________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४९७
ટીકાનો ભાવાનુવાદ
કાલદ્વારા પદાર્થોના વર્તનાદિ પરિણમનસ્વરૂપ ઉપકાર થાય છે. અથવા પદાર્થોના વર્તનાદિઉપકારો કાલના લિંગો છે.
તત્ત્વાર્થસૂત્ર અ. ૫/૨૨ માં કહ્યું છે કે – વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ પાંચ કાલના ઉપકાર છે.
સ્વયં પદાર્થ વર્તે છે. તે સ્વયં વર્તનારા પદાર્થોને સહાયતા આપવાની કાલની પ્રવૃત્તિ (શક્તિ)ને વર્તના કહેવાય છે. પ્રથમસમયમાં થવાવાળી પદાર્થની સ્થિતિ તે વર્તના છે.
પોતાનો મૂળસ્વભાવ છોડ્યા વિના મૂળસ્વભાવમાં જ એકઅવસ્થાને છોડીને બીજી અવસ્થામાં જવું તે પરિણામ કહેવાય છે. અર્થાતુ એકપર્યાયમાંથી બીજાપર્યાયમાં જવું તે પરિણામ કહેવાય છે. જેમકે વૃક્ષની અંકુર, મૂલાદિઅવસ્થાઓ તે પરિણામ છે. અર્થાતુ ભૂતકાળમાં અંકૂરો હતો, તેમાંથી વર્તમાનમાં સ્કન્ધવાળો થયો અને ભવિષ્યમાં પુષ્પવાળો થશે. આ રીતે અવસ્થાન્તરની અંદર પરિણમન થવું તે પરિણામ કહેવાય છે. તે જ રીતે પુરુષદ્રવ્યની બાલ, કુમાર, યુવાનીવગેરે અવસ્થાઓ પરિણામ છે.
પરિણામ બે પ્રકારનો છે. (૧) અમૂર્ત ધર્માદિ દ્રવ્યોમાં અનાદિપરિણામ છે. (૨) મૂર્ત એવા અભ્ર(વાદળાં), ઇન્દ્રધનુષ્ય વગેરેમાં તથા સ્તંભ, ઘટ, કમળ વગેરેમાં સાદિપરિણામ છે.
જે દ્રવ્યોના પરિણમનની શરૂઆત ન હોય તે અનાદિપરિણામ અને જે દ્રવ્યોના પરિણમનનો પ્રારંભ થયો હોય તે સાદિપરિણામ.
એકજાતીય વનસ્પતિઓમાં ઋતુભેદથી અને સમયના ભેદથી એક જ કાલમાં વિચિત્ર પરિણામ થાય છે. પુરુષના પ્રયોગથી કે સ્વાભાવિકરીતે ઉત્પન્ન થયેલા જીવોના પરિણમન માટે થવાવાળી વ્યાપારક્રિયામાં કાલ સહાયક થાય છે. અર્થાત્ જીવોનું અવસ્થાન્તરમાં પરિણમન પ્રયોગથી કે સ્વાભાવિકરીતે થાય છે. તે પરિણમન માટે થવાવાળી વ્યાપારક્રિયામાં કાલ સહાયક બને છે. ઘટ નાશ પામ્યો, સૂર્યને હું જોઉં છું, વરસાદ થશે, ઇત્યાદિ અતીતાદિ વ્યપદેશો અર્થાત્ પરસ્પરઅસંકીર્ણ એવા અતીતાદિ કાલસંબંધી વ્યવહારોનો, જેની અપેક્ષાએ વ્યયદેશ કરાય છે, તે કાલ છે. “આ પર છે આ અપર છે' ઇત્યાદિ જ્ઞાન તથા વ્યવહાર પણ કાલનિમિત્તક જ છે. અર્થાત્ કાલ નિમિત્તથી થાય છે.
તેથી આ પ્રમાણે વર્તનાઆદિ લિંગોથી અનુમેય કાલદ્રવ્ય મનુષ્યલોકમાં જ છે. મનુષ્યલોકથી બહાર કાલદ્રવ્ય નથી. મનુષ્યલોકની બહાર રહેલા પદાર્થો સ્વયં જ ઉત્પન્ન થાય છે, સ્વયં નાશ પામે છે અને સ્વયં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યલોકથી બહાર પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ જ હોય છે. કાલની સહાયતાથી નહિ.