________________
૨૯૯
પ્રગટ થયેલો ગુણ જતો નથી, પરંતુ ઉત્તરગુણનું કારણ બને છે. એ જ વાત યુક્તિથી બતાવે છે -
જો ભવસ્થિતિના પરિપાકથી થયેલો ગુણ ચાલ્યો જતો હોય, તો કારણનું જે લક્ષણ છે તે એમાં ઘટે નહિ; અને કારણનું લક્ષણ એ છે કે અનન્યથાસિદ્ધ હોતે છતે કાર્યની નિયત પૂર્વવર્તી જે હોય તે કારણ કહેવાય. અર્થાત્ પાંચ અન્યથાસિદ્ધિ છે તેમાંની કોઈ અન્યથાસિદ્ધિ ન હોય, અને કાર્યની નિયત પૂર્વવર્તી હોય, તે કારણ કહેવાય.
જેમ ઘટરૂપ કાર્યની નિયત પૂર્વવર્તી દંડ છે, તેથી દંડ કારણ છે, અને તેનાથી અન્ય સામગ્રી મળે તો કાર્ય અવશ્ય થાય છે.
દંડની જેમ દંડમાં રહેલું દંડત્વ અને દંડનું રૂપ એ પણ કાર્યનિયતપૂર્વવર્તી છે, છતાં તે બંને અન્યથાસિદ્ધ છે, તેથી ઘટરૂપ કાર્ય પ્રત્યે કારણ નથી; પરંતુ ઘટના કારણ તરીકે દંડનો વ્યવહાર થાય છે, કેમ કે ઘટકાર્યનો અર્થી ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડને કારણ તરીકે સ્વીકારે છે, દંડત્વ કે દંડરૂપને નહિ.
એ રીતે પ્રસ્તુતમાં જ્યારે જીવની ભવસ્થિતિનો પરિપાક થાય છે ત્યારે પ્રથમ ગુણ પ્રગટે છે, અને એ ગુણને વિકસાવવાની અન્ય સામગ્રી મળે છે ત્યારે અવશ્ય ઉત્તરમાં ગુણ વિકસે છે; અને જ્યાં સુધી અન્ય સામગ્રી ન મળે ત્યાં સુધી એ ગુણ વિકાસ પામતો નથી, તો પણ તે ગુણ નાશ પણ પામતો નથી. આથી જ અપુનર્બંધક થયા પછી જીવ માર્ગથી દૂર થઈ જાય તો પણ તે અપુનબંધક રહે જ છે; તેથી ઉત્કૃષ્ટ સંક્લેશને ત્યાર પછી પામી શકતો નથી, અને તે ગુણ જ આગળના ગુણ પ્રત્યે કારણ બને છે. જેમ દંડને અન્ય સામગ્રી ન મળે ત્યાં સુધી દંડથી ઘટ નિષ્પન્ન થતો નથી, જ્યારે અન્ય સામગ્રી મળે ત્યારે દંડથી ઘટરૂપ કાર્ય થાય છે.
ઉત્થાન :
આ રીતે પહેલા ગુણ ભવસ્થિતિના પરિપાકથી થાય છે એ બતાવ્યું. હવે મોક્ષ રત્નત્રયીરૂપ ગુણની પ્રાપ્તિથી થાય છે, માટે મોક્ષનો ઉપાય રત્નત્રયી છે; પરંતુ ભવિતવ્યતાથી મોક્ષ થાય છે એમ જે પૂર્વપક્ષી કહે છે, તે યુક્ત નથી. તે બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org