________________
૭૧૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ગુણોને જોઈને ભગવાન પ્રત્યે પક્ષપાતનો પરિણામ થયો છે, તેથી ગુણપક્ષપાતરૂપ પ્રમોદભાવ પણ ત્યાં વર્તે છે, આ રીતે સમાધિજનિત ભાવ મૈત્રાદિથી ઉપભ્રંહિત હોય છે.
જો કે આ મૈત્રાદિ ભાવો ભગવાનની પૂજામાં તન્મય થયેલા જીવને સાક્ષાત્ વિચારણારૂપે હોતા નથી, પરંતુ ભગવાનના ગુણોમાં તન્મય થયેલો જીવ રાગાદિથી પર થતો જાય છે અને જેમ જેમ જીવ રાગાદિથી પર થતો જાય છે, તેમ તેમ તેનું ચિત્ત મૈત્રાદિભાવોના પ્રકર્ષવાળું બને છે. તેથી મૈત્રાદિથી ઉપઍહિત સમાધિજનિત ભાવ હોય છે.
વળી કહ્યું કે, વ્યુત્થાનકાળમાં પણ મૈત્રાદિથી ઉપભ્રંહિત સંસ્કારશેષપણારૂપે સમાધિજનિત ભાવ અનુવર્તે છે. ત્યાં પૂજામાં વ્યુત્થાનદશા એ છે કે, કોઈ જીવને ભગવાનના ગુણોથી ભગવાન પ્રત્યે આકર્ષણ હોવા છતાં તે સિદ્ધયોગી નહિ હોવાથી, પૂજાકાળ દરમ્યાન તેમની ઇંદ્રિયો સર્વથા ઉત્સુકતા વગરની નહિ હોવાને કારણે ક્વચિત્ અન્ય અન્ય વિષયને ગ્રહણ કરે છે. આમ છતાં ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ વર્તે છે, અને ભગવાન સંસારસાગરને તારનારા છે માટે તેમની પૂજાથી હું સંસારસાગરને તરું, એ પ્રકારનો અધ્યવસાય સંસ્કારશેષરૂપે વ્યુત્થાનદશામાં પણ વર્તતો હોય છે. આથી જ ભગવાનની પૂજાકાળમાં ઈદ્રિયોની અન્ય વિષયોમાં ક્વચિત્ પ્રવૃત્તિ હોય તો પણ તે સંસ્કારશેષરૂપે રહેલ અધ્યવસાય વારંવાર ચિત્તને ભગવાનની ભક્તિમાં જોડવા પ્રેરણા આપે છે. એ જ બતાવે છે કે, વ્યુત્થાન દશામાં પણ સમાધિજનિત ભાવ સંસ્કારશેષરૂપે ત્યાં વર્તે છે. તેથી આવા જીવોની પૂજાની ક્રિયા સફળ છે.
અહીં મૈત્રાદિથી ઉપભ્રંહિત સમાધિજનિત ભાવ વ્યુત્થાનદશામાં પણ સંસ્કારરૂપે અનુવર્તે છે, એમ ન કહેતા “સંસ્કારશેષપણારૂપે' અનુવર્તે છે, તેમ કહ્યું. તેનો ભાવ એ છે કે, સંસારમાં જેમ કોઈ ખાવા-પીવા આદિની વસ્તુ કે અન્ય વસ્તુ સમાપ્ત થઈ ગઈ હોય તો પણ તેની શેષ રહેતી હોય ત્યારે કહેવાય કે, આ વસ્તુ શેષરૂપે છે, તે રીતે અહીં સમાધિજનિત ભાવ સંસ્કારાત્મક શેષરૂપે વર્તે છે. તેથી વારંવાર પૂજાકાળમાં તે સમાધિજનિત ભાવ જીવને ભગવાનના ગુણોમાં જોડવા પ્રેરણા આપે છે, અને સંસારની અન્ય ક્રિયામાં તે સમાધિજનિત ભાવ સંસ્કારરૂપે હોવા છતાં સંસ્કારશેષરૂપે નથી. આથી જ ભગવાન પ્રત્યે બહુમાનભાવના સંસ્કારો આત્મામાં પડેલા હોવા છતાં વારંવાર ભગવાનના ગુણો સાથે ચિત્તને જોડવા પૂજાકાળમાં થતા પ્રયત્ન જેવો પ્રયત્ન પ્રાયઃ અન્યકાળમાં થતો નથી.
સારાંશ એ છે કે, સમ્યગ્દષ્ટિ શ્રાવક જ્યારે ભગવાનની પૂજા કરવાનો પ્રારંભ કરે, ત્યારે પ્રણિધાન કરે છે કે “હું આ લોકોત્તમ પુરુષની પૂજા કરીને સંસારસાગરથી તરું;” એ પ્રણિધાન અવ્યથાનદશામાં =ધ્યાનદશામાં, હોય ત્યારે પૂજાની ક્રિયા દરમ્યાન સંસ્કારરૂપે વર્તે છે અને તે સંસ્કાર પૂજાની ક્રિયામાં સુદઢ યત્ન કરાવે તેવા છે; અને જ્યારે તે શ્રાવક વ્યુત્થાનદશામાં હોય ત્યારે તે સમાધિજનિત ભાવના સંસ્કારો શેષરૂપે થોડા, હોવાથી કાંઈક કાંઈક ભગવાનને અવલંબીને ઉત્તમ ભાવોના પ્રવર્તક બને છે; અને જ્યારે તે શ્રાવક સંસારની અન્ય ક્રિયા કરે છે, ત્યારે તે સમાધિજનિત ભાવો સંસ્કારરૂપે હોવા છતાં પ્રવર્તક બનતા નથી.