________________
પ૧૧
પ્રતિમાશતક, બ્લોકઃ ૩૬ છે, તેથી તેની શુદ્ધિ માટે તમારા શાસ્ત્રમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કહેવું જોઈએ, પણ તેમ કહેલ નથી, તેથી તે સંગત નથી. માટે હું તમને પૂછું છું કે, આનું કારણ શું? તેને ગ્રંથકાર કહે છે કે, જો તું વક્રતાથી પૂછે છે તો તેનો જવાબ આ છે -
અહીં વક્રતાથી પૂછે છે, એમ કહેવાનો આશય એ છે કે, જો પૂર્વપક્ષી વક્રતાથી એમ પૂછવા માંગતો હોય કે નદી ઊતરવામાં હિંસાને કારણે જો તમે ઈરિયાવહિયા સ્વીકારો છો તો દ્રવ્યસ્તવમાં પણ ઈરિયાવહિયા સ્વીકારવી જોઈએ, કેમ કે હિંસા ઉભયત્ર સમાન છે. તો ગ્રંથકાર જવાબ આપે છે કે, ઈરિયાવહિયા એ વ્રતભંગના મહાપાપને શોધવામાં સમર્થ છે, અને જે સાધુએ પાંચ મહાવ્રતો લીધાં છે અને પાણીના જીવોની હિંસા કરીને નદી ઊતરે છે, તેણે પોતાના વ્રતનો ભંગ કર્યો કહેવાય,તે વ્રતભંગરૂપ મહાપાપની શોધક ઈરિયાવહિયાની ક્રિયા છે. અને શ્રાવકે સર્વ જીવોની હિંસા ન કરવી, એવું મહાવ્રત લીધેલું નથી, તેથી નહિ સ્વીકારેલા વ્રતના પાપને શોધન કરવા માટે ઈરિયાવહિયા સમર્થ નથી. જેમ મોટું વાવાઝોડું મોટા વૃક્ષને ઉખેડી શકે, પરંતુ તણખલાના અગ્રભાગનું ઉમૂલન કરી શકે નહિ; તેમ આ ઈરિયાવહિયાની ક્રિયા મોટા પાપની શુદ્ધિ કરે છે, પરંતુ શ્રાવકે વ્રત લીધું નથી તેથી દ્રવ્યસ્તવમાં જે હિંસા કરે છે તે નાનું પાપ છે, તે નાના પાપની શુદ્ધિ ઈરિયાવહિયા કરી શકતી નથી, માટે દ્રવ્યસ્તવમાં ઈર્યાપથિકી પ્રતિક્રમણ નથી. આ જવાબ ગ્રંથકારે વક્ર રીતે આપેલો છે; કેમ કે ગ્રંથકારને વાસ્તવિક રીતે નદી ઊતરવામાં મહાપાપ માન્ય નથી, અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં અલ્પપાપ પણ માન્ય નથી. તો પણ પૂર્વપક્ષીએ નદી ઊતરવામાં પાપને ગ્રહણ કરીને વક્રતાથી પૂછ્યું, તેથી ગ્રંથકારે પણ નદી ઊતરવામાં અને દ્રવ્યસ્તવમાં પાપને સ્વીકારીને વક્રતાથી જવાબ આપ્યો.
હવે જો પૂર્વપક્ષી વક્રતાથી પ્રશ્ન ન કરતો હોય, પરંતુ નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ કેમ છે, અને દ્રવ્યસ્તવમાં કેમ નથી, એનું ખરું હાર્દ શું? તે જાણવાની જિજ્ઞાસાથી પ્રશ્ન કરતો હોય તો “વસ્તુતઃથી ગ્રંથકાર જે કહે છે, તે કથનનો ભાવ આ પ્રમાણે છે –
શ્રાવકને સામાયિક, પૌષધની ક્રિયાઓ કે સંયમ લેવાની ક્રિયા ઈરિયાવહિયાથી નિયત છે; કેમ કે ઈરિયાવહિયાપૂર્વક જ આ સર્વ ક્રિયાઓ કરવાની શાસ્ત્રમાં વિધિ છે. અને સામાયિકાદિ ક્રિયામાં વર્તતા શ્રાવકને અને સાધુને સચિત્તાદિનો સંઘટ્ટો થઈ જાય કે ધંડિલાદિ માટે ગયો હોય, ત્યારે બીજી ઈરિયાવહિયા પ્રતિક્રમે છે. અને તે કરવાનું કારણ સામાયિક, પૌષધાદિમાં દ્વિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ છે, અને સાધુજીવનમાં ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ છે, અને તે પચ્ચખાણમાં અતિચારરૂપ માલિન્ય ન થાય એ પ્રકારના આશયથી ઈરિયાવહિયા કરવાની હોય છે. જ્યારે દ્રવ્યસ્તવમાં ઈરિયાવહિયાથી પ્રવૃત્તિ નથી, માટે એ સ્થાનમાં પ્રવૃત્તિ કર્યા પછી પણ ઈર્યાપ્રતિક્રમણ નથી. અને સાધુએ ઈરિયાવહિયાપૂર્વક જ સાધુપણું ગ્રહણ કર્યું છે અને નદી ઊતરતાં અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ સૂક્ષ્મ અતિચાર લાગેલો હોય, તત્કૃત માલિન્યના નિવારણ માટે નદી ઊતર્યા પછી સાધુ ઈર્યાપ્રતિક્રમણ કરે છે. જ્યારે શ્રાવકને સામાયિક, પૌષધને છોડીને અન્ય કોઈ ક્રિયાઓ ઈરિયાવહિયાથી નિયત હોતી નથી, તેથી દ્રવ્યસ્તવમાં પણ અનાભોગ કે સહસાત્કારથી અતિચાર લાગ્યો હોય તેની શુદ્ધિ માટે ઈર્યાપ્રતિક્રમણની વિધિ શાસ્ત્રમાં બતાવી નથી, માટે કોઈ દોષ નથી.