________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
૨૦૫
કે અતિક્રમાદિથી ક્યારેક પ્રસ્તુત ગાથામાં કહેલા પાંચ અતિચારમાંથી કોઈક અતિચારની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ કોઈ સુંદર ભોજન હોય અને તે વસ્તુને આપવાનો પરિણામ ન હોય ત્યારે લોભને વશ તે વસ્તુને સચિત્ત ઉપર સ્થાપન કરે તેથી સાધુ ગ્રહણ ન કરે. જોકે સાધુ પ્રત્યે ભક્તિવાળો શ્રાવક તેવું કંઈ કરે નહીં છતાં સૂક્ષ્મ રીતે લોભને કારણે અનાભોગથી કે સહસાત્કારથી તેવું થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સાધુને આપવાનો પરિણામ છે. છતાં કંઈક લોભને વશ અવિચારકતાથી તેવું કૃત્ય કરે છે. વળી, ક્યારેક તેવી સુંદર વસ્તુને સચિત્ત વસ્તુ ઉપર સ્થાપન કરે તે પ્રથમ અતિચાર છે અને તેવી વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકે તો બીજો અતિચાર છે.
વળી, ક્યારેક કોઈ વસ્તુની સાધુ યાચના કરે અર્થાત્ આ વસ્તુનો જોગ છે ? તેમ પૃચ્છા કરે ત્યારે અનાભોગાદિથી કોપ થાય કે આ સાધુ બધી વસ્તુઓની માંગણી કરે છે. તે ત્રીજો અતિચાર છે. અથવા આ ત્રણે અતિચારો લાગે તેવું કૃત્ય ન થયું હોય છતાં મનના વિકલ્પથી તેવો વિચાર આવ્યો હોય તોપણ અતિક્રમાદિથી અતિચાર થાય છે. વળી, કોઈ સામાન્ય વ્યક્તિએ સાધુને સારી વસ્તુ વહોરાવી હોય તો ચિત્તમાં ઇર્ષ્યા થાય કે હું તેનાથી અધિક સમૃદ્ધ છું. તેથી મારે અવશ્ય સાધુને તેવી વસ્તુ વહોરાવવી જોઈએ. તેથી આગ્રહ કરી તેવી વસ્તુ વહોરાવે ત્યારે પણ અનાભોગ કે સહસાત્કારથી પોતાના ઇર્ષ્યાના સ્વભાવને કારણે સામાન્ય શક્તિવાળા દાન આપનાર પ્રત્યે કંઈક ઇર્ષ્યાનો પરિણામ થાય છે. તેથી સાધુ પ્રત્યે ભક્તિ હોવા છતાં, સાધુને ભક્તિથી દાન આપતો હોવા છતાં કંઈક અવિચારકતાને કા૨ણે તેવા વિકલ્પરૂપ ઇર્ષ્યાનો પરિણામ થાય છે તે અતિચારરૂપ છે.
વળી, સાધુ પ્રત્યે ભક્તિવાળો છે તેવો પણ શ્રાવક ક્યારેક અનાભોગાદિથી કોઈ વસ્તુ સુંદર બનાવી હોય કે અન્ય એવું કારણ હોય ત્યારે પોતાના ભોજનનો સમય આગળ-પાછળ કરે જેથી સાધુને ગ્રહણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય છતાં સાધુ પાસે જાય છે ત્યારે સાધુને પધારવા માટે વિનંતી કરે છે અને કંઈક આપવાનો પરિણામ છે પરંતુ કોઈક વિશેષ પ્રસંગમાં અનાભોગાદિથી સાધુને નહીં આપવાના પરિણામથી તે પ્રકારે કાળનું ઉલ્લંઘન કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ છે.
વળી, કોઈક વસ્તુ પોતાની હોય અને પોતાને વાપરવાની અત્યંત ઇચ્છા હોય તેથી સાધુ ન વહોરે તેવા પરિણામને કારણે અનાભોગ સહસાત્કારથી કહે કે પારકું માટે સાધુને અપાતું નથી તે કંઈક નહીં આપવાનો પરિણામ તે વસ્તુ વિષયક છે. અને અનુપયોગ અવસ્થામાં લોભને વશ તેવો વચનપ્રયોગ થાય છતાં સાધુ પ્રત્યેની ભક્તિથી અન્ય વસ્તુનું દાન કરે છે માટે અતિથિસંવિભાગ વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે.
જો કે વિવેકસંપન્ન શ્રાવક ભાવસાધુ પ્રત્યેની અત્યંત ભક્તિવાળા હોય છે તેથી ક્યારેય આવા પ્રકારના કોઈ અતિચારો સેવે નહીં છતાં જીવ સ્વભાવથી લોભને વશ અનાભોગાદિથી કોઈક દોષો સેવે છે ત્યારે તે દોષોથી મલિન થયેલું ચિત્ત સાધુની ભક્તિ કરીને ગુણવૃદ્ધિ કરવા સમર્થ બનતું નથી. તેથી અતિથિસંવિભાગ વ્રતનું અતિચરણ જ છે. તોપણ કંઈક દાનનો પરિણામ છે માટે અતિથિસંવિભાગવ્રતનો ભંગ નથી, અતિચાર છે તેમ કહેલ છે.