________________
૩૦૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ અને શ્રાવકોનો ઉચિત આદર-સત્કાર કરવો તે શ્રાવકરૂપ ક્ષેત્રમાં ધનવ્યય સ્વરૂપ છે. કઈ રીતે તેઓનો ઉચિત આદર-સત્કાર કરવો જોઈએ ? તેથી કહે છે –
શ્રાવકે પોતાના પુત્ર-પુત્રાદિના જન્મોત્સવ કે વિવાહાદિના પ્રસંગમાં તેઓને આમંત્રણ આપવું જોઈએ. જે જે શ્રાવકોમાં જે જે પ્રકારના વિશિષ્ટ ગુણો હોય તે ગુણોને સ્મૃતિમાં લાવીને તેઓના પ્રત્યે બહુમાનભાવ વૃદ્ધિ પામે તે રીતે વિશિષ્ટ ભોજન આપવું જોઈએ. મુખવાસ આપવો જોઈએ અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રઅલંકારાદિથી સત્કાર કરવો જોઈએ. તે સર્વ પ્રવૃત્તિમાં શ્રાવકને આશ્રયીને જે ધનવ્યય થાય તે શ્રાવકરૂપ ઉત્તમ ક્ષેત્રમાં ધનવ્યય છે. વળી, કોઈક શ્રાવકની આર્થિકસ્થિતિ નબળી થવાને કારણે આપત્તિમાં હોય ત્યારે તેના પ્રત્યેના આદરનો નાશ ન થાય તે પ્રમાણે વિવેકપૂર્વક પોતાના ધનના વ્યયથી પણ તેનું આપત્તિમાંથી ઉદ્ધરણ કરવું જોઈએ; કેમ કે તુચ્છ એવા ધનના અભાવને કારણે શક્તિ હોવા છતાં ધર્મમાં યત્ન કરવા માટે અસમર્થ થયેલા એવા શ્રાવકોને તે આપત્તિમાંથી દૂર કરવામાં આવે તો સુખપૂર્વક તેઓ ધર્મ સાધી શકે છે. તેથી તેઓની ભક્તિ કરીને મનુષ્યભવ સફળ કરવાના અર્થી શ્રાવકે ધનને અસાર જાણીને ધનનો ઉત્તમપાત્રમાં વ્યય કરીને મનુષ્યજન્મ સફળ કરવો જોઈએ. તેથી તે મહાત્માની ધર્મવૃદ્ધિમાં પ્રબળ કારણ તેવો ધનવ્યય મહાફલવાળો થાય છે. વળી, કોઈ શ્રાવકને તેવા પ્રકારનો અંતરાયદોષ હોય અર્થાત્ લાભાંતરાયકર્મનો તીવ્ર ઉદય હોય, જેથી તેનો વૈભવ નાશ પામે ત્યારે શક્તિસંપન્ન શ્રાવકે તેને ફરી પૂર્વની જેમ જ વૈભવસંપન્ન કરવો જોઈએ; કેમ કે સુપાત્ર એવા શ્રાવકમાં કરેલો ધનવ્યય તે શ્રાવકની ધર્મવૃદ્ધિનું પ્રબળ કારણ છે. તેથી તેવા શ્રાવકની ધર્મવૃદ્ધિમાં પોતાના ધનથી નિમિત્ત બનીને શ્રાવક મહા પુણ્યાનુબંધી પુણ્યનો સંચય કરે છે. વળી, ધર્મમાં કોઈ શ્રાવક સીદાતા હોય છતાં ધર્મમાં સ્થિર થાય તેવા હોય તેવા શ્રાવકોને ધનવ્યય આદિ જે જે પ્રકારે ધર્મમાં સ્થિર કરી શકાય તે તે પ્રકારે ધર્મમાં સ્થિર કરવા જોઈએ; કેમ કે ધર્મમાં સ્થિર થવાથી તે શ્રાવકો જે વિશિષ્ટ પ્રકારનો ધર્મ કરશે તે સર્વ પ્રત્યે પોતાનો ધનવ્યય નિમિત્તકારણ થવાથી અને વિવેકપૂર્વકની પોતાની ઉચિત પ્રવૃત્તિ હોવાથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈ શ્રાવક પ્રમાદમાં પડ્યા હોય ત્યારે તેઓને ઉચિત સ્મરણ કરાવે કે કોઈક રીતે પ્રાપ્ત થયેલો આ મનુષ્યભવ કેમ નિષ્ફળ કરે છે? જે સાંભળીને તે શ્રાવક ઉત્સાહિત થઈ ધર્મપરાયણ બને. વળી, કોઈક નિમિત્તથી શ્રાવકને શોભે નહિ તેવી પ્રવૃત્તિ કરતા હોય તો વિવેકસંપન્ન શ્રાવક વિવેકપૂર્વક તેનું વારણ કરે અર્થાત્ કહે કે આ પ્રકારની પ્રવૃત્તિ કરીને નિષ્કારણ સંસારની વૃદ્ધિ કેમ કરે છે ? ઉચિત રીતે કરાયેલ વારણથી તે શ્રાવક પણ તે પ્રકારની પાપપ્રવૃત્તિથી વિરામ પામે છે. વળી, ગુણસ્થાનકની વૃદ્ધિ માટે ઉચિત કૃત્યો કરી શકે તેવા શ્રાવકને પ્રસંગે-પ્રસંગે વિવેકપૂર્વક શ્રાવક ચોદન કરે અર્થાત્ પ્રેરણા કરે. જેથી ઉચિત સ્વાધ્યાયાદિ કરીને તે શ્રાવક પણ નવા-નવા ગુણોની પ્રાપ્તિ કરે. વળી, કોઈક નિમિત્તે પ્રેરણા કરવા છતાં ફરી ફરી પ્રમાદવશ તે શ્રાવક ઉચિત સ્વાધ્યાયાદિમાં પ્રયત્નશીલ ન હોય તો વિવેકપૂર્વક શ્રાવક તેને પ્રતિચોયણા કરે તેથી તે પ્રકારની પ્રેરણાથી સ્થિર થઈને તે શ્રાવક પોતાનું હિત સાધી શકે. વળી, ક્યારેક પ્રમાદને વશ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કોઈ શ્રાવક કરે ત્યારે જેમ સાધ્વીઓને વિવેકપૂર્વક શિક્ષણ આપે તેમ સ્વભૂમિકાનુસાર તે શ્રાવકને પણ શિક્ષણ આપે. જેથી અહિતથી તે શ્રાવકનું રક્ષણ થાય. વળી, જે શ્રાવકોમાં