________________
૩૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ વળી, સૂર્યાસ્તનો નિર્ણય કર્યા વગર આહાર વાપરનારને પોતાનું ઘર અંધકારવાળું હોય તો વિચાર આવે કે હું પ્રદીપ આદિ કરીશ તો રાત્રે ખાઉં છું તેવું લાગશે તેથી પ્રદીપ આદિ કરે નહીં અને બહાર પ્રકાશ દેખાય છે તેમ માનીને આહાર કરે તો અંધકારને કારણે ત્રસાદિની હિંસાના પરિવારની પ્રતિજ્ઞાનો ભંગ થાય અને માયામૃષાવાદ આદિ દોષ પણ લાગે; કેમ કે પોતે સૂર્યાસ્તનો નિર્ણય કર્યા વગર વાપરે છે છતાં હું રાત્રે ખાતો નથી તે પ્રકારે કોઈને કહે ત્યારે માયામૃષાવાદ આદિ દોષો લાગે. માટે શ્રાવકે સૂર્યાસ્ત થયો છે કે નહીં ? તેનો નિર્ણય કરીને જ સાંજના આહારનો ત્યાગ કરવો જોઈએ અને સવારે પણ સૂર્યોદય થયો છે, તેનો નિર્ણય કરીને આહાર વાપરવો જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે સવારના સૂર્યોદય પછી અંતર્મુહૂર્ત આહાર વાપરવાથી નવકારશીનું પ્રત્યાખ્યાન થાય છે તે રીતે સાંજના પણ સૂર્યાસ્ત પૂર્વે બે ઘડી આહારત્યાગ કરવાથી પચ્ચખાણની પ્રાપ્તિ થાય છે. જેઓ સવારના સૂર્યોદય પછી તરત વાપરે છે અને સાંજના સૂર્યાસ્ત સુધી આહાર વાપરે છે તેઓને પચ્ચખાણની પ્રાપ્તિ નથી અને રાત્રિભોજનનો દોષ પણ નથી પરંતુ સૂર્યાસ્ત થઈ ગયો હોય અને આહાર વાપરે અથવા સૂર્યોદય પૂર્વે આહાર વાપરે તો રાત્રિભોજન દોષની પ્રાપ્તિ થાય.
તેમાં સાક્ષી આપે છે – જેઓ હું રાત્રિભોજન કરતો નથી એ પ્રમાણે કહીને તેનું સેવન કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયામૃષાવાદનો પ્રસંગ છે. વળી, પાપ કરીને આત્માને શુદ્ધ માને છે તે બે ગણું પાપ કરે છે. આ પ્રકારની બાલની બીજી મંદતા છે.
તેનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ રાત્રે નહીં ખાવાની પ્રતિજ્ઞા કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તનો નિર્ણય કર્યા વગર સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી પણ ક્યારેક વાપરે છે તેઓ પ્રત્યક્ષ મૃષાવાદી છે અને બીજાને કહે કે હું રાત્રે ખાતો નથી તે માયામૃષાવાદી છે. અને રાત્રિભોજન કરી કહે કે હું રાત્રિભોજન કરતો નથી અને પોતાના આત્માને શુદ્ધ માને છે તેથી બે ગણું પાપ કરે છે. એક પચ્ચખાણના ઉલ્લંઘનનું પાપ અને બીજું પોતે પાપ કરીને પોતાને શુદ્ધ માને છે તે રીતે બીજું પાપ કરે છે. આવા પ્રકારના બાળજીવોની પ્રથમ જ્ઞાનની મંદતા છે અને બીજી આચારની મંદતા છે. અર્થાત્ યથાર્થ જ્ઞાન પણ નથી અને યથાર્થ આચાર પણ નથી તેથી સર્વ વિરાધક છે. ૧૫. બહુબીજ :
વળી, શ્રાવકે બહુબીજનું વર્જન કરવું જોઈએ. જે ફળમાં વચમાં પડો ન હોય અને કેવલ બીજમય હોય તે બહુબીજ કહેવાય. જેમાં વચમાં પડ હોય અને ઘણાં બીજ હોય તે બહુબીજ ન કહેવાય. આથી દાડમ આદિમાં બહુ બીજ હોવા છતાં વચમાં પડો છે, માટે બહુબીજ નથી. બહુબીજમાં જેટલાં બીજો હોય તે સર્વમાં સ્વતંત્ર જીવ હોય છે તેથી તેવી વસ્તુ ખાવાથી ઘણા જીવોની હિંસા થાય છે. તેથી દયાળુ સ્વભાવવાળા શ્રાવકે બહુબીજનું વર્જન કરવું જોઈએ.