________________
५४६
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
તો મુક્તાત્માને પણ આચ્છાદિત કરશે તેમ માનવું પડશે, કે જે તમને ઇષ્ટ નથી. આથી દ્વિતીય પક્ષ પણ અયોગ્ય છે.
વળી તમે “સંસારી આત્મા કર્તા નથી. છતાં પણ તેને ભોક્તા તરીકે સ્વીકાર કરેલ છે.” તે પણ ઉચિત નથી. કારણ કે સંસારી આત્માને કર્તાતરીકે નહિ સ્વીકારવામાં અને ભોક્તા તરીકે સ્વીકારવામાં કૃતનાશ અને અકૃતાત્માગમ વગેરે દોષો આવી પડશે. કહેવાનો આશય એ છે કે જે પ્રકતિએ કાર્ય કરીને પુરુષાર્થ કર્યો છે, તેનું ફળ તો તેને નહિ મળે. પરંતુ જેને કોઈ પુરુષાર્થ કર્યો નથી તેવા પુરુષને ફળ મળશે. તેથી પ્રકૃતિએ કરેલા કર્મનું પ્રકૃતિને ફળ ન મળતાં કૃતનાશ દોષ આવશે. જેને કંઈ કર્મ કર્યું નથી તેવા પુરુષને ફળ મળવાથી અકૃતાભ્યાગમદોષ આવશે. (આ બંને દોષ એ માટે કહેવાય છે કે જગતમાં જે કર્મ કરે તેને ફળ મળે અને જે કર્મ ન કરે તેને ફળ મળતું નથી. આનાથી વિપરીત જોવા મળતું નથી. આનાથી વિપરીત બને ત્યારે આ દોષો પેદા થતા હોય છે.)
વળી તમે જવાબ આપો કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ કોનાદ્વારા કરાયો છે ? શું પ્રકૃતિદ્વારા બંનેનો સંયોગ થયો છે કે શું આત્માદ્વારા ઉભયનો સંયોગ થયો છે ?
પ્રકૃતિદ્વારા ઉભયનો સંયોગ થયો છે તેમ માની શકાય એમ નથી. કારણ કે પ્રકૃતિ સર્વગત હોવાથી મુક્તાત્માની સાથે પણ પ્રકૃતિનો સંયોગ થવાની આપત્તિ આવશે.
“આત્મદ્વારા ઉભયનો સંયોગ થયો છે” તેવું પણ માનવું યોગ્ય નથી. કારણ કે આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, તો તેને શા માટે પ્રકૃતિ સાથે સંયોગ કરવો પડે ? આત્મા પ્રકૃતિ સાથે સંયોગ કરે છે, તેમાં કોઈ હેતુ છે કે નહિ ? તે પણ તમારે કહેવું જોઈએ.
જો તમે એમ કહેશો કે આત્માને પ્રકૃતિને ગ્રહણ કરવામાં હેતુ છે, તો તે હેતુ શું આત્મા છે કે પ્રકૃતિ છે ? ત્રીજો કોઈ હેતુ તો તમે આપી શકશો નહિ. કારણ કે તે બંન્નેથી અન્યવહુનો સ્વીકાર તમે કર્યો જ નથી.
“આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં કારણ (હેતુ) પ્રકૃતિ છે.”—આવો પ્રથમપક્ષ ઉચિત નથી. કારણકે પ્રકૃતિ આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં કારણ હોય તો પ્રકૃતિ સાથે મુક્તાત્માનો પણ સંયોગ કેમ ન થાય ? કારણ કે પ્રકૃતિના સંયોગથી પૂર્વે સંસારી આત્મા અને મુક્તાત્મા બંનેનું શુદ્ધચૈતન્યસ્વરૂપ હોવાના કારણે બંને સમાન જ છે. વળી “પ્રકૃતિનો સંસારી આત્મા સાથે જ સંયોગ થાય અને મુક્તાત્મા સાથે સંયોગ ન જ થાય” તેમાં કોઈ નિયામકકારણ પણ નથી. આમ પ્રથમપક્ષ ઉચિત નથી.
“આત્માના પ્રકૃતિ સાથેના સંયોગમાં હેતુ આત્મા છે.”—આવો દ્વિતીયપક્ષ ઉચિત નથી.