________________
પ્રતિમાશતક | શ્લોક : પપ
૬૩ ભાવ પેદા કરું કે જે સર્વથા નિરવદ્યભાવમાં વિશ્રાંત થાય. આમ, ઉત્સર્ગ-અપવાદ બંનેમાં લક્ષ્ય એક છે અને બંનેની સંખ્યા પણ સમાન જ છે.
જેમ મુનિ માટે સર્વથા નિર્દોષ ભિક્ષા લાવવી તે ઉત્સર્ગ છે, આમ છતાં તથાવિધ સંયોગમાં સંયમનું સંસ્તરણ ન થઈ શકે તેવું હોય તો, શક્ય એટલા દોષોના પરિહારપૂર્વક અને યતનાપૂર્વક દોષિત ભિક્ષા લાવે તે પણ સંયમનું કારણ બને છે, તેથી તે ઉત્સર્ગ અનુરોધી અપવાદ છે; કેમ કે, ઉત્સર્ગ-અપવાદ બંનેમાં મુનિનું સાધ્ય એક નિર્લેપ ચિત્ત છે. હવે જ્યારે નિર્દોષ ભિક્ષા લાવી શુદ્ધ ચિત્તથી મુનિને ધર્મધ્યાન કરવું છે, તે કરી શકે તેમ નથી, ત્યારે અપવાદથી દોષિત ભિક્ષા લાવીને પણ ધર્મધ્યાન કરે, તો તે દોષિત ભિક્ષારૂપ અપવાદનું સેવન પણ સંયમની વૃદ્ધિનો ઉપાય છે. આમ, બંનેમાં લક્ષ્ય એક છે.
તે જ રીતે ગૃહસ્થ માટે નિરારંભ જીવન જીવવું, એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ સર્વથા નિરારંભ જીવન જીવી શકે તેવું સામર્થ્ય હજુ તેનામાં પ્રગટ્યું નથી, ત્યારે તે ગૃહસ્થ દ્રવ્યસ્તવ રૂપ અપવાદમાર્ગનું સેવન કરે અને એ જ ભાવ ભાવે કે પૂજાના આ સદારંભ દ્વારા ક્યારે હું મલિન આરંભ દૂર કરી, નિરારંભી બનું ? આ રીતે સર્વથા નિષિદ્ધ હિંસારૂપ ઉત્સર્ગનો આ દ્રવ્યસ્તવરૂપ અપવાદ થયો. એ રીતે જેટલા ઉત્સર્ગમાર્ગ છે તે દરેકના અપવાદો છે અને દરેક અપવાદ છે તે કોઈક ઉત્સર્ગની અપેક્ષાએ છે. તેથી નિમ્ન-ઉન્નત ન્યાયથી ઉત્સર્ગની તુલ્ય સંખ્યાક અપવાદ છે.
આનાથી એ ફલિત થયું કે, ઉત્સર્ગ અપવાદ સાથે સંલગ્ન છે, તેથી તુલ્ય-સંખ્યાક પ્રાપ્ત થાય છે, અને જે અપવાદ, ઉત્સર્ગ સાથે સંલગ્ન હોય તે અપવાદ જ ઉત્સર્ગની રક્ષા કરનારો બને છે. આથી જ ભિન્નાર્થક અપવાદ હોય તે ઉત્સર્ગની સાથે સંલગ્ન નથી, તેથી ઉત્સર્ગની રક્ષા કરનારો થતો નથી; જેમ ભૂતિકામના માટે કરાતી યાગીય હિંસા મોક્ષથી ભિન્નાર્થક હોવાને કારણે ઉત્સર્ગની સાથે સંલગ્ન નથી, તેથી ઉત્સર્ગની રક્ષા કરનાર થતી નથી.
વળી દ્રવ્યસ્તવમાં અધિકારીના વિશેષણભૂત મલિન આરંભરૂપ જે દોષ છે, તે પણ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે, એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે, મલિન આરંભ તો જીવમાં રહે છે, પરંતુ દ્રવ્યસ્તવમાં મલિન આરંભ રહેતો નથી. તેથી પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવમાં રહેલ મલિન આરંભરૂપ દોષ અનુબંધહિંસાનો ઉચ્છેદ કરનાર છે, તેમ કેમ કહ્યું ? તેનું સમાધાન એ છે કે, મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવના અધિકારી એવા શ્રાવકમાં છે, અને તે દોષ શ્રાવક સંસારમાં મલિન આરંભ કરે છે ત્યારે, ઉપયોગરૂપે તેનામાં વર્તતો હોય છે; અને જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે, ઉપયોગરૂપે મલિન આરંભ વર્તતો નહિ હોવા છતાં, સંયમી જેવું નિરારંભી માનસ પ્રગટ નહિ થયું હોવાથી મલિન આરંભ કરે તેવી ચિત્તવૃત્તિ હજુ તેની વિદ્યમાન છે, તેવો શ્રાવક પૂજાનો અધિકારી છે. તેથી અધિકારીના વિશેષણભૂત એવો મલિન આરંભ જે જીવમાં છે, તે જીવ દ્રવ્યસ્તવનો અધિકારી છે. તેથી દ્રવ્યસ્તવ અને મલિન આરંભ એક શ્રાવકરૂપ અધિકરણમાં રહેલા હોવાથી એકાધિકરણ સંબંધથી દ્રવ્યસ્તવમાં મલિન આરંભ છે, તેમ સ્વીકારવામાં આવે છે. અને જીવમાં રહેલો મલિન આરંભ જ્યારે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે તે મલિન આરંભ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દ્વારા