________________
૨૪૦
ભાવાર્થ :
જીવે અનાદિકાળથી ઇંદ્રિયોનું સુખ જ અનુભવ્યું છે, તેથી જીવનો મૂળ સ્વભાવ નહિ હોવા છતાં સહજ રીતે જીવની પ્રવૃત્તિ ઇંદ્રિયોના સુખમાં થાય છે. પરંતુ જ્યારે સંસારનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ જીવ જાણે છે, ત્યારે સંસારની કદર્થનાઓથી બચવા માટે અને આત્માના સુખને મેળવવા માટે જીવને ઇચ્છા થાય છે. તેથી તે સુખ મેળવવા માટે મનોરથો કરે છે, અને સામગ્રીને અવલંબીને તે સુખ માટેનો પ્રારંભિક અભ્યાસ શરૂ કરે છે. જેમ જેમ શાસ્ત્રવચનનું અવલંબન લઈને ઉપશમસુખ માટે જીવ અભ્યાસ કરે છે, ત્યારે પોતાના મનોરથ પ્રમાણે જો તે યત્ન કરી શકે તો તે મનોરથ પુરાવાથી માનોરથિક સુખ થાય છે; અને તે શાસ્ત્રની ક્રિયાઓના અભ્યાસથી અંશે અંશે ઇંદ્રિયોના વિકાર શમવાથી આભ્યાસિક સુખ થાય છે. આ રીતે નવા નવા મનોરથો અને વિશેષ વિશેષ પ્રકારનો ઉપશમવિષયક જીવ અભ્યાસ કરે, તો વિશેષ વિશેષ પ્રકારનું ઉપશમનું સુખ અભ્યાસદશામાં આભ્યાસિક અને માનોરથિક થાય છે. તેથી જ કહ્યું કે પ્રારંભદશામાં આભ્યાસિક અને માનોરથિક સુખનો વિસ્તાર છે અર્થાત્ ક્રમસર ઉપર ઉપરની ભૂમિકાનું ઉપશમનું સુખ પ્રાપ્ત થાય છે.
અથવા પ્રારંભિક ભૂમિકામાં જે ધર્મની ક્રિયાઓ જીવ કરે છે, તે વખતે તે ક્રિયાઓથી કાંઈક અંશે ઉપશમનું સુખ પ્રગટે છે, તે અભ્યાસથી થનારું ઉપશમસુખ છે. અને તે વખતે પણ ઉપરની ભૂમિકામાં જવાનું પોતાનું સામર્થ્ય ન હોય ત્યારે ઉપરની ભૂમિકામાં જવા માટેના મનોરથો જીવ કરે છે. જેમ દેશવિરતિધર શ્રાવક દેશવિરતિની ક્રિયાથી કાંઈક અંશે ઉપશમનું સુખ પામતો હોય, અને પોતાની સર્વવિરતિની ભૂમિકા ત્યારે નહિ હોવાને કારણે તે સર્વવિરતિ ગ્રહણ કરતો નથી, તો પણ પ્રસંગે પ્રસંગે સર્વવિરતિ ગ્રહણ કરવાના મનોરથો કરે છે. જ્યારે તેવા મનોરથોને અનુકૂળ ભાવનાઓથી ચિત્ત વાસિત થાય છે, ત્યારે તે મનોરથોથી પણ કાંઇક વિશેષ પ્રકારનો ઉપશમભાવ પ્રગટે છે. તેથી પ્રારંભિક દશામાં અભ્યાસથી અને મનોરથથી ઉપશમસુખનો વિસ્તાર હોય છે, તેમ કહેલ છે.
ઉત્થાન :
અભ્યાસથી અને મનોરથથી સુખ થાય છે, તે વાત અનુભવથી બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org