________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણનું લક્ષણ કહેવાય છે. સ્વ અને પરનો નિશ્ચય કરનારું સ્પષ્ટ = પરનિરપેક્ષજ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે. તે બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક, (૨) પારમાર્થિક. બાહ્યચક્ષુઆદિ ઇન્દ્રિયો, પ્રકાશ આદિ સામગ્રીથી ઉત્પન્નથવાવાળું આપણા જેવાઓનું જ્ઞાન સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે. તે સાંવ્યવહારિકપ્રત્યક્ષ બાહ્ય ઇન્દ્રિયાદિને સાપેક્ષ હોવાથી અપારમાર્થિક છે. (છતાં પણ લોકવ્યવહારમાં તેની પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધિ હોવાથી સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે.)
પારમાર્થિકપ્રત્યક્ષ તો માત્ર આત્માથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ માત્ર આત્માથી ઉત્પન્ન થતું અવધિજ્ઞાનઆદિ પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) ચઆદિઇન્દ્રિયનિમિત્તક, (૨) મનોનિમિત્તક. ઇન્દ્રિયોના નિમિત્તથી થતું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. મનના નિમિત્તે થતું જ્ઞાન માનસ પ્રત્યક્ષ કહેવાય છે.
આ બંને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષના (૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અપાય, (૪) ધારણા, - આ ચાર ભેદથી ચાર પ્રકાર છે.
તેમાં વિષય = પદાર્થ અને વિષય = ઇન્દ્રિયોનો સન્નિપાત થતાં, તેની અનંતર “આ કંઈક છે” આવી સત્તામાત્રને વિષય કરનારું દર્શન થાય છે. તેનાથી ઉત્પન્ન થયેલ સામાન્યાકારની અવાંતર વિશિષ્ટવસ્તુને ગ્રહણ કરનારા પ્રથમજ્ઞાનને અવગ્રહ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે દ્રવ્ય-પર્યાયાત્મક પદાર્થરૂપ વિષય અને ચક્ષુ આદિ ઇન્દ્રિયોરૂપ વિષયિનો ભ્રાન્તિ આદિને નહિ ઉત્પન્ન કરવામાં અનુકૂલ યોગ્યદેશ-સ્થિતિરૂપ સંબંધથી અનંતર “આ કંઈક છે” આવું વસ્તુની સત્તામાત્રને વિષય કરનારો દર્શન = નિરાકારબોધ ઉત્પન્ન થાય છે. તે નિરાકાર બોધથી સત્તા-સામાન્યાદિની અવાંતર મનુષ્યત્વ, ઘટત્વ આદિ વિશેષોથી વિશિષ્ટવસ્તુનું ગ્રહણ કરનારૂં પ્રથમજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવગ્રહ કહેવાય છે. અર્થાત્ તે “આ મનુષ્ય છે”, “આ ઘટ છે” ઇત્યાદિ વિશેષોથી વિશિષ્ટવસ્તુનું ગ્રહણ થાય છે. તે અવગ્રહ કહેવાય છે.
અવગ્રહથી ગ્રહણ કરેલા વિષયમાં = પદાર્થમાં સંશય થયા બાદ તે વસ્તુના વિશેષનિર્ણય માટે “આ આવું હોવું જોઈએ-આવા પ્રકારની વિચારણાને ઇહ કહેવાય છે. (જેમકે સામાન્યરૂપથી ઘટને જાણી લીધા બાદ “આ ઘટ અમદાવાદી છે કે વાપીનો છે.”—આવો સંશય થાય છે, તે સંશયની ઉત્તરમાં “આ ઘટ અમદાવાદી હોવો જોઈએ” આવી સંભાવનાવિષયક જ્ઞાનને ઇહા કહેવાય છે.)
ઇહાની અનંતર ઇહાદ્વારા સંભાવિત વિશેષપદાર્થનો નિર્ણય કરવો તે અવાય (અપાય) કહેવાય છે.