________________
૩૯ ભાવાર્થ - - બૌદ્ધ સર્વ પદાર્થોને ક્ષણિક કહે છે અને સર્વપદાર્થગત આત્મા પણ ક્ષણિક છે. અને તેમાં તે યુક્તિ આપે છે કે, દરેક પદાર્થનો પ્રથમક્ષણ અને અંતિમ ક્ષણમાં એક સ્વભાવ માનવો જોઈએ, અને તેમ માનીએ તો પદાર્થ ક્ષણિક થાય. તેમાં તે યુક્તિ આપે છે કે, સ્થૂલ વ્યવહારથી એક ઘડો એક મહિના સુધી અવસ્થિત દેખાય છે ત્યારે, તે ઘડામાં જે પ્રથમક્ષણનો સ્વભાવ હતો તે સ્વભાવ જ નાશની પૂર્વેક્ષણ જે ઘટની અંતિમ ક્ષણ છે, તેમાં સ્વીકારવો જોઈએ. અને તેમ માનીએ તો ઘટની પ્રથમક્ષણમાં તેમાં એક મહિનો રહેવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારવું પડે; અને તે જ રીતે દ્વિતીયાદિ ક્ષણોમાં પણ તેમાં એક મહિનો રહેવાનો સ્વભાવ માનવો જોઈએ. અને તેમ સ્વીકારીએ તો તે ઘટ સદા સ્થાયી છે, તે ક્યારેય નાશ પામતો નથી તે જ પ્રાપ્ત થાય. કેમ કે ઘટનો એક મહિનો રહેવાનો સ્વભાવ ક્યારેય પરિવર્તન પામતો નથી. જો એમ માનવામાં આવે કે ઘટની પ્રથમ ક્ષણમાં એક મહિનો રહેવાનો સ્વભાવ હતો, અને બીજી ક્ષણમાં એક ક્ષણ ન્યૂન એક મહિનો રહેવાનો સ્વભાવ છે, તો એમ માનવું પડે કે ઘટના સ્વભાવની પરાવૃત્તિ થઈ. તેમ સ્વીકારીએ તો સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારવો પડે, અને સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ ન સ્વીકારીએ તો ઘટ કરતાં પટ જુદો છે તેમ માની શકાય નહિ. કેમકે ઘટ કરતાં પટનો સ્વભાવ જુદો છે, તેથી ઘટ કરતાં પટની વિલક્ષણતા પ્રતીત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ક્ષણના ઘટ કરતાં બીજી ક્ષણનો ઘટ જુદા સ્વભાવવાળો છે. કેમકે પ્રથમ ક્ષણનો ઘટ એક મહિનો રહેવાના સ્વભાવવાળો હતો અને બીજી ક્ષણનો ઘટ એક મહિનામાં એક ક્ષણ ઓછી રહેવાના સ્વભાવવાળો છે. માટે પ્રથમ ક્ષણનો ઘટ નાશ પામ્યો ત્યારે બીજી ક્ષણનો ઘટ ઉત્પન્ન થયો. તેથી પદાર્થ ક્ષણિક જ છે. માત્ર પૂર્વના ઘટસદશ આકારવાળો બીજી ક્ષણનો ઘટ હોવાથી આ તે જ ઘટ છે, તેવો ભ્રમ થાય છે. અને એક મહિના સુધી તે પ્રકારનો સદશ ઘટનો પ્રવાહ પેદા થાય છે, માટે સ્થૂલિબુદ્ધિ તે ઘટને એક મહિના સુધી સ્થાયી સ્વભાવવાળો માને છે, પણ પરમાર્થની દૃષ્ટિએ તો તે ઘટ ક્ષણવિનાશી છે, અને તે જ રીતે સર્વ પદાર્થો અને આત્મા ક્ષણવિનાશી છે.
આ રીતે પદાર્થને ક્ષણિક સ્થાપન કર્યા પછી, આત્મા ક્ષણિક છે, તે જ્ઞાન થવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, તે બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org