________________
૬૬૮
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
(બૌદ્ધ નિર્વિકલ્પકદર્શન = પ્રત્યક્ષને પ્રમાણરૂપ પણ માને છે અને અપ્રમાણરૂપ પણ માને છે. તેમનો મત છે કે નિર્વિકલ્પદર્શન-પ્રત્યક્ષનો વિષય બનતો પદાર્થ ક્ષણિક પણ હોય છે અને અક્ષણિક પણ હોય છે. અનાદિકાલીન અવિદ્યા અને પદાર્થોની પ્રતિક્ષણ સદશરૂપે ઉત્પત્તિ થવી - ઇત્યાદિ કારણોથી વસ્તુમાં “આ તે જ વસ્તુ છે” આ પ્રકારનો નિત્યત્વનો આરોપ થઈ જતો હોય છે. આ મિથ્યા આરોપના કારણે વસ્તુ નિત્યરૂપમાં ભાસિત થવા લાગે છે. નિર્વિકલ્પક દર્શન આ નિત્યત્વના આરોપમાં પ્રમાણ નથી. તે તેનું સમર્થન કરતું નથી. વળી ક્ષણિકવસ્તુમાં નિત્યત્વ રૂ૫ વિપરીતઆરોપ હોવાના કારણે દર્શન તેમાં પ્રમાણ હોઈ શકતું નથી, કેમકે દર્શન તો વસ્તુના અનુસારે જ ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પકદર્શન નિત્યત્વના આરોપમાં પ્રમાણ તો નથી જ, પ્રત્યુત અપ્રમાણ જ છે
જો કે નિર્વિકલ્પકદર્શન ક્ષણિક અંશનો અનુભવ કરી લે છે. પરંતુ તે ક્ષણિક છે' આવા અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરતું ન હોવાથી ક્ષણિક અંશમાં પણ તે પ્રમાણ નથી. જો નિર્વિકલ્પક દર્શન જ ક્ષણિક અંશોમાં પ્રમાણ થઈ જાય તો અનુમાનથી ક્ષણિકત્વની સિદ્ધિ કરવાની કોઈ આવશ્યક્તા રહેશે જ નહિ. અને આવી સ્થિતિમાં “સર્વ ક્ષણિક છે, સત્ હોવાથી” આ અનુમાન નિરર્થક જ બની જશે. (કે જે બૌદ્ધોને ઇષ્ટ નથી.) આ રીતે નિર્વિકલ્પકદર્શન ક્ષણિકઅંશમાં પણ પ્રમાણ નથી. નીલાદિ અંશોમાં તો “આ નીલ છે” આવા પ્રકારના અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન કરવાના કારણે પ્રમાણરૂપ મનાય છે.
તાત્પર્ય એ છે કે એક જ નિર્વિકલ્પકદર્શનને નીલાદિ અંશોમાં અનુકૂલ અધ્યવસાયની ઉત્પત્તિ થતી હોવાથી પ્રમાણરૂપ તથા ક્ષણિક અને અક્ષણિક અંશોમાં અપ્રમાણરૂપ બૌદ્ધો માને છે. તેનાથી સિદ્ધ થાય છે કે તેઓ એક વસ્તુમાં અનેક ધર્મોનો સ્વીકાર કરે છે. તેથી તેઓએ બલાત્કારે પણ અમારા સ્યાદ્વાદનું અનુસરણ કરવું જ પડે છે, તે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તેઓ એક જ નિર્વિકલ્પકદર્શનને પ્રમાણ અને અપ્રમાણરૂપ માનતા અનેકાંતવાદનું જ સમર્થન કરે છે.)
પંક્તિનો ભાવાનુવાદ (પહેલાં બૌદ્ધો અનેકાંતનો કેવી રીતે સ્વીકાર કરે છે, તે પ્રકાશિત કરાય છે.) નિર્વિકલ્પકદર્શન દ્વારા ક્ષણિક અને અક્ષણિક સાધારણ અર્થને વિષય કરાતો હોવાથી કોઈક ભ્રમના કારણે (અર્થાત્ અનાદિકાલીન અવિદ્યા વગેરે કારણોથી વસ્તુ ક્ષણિક હોવા છતાં) અક્ષણિકત્વનો આરોપ થવા છતાં પણ તે નિર્વિકલ્પકદર્શન અક્ષણિકત્વ અંશમાં પ્રમાણ નથી, પરંતુ અપ્રમાણ છે. કારણકે વિપરીત અધ્યવસાય વિકલ્પો)થી ઉત્પન્ન થયેલું છે (ઘેરાયેલું છે.) તથા તે દર્શન ક્ષણિકત્વ અંશમાં પણ પ્રમાણ નથી. કારણ કે “આ ક્ષણિક છે” ઇત્યાકારક (અનુરૂપ) અધ્યવસાયને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ તે જ દર્શન નીલરૂપમાં “આ નીલ છે” આવા પ્રકારના નિશ્ચયને કરાવતું હોવાથી પ્રમાણ છે. આ પ્રમાણે બૌદ્ધ વાદિઓએ એક જ