________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४९५
જ રહેનારાદ્રવ્યોને આકાશ રહેવાની જગ્યા આપે છે, પરંતુ રહેવા ન ઇચ્છતા પુદ્ગલોને બલાત્કારે રહેવાની જગ્યા આપતું નથી. આથી આકાશ પુદ્ગલાદિદ્રવ્યોનું અપેક્ષાકારણ છે. જેમ રહેવાની ઇચ્છાવાળા મગરાદિને પાણી રહેવાની જગ્યા આપે છે, તેમ રહેવાની ઇચ્છાવાળા પુદ્ગલાદિને રહેવાની જગ્યા આકાશ આપે છે.
શંકા : તમે કહ્યું કે અવકાશ આપવામાં ઉપકારક આકાશ છે, તો અલોકમાં આકાશ કોઈને રહેવાની જગ્યા આપતું નથી. તો કેવી રીતે આકાશ અવકાશ આપવામાં ઉપકારક કહેવાય ?
સમાધાન: આકાશ અલોકમાં વ્યાપ્ત હોવાથી અવકાશ આપવામાં પ્રવૃત્ત જ છે, પરંતુ ગતિસ્થિતિમાં કારણભૂત ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અલોકમાં ન હોવાથી અલોકમાં કોઈ પગલાદિ દ્રવ્યો જ નથી. તેથી જીવ-પુદ્ગલાદિના અભાવમાં આકાશનો અવગાહન ગુણ વિદ્યમાન હોવા છતાં તેનું કાર્ય પ્રગટ રીતે દેખાતું નથી. પરંતુ તેના ગુણનું પરિણમન તો છે જ. (પૂર્વે પણ કહેલું કે રહેવાની ઇચ્છાવાળા દ્રવ્યોને રાખવાનું કામ આકાશ કરે છે. બલાત્કારથી રાખવાનું કામ કરતું નથી. અલોકમાં રહેવાની ઇચ્છાવાળા દ્રવ્યોનો જ અભાવ હોવાથી તેને રાખવાની ક્રિયા આકાશમાં દેખાતી નથી.)
કાલ અઢીદ્વીપમાં રહે છે. પરમસૂક્ષ્મ, નિર્વિભાગ, એકસમયરૂપ છે. તે કાલ અસ્તિકાય કહેવાતો નથી. કારણકે એક સમયરૂપકાલ પ્રદેશ વિનાનો છે અને કહ્યું પણ છે કે... “મનુષ્યલોકવ્યાપી કાલ એક સમયરૂપ છે અને એક હોવાથી કાય નથી. સમુદાયને કાય કહેવાય છે. ૧”
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રાદિના ઉદય-અસ્ત વગેરેથી પરિજ્ઞાન થાય છે, તે કાલ એકમતથી દ્રવ્ય કહેવાય છે અને તે એક સમયરૂપ કાલ, દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે. જોકે કાલમાં પ્રતિક્ષણ પરિણમન થતું હોવાથી ઉત્પાદ અને વ્યય થતો રહેતો હોય છે, છતાં પણ દ્રવ્યાસ્તિકનયથી (દ્રવ્ય દૃષ્ટિથી) તે પોતાનું સ્વરૂપ બદલતો નથી, અર્થાત્ ક્યારે પણ કાલાન્તરભૂત કે અકાલરૂપ બનતો નથી. તે કાલક્રમથી કે અક્રમથી (એક સાથે) થનારા અનંતપર્યાયોમાં પોતાની સત્તા રાખે છે. આ રીતે દ્રવ્યરૂપથી સમસ્તપર્યાયોના પ્રવાહમાં પોતાની સત્તા વ્યાપ્ત હોવાના કારણે નિત્ય કહેવાય છે. અનાગત, અતીત કે વર્તમાન કોઈપણ અવસ્થામાં પણ પોતાનું અસ્તિત્વ રાખે છે. અર્થાત્ “કાલ-કાલ' આવો સાધારણવ્યવહાર પ્રાપ્ત કરે છે. જેમ પરમાણુ અનેકરૂપોમાં પરિવર્તિત થવારૂપ અનેકવિધ પર્યાયોથી અનિત્ય છે, છતાં પણ દ્રવ્યત્વેન હંમેશાં સત્ છે. ક્યારે પણ અસત્ થતો નથી. તેથી નિત્ય છે. તે પ્રમાણે સમયરૂપ કાલ અનેકરૂપોમાં પરિવર્તિત થવાના કારણે પર્યાયોથી અનિત્ય હોવા છતાં પણ હંમેશાં સતું રહે છે અને ક્યારે પણ અસત્ થતો ન હોવાથી નિત્ય છે.