________________
૩૦૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૯ કરાવવું જોઈએ. અન્યાયપૂર્વકની પ્રવૃત્તિનો સંભવ હોતે છતે શાસ્ત્રથી વિરુદ્ધ સંયમની પ્રવૃત્તિનો સંભવ હોતે છતે, તેનું નિવારણ કરવું જોઈએ=તે પ્રવૃત્તિનું નિવારણ કરવું જોઈએ. કઈ રીતે નિવારણ કરવું જોઈએ ? તેથી કહે છે –
એક વાર અચાયતી પ્રવૃત્તિ થયે છતે શિક્ષણ આપવું જોઈએ=સમજાવવું જોઈએ. ફરી ફરી પ્રવૃત્તિ હોતે છતે ફરી ફરી શાસ્ત્ર વિરુદ્ધ અન્યાયની પ્રવૃત્તિ હોતે છતે, નિષ્ઠુર ભાષણાદિ દ્વારા તાડન કરવું જોઈએ અને ઉચિત વસ્તુ દ્વારા ઉપચાર કરવો જોઈએ=સંયમને ઉચિત વસ્તુ આપીને ભક્તિનો ઉપચાર કરવો જોઈએ.
ભાવાર્થ :૫. સાધ્વી ક્ષેત્ર :
શ્રાવકે યથાઉચિત આહારાદિનું દાન કરવા સ્વરૂપ પોતાની સંપત્તિનો વ્યય સુસાધુની ભક્તિમાં કરવો જોઈએ તેમ રત્નત્રયી ધારણ કરનાર સાધ્વીઓના સંયમને અનુકૂળ ઉચિત આહારાદિના દાન સ્વરૂપ પોતાની સંપત્તિનો વ્યય કરવો જોઈએ. જે સાત ક્ષેત્રના અંતર્ગત સાધ્વીરૂપ ક્ષેત્રમાં ધનવાન સ્વરૂપ છે.
અહીં કોઈ શંકા કરે છે કે ભવને કારણે જ સ્ત્રીઓમાં અલ્પસત્ત્વ હોય છે. દુઃશીલત્વાદિ દોષો હોય છે. તેથી તેઓને મોક્ષના કારણભૂત સંયમમાં અનધિકાર છે. તેથી સાધુની સમાન તેઓની ભક્તિ કઈ રીતે થઈ શકે? તેનો ઉત્તર આપતાં કહે છે –
જો કે સંસારી જીવો જે કોઈ પ્રકૃતિવાળા થાય છે તેમાં તેઓનો ભવ પણ પ્રબળ કારણ છે. તેમ સ્ત્રીભવની પ્રાપ્તિ થવાની સાથે જ અલ્પસત્ત્વ, અલ્પબળ, કાયરતા, અસદાચાર આદિ દોષો બહુલતાએ પ્રાપ્ત થાય છે તોપણ તે પ્રકારનો એકાંતે નિયમ નથી; કેમ કે મનુષ્યજન્મ પામીને કેટલીક સ્ત્રીઓમાં સ્પષ્ટ સત્ત્વ દેખાય છે. આથી જ બ્રાહ્મી વગેરે સાધ્વીઓએ ગૃહવાસનો ત્યાગ કરીને મહાસત્ત્વથી સંયમધર્મને પાળીને મોક્ષની પ્રાપ્તિ કરી છે. તેમાં સાક્ષી આપે છે. બ્રાહ્મી-સુંદરી-રાજીમતી-ચંદના વળી અન્ય પણ સાધ્વીઓના ગણને ધારણ કરનારી સ્ત્રીઓ, દેવો અને મનુષ્યથી પૂજાયેલી છે તથા શીલપણું અને મોહના નાશને અનુકૂળ સત્ત્વપણું ધારણ કરનારી હોવાથી વિખ્યાત છે. વળી, સીતાદિ સતીઓમાં રાવણાદિ કૃત આપત્તિકાળમાં પણ શીલનું સંરક્ષણ દેખાય છે. વળી, શીલનો સ્પષ્ટ મહિમા અગ્નિપરીક્ષા આપીને સીતાદિ મહાસતીઓએ બતાવેલ છે. વળી, રાજ્યલક્ષ્મી, પતિ, પુત્ર, ભાઈ વગેરેના ત્યાગ કરવાપૂર્વક પ્રવ્રજ્યાદિનું પાલન કરીને ઉત્તમ દેવપણું પામી છે. તેવું સત્ત્વચેષ્ટિતપણું શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે. અને સ્ત્રીઓમાં સ્ત્રીભવ કૃત અનેક દોષોનો સંભવ શાસ્ત્રમાં કહેલો છે તે સર્વ સ્ત્રીઓને આશ્રયીને નથી. પરંતુ ઘણી સ્ત્રીઓનો સ્ત્રીભવના કારણે ક્ષુદ્ર સ્વભાવ હોય છે. તો પણ કેટલીક સ્ત્રીઓ ઉત્તમ શીલસંપન્ન અને ઉત્તમ સત્ત્વવાળી પણ હોય છે. અને તેવી ઉત્તમ પ્રકૃતિવાળી સ્ત્રીઓ સંયમવેશને ધારણ કરીને રત્નત્રયીમાં ઉદ્યમ કરનારી હોય તેઓને ઉચિત આહારાદિના દાન દ્વારા ભક્તિ કરવી તે શ્રાવકનું કર્તવ્ય છે.