Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન શ્રી પોપટભાઈ દફતરીની વિનંતી સ્વીકારીને મોક્ષમાળા' લખી હતી. તેવી જ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રી સૌભાગ્યભાઈની વિનંતીથી કરવામાં આવી હતી. હવે આ અનુપમ કૃતિના સર્જનના ઇતિહાસ તરફ વળીએ.
વિ.સં. ૧૯૫૧માં સુરતમાં શ્રી લલ્લુજી મુનિ ૧૦-૧૨ માસથી તાવની બીમારીથી રસ્ત હતા. તેમને કોઈ દવાથી ફાયદો ન થયો અને મંદવાડ વધી ગયો. તે અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી ૧૦-૧૨ માસની માંદગી ભોગવીને મરી ગયા. શ્રી લલ્લુજી મુનિને ચિંતા થવા લાગી કે તેમનો દેહ પણ છૂટી જશે. તેથી તેમણે શ્રીમ ઉપરાઉપરી પત્રો લખીને વિનંતી કરી કે તેમનો દેહ બચે તેમ લાગતું નથી અને સમકિત વિના દેહ છૂટી જશે તો તેમનો મનુષ્યભવ વ્યર્થ જશે. તેમણે શ્રીમને સમકિત આપવાની વિનંતી કરી. શ્રીમદે અનંત કૃપા કરી તે પત્રોના ઉત્તરમાં આત્માનાં છ પદને સમ્યકપણે પ્રરૂપતો અને સમ્યજ્ઞાનના હેતુભૂત ‘છ પદનો પત્ર' (પત્રાંક-૪૯૩) વિ.સં. ૧૯૫૧ના વૈશાખ માસમાં લખ્યો. શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તેમણે તે પત્રનું વિશેષ વિવેચન કરી શ્રી લલ્લુજી મુનિને તેનો પરમાર્થ સમજાવ્યો અને તે પત્ર મુખપાઠે કરી, તેને વારંવાર વિચારવાની ભલામણ કરી. પ્રકરણગ્રંથમાં ગણના પામે એવા સૂત્રાત્મક શૈલીથી લખાયેલા આ પત્રમાં સદ્ગુરુને નમસ્કાર કરી, સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક એવાં ‘આત્મા છે', “આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્તા છે', ‘આત્મા ભોક્તા છે', “મોક્ષ છે' અને “મોક્ષનો ઉપાય છે' - આ છ પદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માની યથાર્થ ઓળખાણ થાય તથા સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવી અપૂર્વ વાણીમાં આ તત્ત્વજ્ઞાનનો બોધ આપ્યો છે. તે પછી જીવ કઈ રીતે સમ્યગ્દર્શન પામે અને તેની પ્રાપ્તિ પછી તે જીવની દશા કેવી હોય તેનું એક ફકરામાં વર્ણન કર્યું છે અને ત્યારપછી ચાર ફકરામાં સઘન અને હૃદયસ્પર્શી શૈલીમાં નિષ્કારણ કરુણાશીલ સત્પરુષનો મહિમા વર્ણવી, તેમને ભક્તિરસભર્યા અદ્ભુત નમસ્કાર કર્યા છે. આ પત્રમાં શ્રીમની અદ્ભુત આત્મવિચારધારા અને તેમના પરમ ભક્તિમય આત્માનું તાદેશ દર્શન થાય છે. શ્રીમદે એકેક શબ્દ એવો તોળી તોળીને મૂક્યો છે કે આ પત્ર યથાર્થ સમજવા માટે તેનું ધીરજથી ઊંડાણપૂર્વક મનન કરવું આવશ્યક છે. તેની વિચારણાથી સમસ્ત શ્રુતજ્ઞાનનો ઉદય થાય એવું અપૂર્વ દેવતા તેમાં રહેલું છે. અનેક મહાન ગ્રંથો જે તત્ત્વને સમજાવવા ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા દ્વારા પ્રકાશિત ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છ પદના પત્રની મિતિ વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ છે. તે પછી પરમશ્રત પ્રભાવક મંડળ તરફથી પ્રકાશિત ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ ફાગણ ૧૯૫૦ લખી છે, જે પ્રમાણે પછીની દરેક આવૃત્તિમાં છપાયેલ છે. શ્રી લલ્લુજી મુનિનું જીવનચરિત્ર જોતાં છ પદનો પત્ર વિ.સં. ૧૯૫૧નો હોવો ઘટે છે, કેમ કે મુનિશ્રી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મુંબઈ કરી, વિહાર કરતાં કરતાં સુરત ગયા હતા. ત્યાં ૧૦-૧૨ માસની માંદગી પછી તેમની વિનંતીથી શ્રીમદે છ પદનો પત્ર લખ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org