ય અને સાધનનો પરસ્પર સંયોગસંબંધ માનશો, તો તે સંયોગ તેનાથી ભિન્ન છે કે અભિન્ન છે ?
જો સાધ્ય-સાધનથી સંયોગ ભિન્ન હોય તો “વિવક્ષિત સાધ્ય-સાધનનો જ સંયોગ છે. અન્યોનો સંયોગ નથી' - આ નિયમ બની શકશે નહિ. કારણ કે ભેદમાં વિશેષતા નથી. અર્થાત્ સંયોગ વિવક્ષિત સાધ્ય-સાધનથી જેટલો ભિન્ન છે, તેટલો જ અન્ય અવિવલિત સાધ્ય-સાધનથી પણ છે જ. તો પછી વિવક્ષિત સાધ્ય-સાધનનો જ સંયોગ કરે અને અવિવક્ષિત સાધ્ય-સાધનનો સંયોગ ન કરે, એવું કઈ રીતે કહી શકાશે ?
સંયોગ અમુક વિવક્ષિત સાધન-સાધ્ય સાથે સંબંધ કરી શકે અને અમુક અવિવક્ષિત સાધનસાધ્ય સાથે સંબંધ ન કરી શકે, એમાં સમાવાય નિયામક છે, એમ પણ કહી શકાતું નથી. કારણ કે સમવાય એક અને સર્વત્ર હોવાથી, તેની સર્વ ઠેકાણે તુલ્યદૃષ્ટિ હોય છે.
સાધ્ય આદિથી સંયોગ અભિન્ન છે.” આ દ્વિતીયપક્ષ કહેશો તો સાધ્ય-સાધનની જ સત્તા રહેશે. સંયોગની સત્તા રહેશે નહિ. કારણકે અભેદમાં એકની જ વાસ્તવિક સત્તા બની રહે છે. સાધ્ય આદિથી સંયોગ કથંચિત્ ભિન્ન છે' - આ પક્ષ માનવામાં, તો (તમારે) અમારા અનેકાંતવાદનો જ આશ્રય કરવાનો થાય છે.
સાધ્ય અને સાધનમાં પરસ્પરવિરોધ પણ કહી શકાય તેમ નથી. કારણકે સર્વથા એકાંત મતમાં વિરોધને સિદ્ધ કરવો સંભવિત નથી. | વિરોધ બે પ્રકારના હોય છે. એક સહાનવસ્થાનરૂપ તથા બીજો પરસ્પર પરિહારરૂપ. તેમાં તમે બતાવો કે વિરોધ બેમાંથી કયા એક સ્વરૂપવાળો છે ? અર્થાત્ સાધ્ય અને સાધનમાં સહાનવસ્થાનરૂપ વિરોધ હશે કે પરસ્પરપરિહારરૂપ વિરોધ હશે ?