________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯
૩૦૯ જે પ્રકારે ગુણસંપન્ન શ્રાવકોમાં ઉચિત વિવેકપૂર્વક ધનવ્યય કરવો જોઈએ તે રીતે જ શ્રાવિકાઓમાં ધનવ્યય કરવો જોઈએ. કઈ રીતે શ્રાવિકાઓમાં ધનવ્યય થઈ શકે ? તેથી કહે છે –
જે શ્રાવિકાઓ જ્ઞાન-દર્શન-ચારિત્રવાળી શીલ અને સંતોષપ્રધાન સધવા સ્ત્રી હોય કે વિધવા સ્ત્રી હોય પરંતુ ભગવાનના શાસનમાં અનુરક્ત મનવાળી હોય તેઓને સાધર્મિકપણારૂપે માન આપવું જોઈએ અને જે રીતે તેઓની ભક્તિ થઈ શકે તે રીતે સર્વ ઉચિતકૃત્ય કરવું જોઈએ.
અહીં નથી કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે. સ્ત્રીઓમાં શીલશાલિપણું ક્યાંથી હોય? અથવા રત્નત્રયીયુક્તપણું ક્યાંથી હોય ? કેમ ન હોય તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે. લોકમાં પણ અને ભગવાનના શાસનમાં પણ સ્ત્રીઓને દોષવાળી કહેલી છે. અને સ્વઅનુભવથી પણ સ્ત્રીઓ દોષનું ભાજન દેખાય છે. સ્ત્રીઓ કેવા પ્રકારની દોષનું ભાજન છે તે તુચ્છ પ્રકૃતિવાળી સ્ત્રીઓને આશ્રયીને પૂર્વપક્ષી બતાવે છે. તેઓ વિષની વેલડી છે; કેમ કે ક્ષુદ્ર પ્રકૃતિવાળી સ્ત્રીઓ હંમેશાં પોતાની પ્રકૃતિને કારણે પુરુષને કલેશ કરાવનારી બને છે. આ રીતે અનેક ઉપમાઓથી અયોગ્ય સ્ત્રીઓને સામે રાખીને કહ્યા પછી પૂર્વપક્ષી કહે છે કે આવી સ્ત્રીઓને દૂરથી પરિહાર કરવી જોઈએ. પરંતુ તેઓનું દાન-સન્માન-વાત્સલ્ય કરવું ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો કે ઘણી સ્ત્રીઓમાં તેવા દોષો હોય છે. તોપણ કેટલીક ગુણિયલ સ્ત્રીઓ પણ હોય છે. વળી, માત્ર "દોષવાળી સ્ત્રીઓને ગ્રહણ કરીને બધી સ્ત્રીઓને દુઃશીલ કહેવામાં આવે તો પુરુષમાં પણ સ્ત્રીઓની જેમ દુઃશીલપણું સમાન પ્રાપ્ત થાય છે; કેમ કે પુરુષો પણ ઘણા ક્રૂરાશયાદિ દોષોવાળા હોય છે માટે દોષવાળા પુરુષોને આશ્રયીને મહાપુરુષોની અવજ્ઞા કરવી ઉચિત નથી તેમ દોષવાળી સ્ત્રીઓને જોઈને ગુણસંપન્ન સ્ત્રીઓની અવજ્ઞા કરવી ઉચિત નથી. જો કે સ્ત્રીભવના કારણે ઘણા દોષોની પ્રાપ્તિ હોવા છતાં કેટલીક સ્ત્રીઓ ગુણસંપન્ન હોય છે. આથી જ તીર્થકરની માતા સ્ત્રી હોવા છતાં પણ તેઓના ઘણા ગુણ હોવાને કારણે ઇન્દ્રો પણ તેમને પૂજે છે. મુનિઓ પણ તેમની સ્તુતિ કરે છે. અને લૌકિક દર્શનવાળા પણ કહે છે કે તેવી પણ સ્ત્રીઓ છે કે જે ઉત્તમ ગર્ભને ધારણ કરે છે જે જગતના ગુરુ થાય છે. માટે તેવી ગુણવાળી સ્ત્રીઓ પણ જગતમાં છે કે જેની વિદ્વાનો પણ સ્તુતિ કરે છે. વળી, કેટલીક સ્ત્રીઓ પોતાના શીલપ્રભાવથી લોકોને ચમત્કાર ઉત્પન્ન કરે તેવાં કૃત્યો કરનારી દેખાય છે. વળી, સુલસા વગેરે શ્રાવિકાઓની તીર્થકરોએ પણ પ્રશંસા કરી છે અને ઇન્દ્રો વડે પણ તેઓનાં ઉત્તમ ચારિત્રની પ્રશંસા કરાઈ છે તેથી સ્ત્રીઓ પણ ઘણી ગુણસંપન્ન હોય છે. વળી, કેટલીક સ્ત્રીઓ પ્રબલ મિથ્યાત્વવાળા પુરુષોની સામે ક્ષોભ ન પામે તેવા સમ્યત્વની સંપદાવાળી છે. કેટલીક સ્ત્રીઓ ચરમદેહવાળી છે. વળી, કેટલીક સ્ત્રીઓ બે-ચાર ભવમાં મોક્ષમાં જનારી છે. તે પ્રકારે શાસ્ત્રમાં સંભળાય છે. માટે નિર્ગુણી સ્ત્રીઓની ઉપેક્ષા કરીને ગુણસંપન્ન એવી શ્રાવિકાઓનું માતાની જેમ, ભગિનીની જેમ, સ્વપુત્રીની જેમ, વાત્સલ્ય કરવું જોઈએ. અર્થાત્ જે પોતાનાથી મોટી હોય તેની માતાની જેમ ભક્તિ કરવી જોઈએ. પોતાને સમાન વયવાળી હોય તેની ભગિનીની જેમ ભક્તિ કરવી જોઈએ. અને નાની ઉંમરવાળી ધર્મપરાયણ બાલિકા હોય તેની સ્વપુત્રીઓની જેમ ભક્તિ કરવી જોઈએ. જેથી શ્રાવિકારૂપ ઉત્તમ ક્ષેત્રમાં ધનવ્યય દ્વારા મહાફળની પ્રાપ્તિ થાય.