________________
४९२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
છે. જ્યાં રૂપનો પરિણામ હોય, ત્યાં અવશ્ય સ્પર્શ, રસ અને ગંધ હોય જ. આથી રૂપાદિચારે સહચરિત છે. તેથી તે પરમાણુમાં પણ હોય છે. અર્થાત્ રૂપાદિયારેગુણો પરમાણુથી માંડીને સ્કન્ધપર્યન્ત સર્વ મૂર્તપદાર્થોમાં હોય જ છે.
“ધર્માસ્તિકાય અસ્તિકાય દ્રવ્ય છે'-આવું કહ્યું હતું તેમાં દ્રવ્યના ગ્રહણથી ધર્માસ્તિકાય ગુણ અને પર્યાયવાળું તત્ત્વ છે, એમ સિદ્ધ થાય છે. કારણ કે “ગુણ-પર્યાયવાળું જે હોય તેને દ્રવ્ય કહેવાય છે.” આવું શાસ્ત્રવચન છે.
અસ્તિકાયનું તાત્પર્ય એ છે કે અતિ એટલે પ્રદેશો અર્થાતુ પ્રકૃષ્ટદેશો અર્થાત્ (જેના વિભાગ ન પડી શકે તેવા) નિર્વિભાજ્યખંડો. તે નિર્વિભાજ્યખંડોનો કાય=સમુહ. અર્થાત્ નિર્વિભાજ્ય ખંડોના સમુદાયને ધર્માસ્તિકાય કહેવાય છે.
“ધર્માસ્તિકાય લોકવ્યાપી છે અને અસંખ્ય પ્રદેશવાળો છે.” આ વચનથી ધર્માસ્તિકાય લોકાકાશના પ્રદેશોના પ્રમાણવાળા પ્રદેશવાળો નિર્દેશ કરાયો છે. અર્થાતુ લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ ધર્માસ્તિકાયના છે.
તથા ધર્માસ્તિકાય સ્વતઃ જ ગતિમાં પરિણત જીવ અને પુદ્ગલોને ગતિકરવામાં ઉપકારક અર્થાતુ અપેક્ષાકારણ છે. (ધર્માસ્તિકાય જીવ-પુદ્ગલને ગતિ કરાવતું નથી. પરંતુ માત્રગતિ કરાવામાં સહાયક થાય છે. અપેક્ષિતકારણનો ભાગ ભજવે છે. જેમ માછલીને પાણી તરાવતું નથી. પરંતુ તરવામાં અપેક્ષિતકારણ તરીકેનો ભાગ ભજવે છે.)
કારણ ત્રણ પ્રકારના છે, જેમકે (૧) ઘટનું માટી પરિણામિકારણ છે. (૨) ઘટના દંડાદિ નિમિત્તકારણ છે. (૩) ઘટનો કુંભકાર નિર્વર્તકકારણ છે.
આમ પરિણામિકારણ, નિમિત્તકારણ અને નિર્વર્તકકારણ એમ કારણના ત્રણપ્રકારો છે.
જે કારણ સ્વયં કાર્યરૂપે પરિણામ પામી જાય તે પરિણામિકારણ કહેવાય છે. જેમકે માટી ઘટરૂપે પરિણામ પામી જાય છે, તેથી માટી ઘટનું પરિણામિકારણ છે.
જે સ્વયં કાર્યરૂપે પરિણામ ન પામે, પરંતુ કર્તાને કાર્ય કરવામાં સહાયક થાય તે નિમિત્ત કારણ કહેવાય છે. જેમ કે ઘટ પ્રત્યે દંડ-ચક્ર વગેરે. કાર્યનો કર્તા નિર્વકકારણ કહેવાય છે. જેમકે ઘટરૂપ કાર્યનો કર્તા કુંભકાર. તેથી કહ્યું છે કે... “નિર્વર્તક, નિમિત્ત અને પરિણામિ, એમ ત્રણ પ્રકારના કાર્યો છે. ઘટનો કર્તા કુંભકાર નિર્વર્તકકારણ છે. ધારણ કરવાવાળા ચક્રાદિ નિમિત્તકારણ છે તથા માટી ઉપાદાન=પરિણામિકારણ છે.”