________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫ આનાથી એ કહેવું છે કે, જેમ આધ્યાત્મિકો આવશ્યકને અકર્તવ્ય કહે છે તે અનુચિત છે, તેમ લુંપાક દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે તે તેના જેવું અનુચિત છે. અને પોતાની વાતની પુષ્ટિ કરવા માટે આધ્યાત્મિકો કહે છે કે, વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, તેથી તે કરવું જોઈએ નહિ; અને જે ખેદાદિ દોષવાળું હોય તે વિધિભક્તિ શૂન્ય હોય છે, તેથી આ કાળમાં આવશ્યક અને ‘આદિ’ પદથી દ્રવ્યસ્તવ ક૨વું જોઈએ નહિ, અને તેની પુષ્ટિ પંચાશકના બળથી કરે છે.
૫૬૨
પંચાશકમાં દ્રવ્યસ્તવને આશ્રયીને કથન છે, તેની સાક્ષી લીધી છે, અને તે સાક્ષીથી આધ્યાત્મિકો વિધિભક્તિરહિત દ્રવ્યસ્તવ નિષ્ફળ થશે, તેમ બતાવે છે. તેનાથી એ ફલિત થાય છે કે પંચાશકના બળથી વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ જેમ નિષ્ફળ છે, તેમ વિધિભક્તિ વગરની આવશ્યકાદિ અન્ય ક્રિયા પણ નિષ્ફળ છે, એ પ્રકારે આધ્યાત્મિકો કહે છે, તે તેઓનું અનુચિત કથન છે.
પંચાશકમાં જે કહ્યું ત્યાં એકાંત ભાવશૂન્ય અનુષ્ઠાનને અકર્તવ્ય કહેલ છે, અને એકાંત ભાવશૂન્ય અનુષ્ઠાન તેમનું છે કે, જેઓ વિધિભક્તિપૂર્વક કરવાની વૃત્તિ ધરાવતા નથી. તેથી જેઓ વિધિભક્તિપૂર્વક ક૨વાની વૃત્તિવાળા છે, છતાં પ્રમાદને કારણે કાંઈક વિધિમાં ત્રુટિઓ રહે છે તેના પરિહારની ઈચ્છાવાળા છે, અને પરિહાર માટે યત્ન કરે છે, તેઓનું અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય નથી. તેથી પંચાશકના કથનનો વિપરીત અર્થ જોડી આધ્યાત્મિકો વિધિભક્તિની ખામીવાળા દ્રવ્યસ્તવમાત્રને નિષ્ફળ કહે છે, તે તેઓનું વિપરીત યોજન છે. અને તે પ્રકારે લુંપાકો કુવલયાચાર્યના મઠમિશ્રિત દેવકુલાદિના વચનને ગ્રહણ કરીને દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે, તે તેમનું વિપરીત યોજન છે; કેમ કે કુવલયાચાર્યે મઠમિશ્રિત દેવકુલાદિનો નિષેધ કર્યો છે, પરંતુ દેવકુલાદિના નિર્માણમાત્રનો નિષેધ કર્યો નથી. તેથી દેવકુલાદિ નિર્માણ કરવાં તે મઠમિશ્રિત ન હોય તો અકર્તવ્ય છે, એમ કહી શકાશે નહિ. જ્યારે લુંપાક દ્રવ્યસ્તવનો નિષેધ કરીને દેવકુલાદિક કર્તવ્ય નથી, તેમ સ્થાપન કરે છે, તે તેનું વિપરીત યોજન છે.
અહીં વિશેષ એ છે કે, દૃષ્ટાંતમાં ‘યથા’ થી જે કહ્યું કે ખેદ-ઉદ્વેગ આદિ દોષમિશ્રિત આવશ્યકાદિ નિષિદ્ધ છે, તેથી એ પ્રશ્ન થાય કે, આ કાળમાં ખેદાદિ દોષરહિત આવશ્યક પ્રાયઃ અશક્ય છે, તેથી વિષમિશ્રિત અન્નની જેમ તે નિષિદ્ધ હોય તો દોષથી રહિત શુદ્ધ કરવું સંમત હોવા છતાં તેવું અશક્ય હોય ત્યારે દોષથી દુષ્ટ કરવું કઈ રીતે ઉચિત ગણાય ? જેમ શુદ્ધ પાયસ અપ્રાપ્ય હોય તો વિષમિશ્રિત ગ્રહણ કરવાનું કોઈ વિધાન કરતું નથી. તેનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ ખેદાદિ દોષથી રહિત જ આવશ્યક કર્તાય છે, તથાપિ અભ્યાસદશામાં ખેદાદિ દોષોનો પરિહાર સર્વથા અશક્ય હોવા છતાં દોષના પરિહાર માટે જૈ યત્ન કરતો હોય, તેના ખેદ-ઉદ્વેગાદિ દોષો નિરનુબંધ હોય છે. તેથી ઉત્તરોત્તર સમ્યગ્ યત્નને કારણે હીન-હીનતર થાય છે, અને તે જ રીતે અભ્યાસના અતિશયથી શુદ્ધ આવશ્યકની પ્રાપ્તિ થાય છે. તેથી સાનુબંધ દોષવાળા આવશ્યક નિષિદ્ધ છે અને તે વિષમિશ્રિત પાયસ જેવા છે, તેથી તે અકર્તવ્ય છે, તો પણ નિરનુબંધ દોષવાળા આવશ્યક શુદ્ધ આવશ્યકાદિના કારણરૂપે હોવાથી અભ્યાસદશામાં કર્તવ્ય છે, અને તે વિષમિશ્રિત પાયસ જેવા નથી, તેથી તે અકર્તવ્ય નથી.