________________
૧૧૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૩૯ અહીં “પ્રાયઃ' કહેવાથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવક જેમ આહાર વગર સમભાવના કંડકોમાં ઉદ્યમ કરવા અસમર્થ હોય તેથી સમભાવના રક્ષણના અંગ તરીકે નિર્દોષ આહાર વાપરે છે ત્યારે તે આહાર સામાયિકના પરિણામ સાથે કોઈ વ્યાઘાતનું કારણ બનતું નથી તેમ કોઈ શ્રાવક જલાદિ દ્વારા મુખશુદ્ધિ ન કરે અર્થાત્ એ પ્રકારે દેહનો સત્કાર ન કરે તો તથાસ્વભાવે જડતાને કારણે સમભાવમાં ઉદ્યમ થઈ શકે નહીં તેવું જણાય ત્યારે નિરવદ્ય એવા જલાદિથી કંઈક દેહનો સત્કાર કરીને પણ સામાયિકમાં ઉદ્યમ કરે તો સામાયિકનો પરિણામ થઈ શકે છે. છતાં વર્તમાનમાં આહારપૌષધને છોડીને અન્ય ત્રણ પૌષધો દેશથી સ્વીકારીને સામાયિકનું ગ્રહણ કરાતું નથી. પરંતુ ફક્ત આહારપૌષધ જ દેશથી સ્વીકારીને સામાયિકનું ગ્રહણ કરાય છે. અને સામાયિકમાં દેશથી દેહશુદ્ધિ કરવામાં આવે તો પ્રાયઃ વિભૂષાદિ રૂપ લોભનો પરિણામ થાય છે અર્થાત્ દેહ પ્રત્યેના મમત્વનો પરિણામ થાય છે, માટે સામાયિકમાં નિરવદ્ય એવા દેહસત્કારનો પણ નિષેધ કરાય છે જ્યારે આહાર ગ્રહણ વગર જેઓ ધર્મની ક્રિયામાં ઉદ્યમવાળા ન થઈ શકે તેવા જીવોને આશ્રયીને સામાયિક સ્વીકારવાપૂર્વક સ્વીકારાયેલા પૌષધમાં પણ દેશથી આહારની અનુજ્ઞા અપાય છે.
પૂર્વમાં કહ્યું કે શ્રાવક દેશથી આહારપૌષધ ગ્રહણ કરીને સામાયિક ઉચ્ચરાવે ત્યારે નિરવદ્ય આહાર ગ્રહણ કરે તો દેશથી સ્વીકારેલા આહારપૌષધમાં સામાયિકનો વ્યાઘાત થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે વર્તમાનમાં શ્રાવકો દેશથી આહારપૌષધ કરીને પોતાના ઘરે આહાર વાપરવા જાય છે અને તે આહાર પણ તેઓના માટે જ કરાયેલો હોય છે. કેટલીક વખતે તો તે વખતે જ ગરમ-ગરમ કરીને ભોજન પીરસાય છે તેથી તે સાવદ્ય આહારની સાથે સામાયિકના પરિણામનો વ્યાઘાત પ્રાપ્ત થાય. તેથી તે રીતે પૌષધ કરનારને સામાયિક ગ્રહણ કરવી ઉચિત ગણાય નહીં છતાં અપવાદથી પોતાના માટે કરાયેલો આહાર વાપરનાર શ્રાવકને દેશથી આહારપૌષધ સ્વીકારીને પણ સામાયિકનું ગ્રહણ કઈ રીતે સંગત છે તે “નિશીથ ભાષ્યના વચનથી ગ્રંથકારશ્રી બતાવે છે –
નિશીથ ભાષ્ય'માં પૌષધવ્રતને આશ્રયીને કહ્યું છે કે પોતાના ઉદ્દેશથી કરાયેલો આહાર પણ શ્રાવક વાપરે અને ચૂર્ણિમાં કહ્યું કે જે શ્રાવક ઉદ્દેશથી કરાયેલો આહાર વાપરે છે તે સામાયિકવાળો શ્રાવક પણ વાપરે.
તેથી એ પ્રાપ્ત થાય કે નિશીથ ભાષ્યના વચનાનુસાર જેણે દેશથી આહારપૌષધ ગ્રહણ કર્યો હોય તે પોતાના ઉદ્દેશથી કરાયેલું ભોજન પણ વાપરે, પરંતુ તે પૌષધ કરનાર વ્યક્તિ સામાયિકમાં જ હોય તેવો અર્થ નિશીથ ભાષ્યના વચનથી પ્રાપ્ત થતો નથી. પરંતુ ચૂર્ણિકાર કહે છે કે કોઈ શ્રાવકે દેશથી આહારપૌષધ ગ્રહણ કર્યો હોય અને સામાયિક પણ ગ્રહણ કર્યું હોય છતાં અન્ય કોઈ ઉપાય ન હોય તો પોતાના માટે કરાયેલો આહાર વાપરે અને તેના દ્વારા દેહની પુષ્ટિ કરીને સામાયિકમાં યત્ન કરે તે ઉચિત છે, આ પ્રમાણે નિશીથચૂર્ણિના વચનથી સામાયિક સહિત પૌષધવાળા શ્રાવકો અન્ય કોઈ ઉપાય ન હોય તો પોતાના ઉદ્દેશથી કરાયેલો આહાર પણ વાપરે તેનો સ્વીકાર થાય છે તેવા પ્રકારની સંભાવના ગ્રંથકારશ્રીને જણાય