________________
૧૯
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ છે પરંતુ દારૂ પીનારા જીવો અન્યને જેમ તેમ બોલીને બીજાનો પરિભવ કરે છે. માટે દારૂ મહાપરિભવનો હેતુ છે. માટે દારૂ ત્યાજ્ય છે.
વળી દારૂ મોટા ઉપહાસનો હેતુ છે. સામાન્ય રીતે કોઈ અનુચિત પ્રવૃત્તિ કરે તો તે લોકમાં ઉપહાસનો વિષય બને છે પરંતુ દારૂના નશામાં જીવો અનેક જાતના અસમંજસ. અસંબદ્ધ પ્રલાપો કરે છે તેથી લોકમાં દારૂ પીનાર મહાઉપહાસનો હેતુ બને છે. માટે દારૂ ત્યાજ્ય છે.
વળી, દારૂ મહારાષનો હેતુ છે. સામાન્યથી જીવોને કોઈના પ્રત્યે તે-તે નિમિત્તે રોષ=ક્રોધ, થાય છે પરંતુ દારૂ પીધો હોય ત્યારે પોતાના ઉપર પોતાનો કાબૂ નહીં હોવાથી દારૂ પીનારા જીવો ગમે ત્યારે ગમે તે પ્રકારનો રોષ કરે છે તેથી દારૂ મહાન રોષનો હેતુ છે માટે દારૂ ત્યાજ્ય છે.
વળી, દારૂ ગુરુ ભયનો હેતુ છે. સામાન્ય રીતે જીવોને તે-તે નિમિત્તોથી ભય ઉત્પન્ન થાય છે. પરંતુ જેઓએ ખૂબ દારૂ પીધો હોય ત્યારે તેના માથામાં તેની ભયસંજ્ઞા અતિ જાગ્રત થાય છે. ત્યારે તેઓ સર્વથી અત્યંત ભય પામતા હોય છે. તેથી દારૂ ગુરુભયનો હેતુ છે માટે દારૂ ત્યાજ્ય છે.
આ રીતે, ઘણા દોષના હેતુ દારૂ છે તે બતાવ્યા પછી ઘણા અનર્થોનો હેતુ દારૂ છે તે ઉદ્ધરણના શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે –
દારૂ દુર્ગતિનું મૂળ છે; કેમ કે દારૂના નશામાં જીવો અનેક પાપો કરે છે. દારૂ અનેક જીવોથી સંસક્ત છે, તેથી અનેક જીવોની હિંસાનું કારણ છે. માટે દારૂ દુર્ગતિનું મૂળ છે. વળી, દારૂ પીવાથી લજ્જાનો નાશ થાય છે, લક્ષ્મીનો નાશ થાય છે, મતિનો નાશ થાય છે નશાના વશમાં મતિ અસંબદ્ધ પ્રવૃત્તિ કરનારી બને છે અને ધર્મનો નાશ કરનાર છેઃદારૂ પીનારે પૂર્વમાં કોઈ સારાં કૃત્યો કર્યા હોય તેના સંસ્કારો દારૂના નશામાં અસંબદ્ધ પ્રવૃત્તિ કરવાથી નાશ પામે છે તેથી મદ્યપાન મહાઅનર્થનો હેતુ છે.
વળી, “યોગશાસ્ત્ર' ગ્રંથમાં પણ દારૂના અનર્થો બતાવતા કહ્યું છે –
દારૂના રસમાં ઘણાં જીવો ઉત્પન્ન થાય છે માટે હિંસાના પાપથી ભીરુ એવા શ્રાવકે મદ્યપાન કરવું જોઈએ નહિ. વળી, મદ્યપાન કરનાર પુરુષ મતિ ઉપરના કાબૂને રાખી શકતો નથી તેથી પોતે કોઈને આપેલું હોય તેમ છતાં “મેં આપ્યું નથી તેમ મૃષા બોલે છે. પોતે ખાધેલું હોય તેમ છતાં “મેં ખાધું નથી તેમ મૃષા બોલે છે. પોતે કોઈ કૃત્ય કર્યું હોય તેમ છતાં તે કૃત્ય કર્યું નથી' તેમ મૃષા બોલે છે. કોની જેમ મૃષા બોલે છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
કેટલાક જીવોમાં મૃષા બોલવાનું અત્યંત સામ્રાજ્ય વર્તે છે. તેઓ દરેક કથનમાં મૃષા બોલતા હોય છે. તેની જેમ મૃષા. નહીં બોલનાર એવો જીવ મદ્યપાનાદિના કારણે ગમે તે પ્રકારનું મૃષા બોલે છે. માટે શ્રાવકે મદ્યપાનનો ત્યાગ કરવો જોઈએ.
વળી, મદ્યને વશ જીવ હું કોઈનું દ્રવ્ય ગ્રહણ કરીશ તો મારો વધ થશે, મને બંધનાદિ થશે તે પ્રકારના ભયથી રહિત બને છે. મદ્યપાનથી મૂઢ થયેલી બુદ્ધિવાળો તે ગમે તે સ્થાનમાં બીજાનું ઝૂંટવીને ગ્રહણ કરે છે.