________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६२१
પ્રતિયોગિપદાર્થોના અભાવ વિના થઈ શકતું નથી. અર્થાતુ વસ્તુની પ્રતિનિયત સ્વભાવતા પ્રતિયોગિના અભાવના કારણે છે. તેથી જ્યાં સુધી પ્રતિયોગિનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અધિકૃત વસ્તુ તે પ્રતિયોગિના અભાવસ્વરૂપ છે, એવું તત્ત્વતઃ જાણી શકાતું નથી. અને તે પ્રમાણે હોતે છતે (અર્થાત્ વસ્તુનું યથાવસ્થિત જ્ઞાન કરવા માટે પ્રતિયોગિનું જ્ઞાન જરૂર હોતે છતે) પટાદિપર્યાયો પણ ઘટના પ્રતિયોગિ હોવાથી, તેના જ્ઞાનવિના ઘટ યથાવસ્થિતપણે જાણવા માટે શક્ય બનતો નથી. આથી આ પ્રમાણે પટાદિ પર્યાયો પણ ઘટના પર્યાયો જ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – “જેની અનુપલબ્ધિમાં જેની અનુપલબ્ધિ હોય, તે તેનો સંબંધી છે. જેમકે ઘટના રૂપાદિતથા પટાદિપર્યાયોની અનુપલબ્ધિમાં ઘટની યથાવસ્થિત ઉપલબ્ધિ થતી નથી. આથી પટાદિપર્યાયો ઘટના સંબંધી છે.” ઉપરોક્ત અનુમાન પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી. કારણ કે પટાદિપર્યાયરૂપ પ્રતિયોગના જ્ઞાનવિના પટાદિ-અભાવાત્મક ઘટના જ્ઞાતત્વનો પરમાર્થથી અયોગ છે. અર્થાત્ પટાદિપર્યાયરૂપ પ્રતિયોગિના જ્ઞાન વિના ઘટમાં પટાદિનો અભાવ છે, આવું પરમાર્થથી જ્ઞાન થઈ શકતું નથી.
આમ અધિકૃતવસ્તુના યથાવસ્થિત જ્ઞાન માટે પ્રતિયોગિનું જ્ઞાન આવશ્યક છે. તેથી જ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણપૂજ્યશ્રીએ કહ્યું છે કે “જેને જાણવાથી જેનું જ્ઞાન થાય છે અને જેને નહિ જાણવાથી જેનું જ્ઞાન થતું નથી, તે તેના ધર્મો કેમ ન કહી શકાય?(કહી જ શકાય). જેમકે ઘટના રૂપાદિધર્મો.”
તેથી પટાદિપર્યાયો પણ ઘટના સંબંધીઓ જ છે. તથા પર-પર્યાયો (અધિકૃત વસ્તુના) સ્વપર્યાયોથી અનંતગુણા છે.
અમારી આ વાત અનાર્ષીય પણ નથી. અર્થાત્ પૂર્વ ઋષિઓ દ્વારા કહેવાયેલી જ છે. કારણ કે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” આ કથનનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે – જે એક વસ્તુને સ્વ-પર સર્વે પર્યાયો ધ્વારા જાણે છે, તે નિયમથી સર્વવસ્તુઓને જાણે છે. કારણ કે સર્વના જ્ઞાનવિના વિવક્ષિત એક વસ્તુનું સ્વ-પરપર્યાયના ભેદની ભિન્નતાએ સર્વપ્રકારે જ્ઞાન થઈ શકતું નથી. તથા જે સર્વને સર્વપ્રકારે સાક્ષાત્ જાણે છે, તે સ્વ-પ૨પર્યાયના ભેદથી ભિન્ન એક વસ્તુને જાણે છે. અન્યત્ર પણ કહ્યું છે કે “જેના વડે એક ભાવ સર્વથા જોવાયો છે, તેના દ્વારા સર્વપ્રકારે સર્વભાવો જોવાયા છે તથા જેના દ્વારા સર્વભાવ સર્વથા જોવાયા છે, તેના દ્વારા સર્વપ્રકારે એકભાવ જોવાયો છે.”
તેથી સકલવસ્તુઓ પ્રમેય હોવાથી અનંતધર્માત્મક સિદ્ધ થાય છે. અર્થાતુ આ વિવેચનથી સિદ્ધ થાય છે કે સર્વે વસ્તુઓ અનંતધર્માત્મક છે. કારણ કે પ્રમેય છે. પપII