________________
६१६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
પુદ્ગલ દ્રવ્યમાં ઘટના દષ્ટાંતમાં કહ્યા પ્રમાણેના અનંતા સ્વ-પરધર્મો હોય છે. શબ્દોમાં ઉદાત્તત્વ, અનુદાત્તત્વ, સ્વરિતત્વ, વિવૃતત્વ, સંવૃતત્વ, ઘોષતા, અઘોષતા, અલ્પપ્રાણતા, મહાપ્રાણતા, અભિલાપ્યત્વ, અનભિલાપ્યત્વ, અર્થવાચકતા, અર્થાવાચકતા, ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં અને ભિન્ન-ભિન્નસમયોમાં ભિન્ન-ભિન્નભાષાઓના અનુસારે અનંતપદાર્થોનું કથન કરવાની શક્તિ રાખવી ઇત્યાદિ અનેકધર્મો છે.
આત્માદિ સર્વદ્રવ્યોમાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્ય, વિશેષ, સત્ત્વ, અસત્ત્વ, અવક્તવ્યત્વ, વક્તવ્યત્વ તથા અનંતપદાર્થોથી વ્યાવૃત્ત થવાનો સ્વભાવ અર્થાત્ અનંતા વ્યાવૃત્તિધર્મોનો સદ્ભાવ જાણવો.
શંકાઃ (વસ્તુના) જે સ્વપર્યાયો છે, તે સર્વે તેના સંબંધી ભલે હોય. પરંતુ જે પર-પર્યાયો છે કે જે વિભિન્ન વસ્તુઓમાં રહેલા હોવાથી કેવી રીતે તેનો સંબંધી તરીકેનો વ્યપદેશ કરી શકાય ! અર્થાત્ ઘટના પોતાના સ્વરૂપઆદિની અપેક્ષાએ “અસ્તિત્વ' તો તેનો ધર્મ થઈ શકે છે. પરંતુ પટ આદિ પરપદાર્થોનો નાસ્તિત્વ તો પટ આદિ પરપદાર્થોને આધીન છે. આથી તેને ઘટના ધર્મ કેવી રીતે કહી શકાય ?
સમાધાનઃ વસ્તુમાં પર્યાયોનો સંબંધ બે પ્રકારે છે. એક અસ્તિત્વ રૂપથી અને બીજો નાસ્તિત્વ રૂપે. તેમાં વસ્તુનો સ્વ-પર્યાયોની સાથે અસ્તિત્વ સંબંધ છે. જેમકે ઘટનો રૂપાદિ પર્યાયો સાથેનો સંબંધ. તથા ઘટનો પર-પર્યાયોની સાથે નાસ્તિત્વ સંબંધ છે. કારણ કે વિવક્ષિત વસ્તુમાં તે પરપર્યાયોનો સંભવ નથી. (તેથી નાસ્તિત્વરૂપે સંબંધ છે.) જેમકે ઘટાકાર અવસ્થામાં મૃદુરૂપતા. પર્યાયની સાથે સંબંધ નથી. કારણ કે તે પર્યાયો (વર્તમાનમાં) તેના નથી. આથી તે પર્યાયો નાસ્તિત્વસંબંધથી વસ્તુ સાથે જોડાયેલા છે. અને આથી તે પર્યાયોનો પર-પર્યાયો તરીકે વ્યપદેશ કરાય છે. (ટુંકમાં જે કારણથી તે પર-પર્યાયો તે પદાર્થમાં રહેતા નથી – અસત્ છે, તે જ કારણે તે પર-પર્યાયો કહેવાય છે. જો તે પર્યાયો વસ્તુમાં અસ્તિત્વ રાખતા હોત તો વસ્તુના સ્વ-પર્યાય જ કહેવાત તથા પરની અપેક્ષાએ નાસ્તિત્વ નામનો ધર્મ તો ઘટ આદિ વસ્તુઓમાં જ જોવા મળશે અને જો ઘટ પટરૂપે અસતું ન હોય તો તે પટરૂપ જ બની જશે, કે જે તમને પણ ઇષ્ટ નથી. આથી પર-પર્યાયોથી વસ્તુનો નાસ્તિત્વરૂપ સંબંધ માનવો જ જોઈએ.)
શંકા જે પર્યાયો જે વસ્તુમાં વિદ્યમાન જ નથી, તો કેવી રીતે તે પર્યાયો તે વસ્તુના પર્યાયો છે એ પ્રમાણે વ્યપદેશ કરી શકાય ! જેમકે દરિદ્રને ધન હોતું નથી, તેથી ધનને દરિદ્રના સંબંધી તરીકે વ્યપદેશ કરવા માટે શક્ય નથી. અર્થાત્ દરિદ્ર પાસે ધન ન હોવાથી દરિદ્રનું ધન' આવો વ્યવહાર થતો નથી. (તથા જે વસ્તુ જેમાં જોવા મળતી નથી, તે વિરુદ્ધ છે.) તેથી વસ્તુમાં પરપર્યાયોના વ્યપદેશ કરવા દ્વારા લોક વ્યવહારનો અતિક્રમ ન થાઓ !