________________
૨૮૭
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯
આ રીતે સાત ક્ષેત્રમાં કરાયેલ ભક્તિ કલ્યાણનું કારણ છે. તે બતાવ્યા પછી તે સાત ક્ષેત્રમાંથી જિનબિંબની કઈ રીતે ભક્તિ થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ૧. જિનબિંબ -
જે શ્રાવકોને તીર્થકરના પ્રત્યે બહુમાન છે અને તીર્થકરના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન છે, તેના કારણે તીર્થકરના ગુણોનું સ્મરણ કરીને પોતાની શક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્યોથી જિનબિંબનું નિર્માણ કરે તે જિનબિંબના નિર્માણમાં વપરાયેલ ધન ઉત્તમ ભાવોની વૃદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને છે તેથી જિનબિંબરૂપ ક્ષેત્રમાં ધનનું વપન તે શ્રાવકધર્મ છે. જેનાથી તે શ્રાવકને શીધ્ર ચારિત્રની પ્રાપ્તિ થાય છે, વળી, જેમ શ્રાવક જિનપ્રતિમાના નિર્માણમાં ધનવ્યય કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તેમ શાસ્ત્રોક્ત વિધિથી જિનબિંબની પ્રતિષ્ઠા કરીને પણ સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. વળી, અષ્ટપ્રકારી પૂજા કરીને, વિશેષ પ્રકારનાં તીર્થસ્થાનોમાં યાત્રા કરીને, વિશિષ્ટ અલંકારોથી પ્રતિમાને ભૂષિત કરીને અને વિવિધ પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો ભગવાનને અર્પણ કરીને જિનબિંબની ભક્તિ કરે. આ સર્વ ભક્તિકાળમાં ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાનની ભક્તિનો અતિશય થાય એ રીતે જે કોઈ ક્રિયા કરવામાં આવે અને તેમાં જે કોઈ ધનનો વ્યય થાય તેના દ્વારા તીર્થંકર પ્રત્યે બહુમાનભાવ વધે છે જેથી સંયમની પ્રાપ્તિનું પ્રબળ કારણ તે ધનવ્યય બને છે માટે તે ધનવ્યયની પ્રવૃત્તિ પણ વિશેષથી ગૃહસ્થધર્મ છે; કેમ કે વિશેષથી ગૃહસ્થ ધર્મ સંપૂર્ણ સર્વવિરતિના પ્રાપ્તિના કારણરૂપે જ અભિમત છે. આથી બારવ્રતો પાળીને શ્રાવક સાધુધર્મની શક્તિનો સંચય કરે છે તેમ જિનપ્રતિમામાં ધનવ્યય કરીને પણ સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે.
અહીં કોઈ શંકા કરે છે કે ભગવાનની પૂજા કરવામાં કોઈ-ફળની પ્રાપ્તિ નથી અર્થાત્ ભગવાન મોક્ષમાં ગયેલા હોવાથી કોઈને પ્રસન્ન થઈને કોઈ ફળ આપવાના નથી તેથી તેમની પૂજાથી કોઈ ફળ પ્રાપ્ત થાય નહિ. તેનું સમાધાન આપ્યું કે જેમ ચિંતામણિ આદિ જડ રત્નો કોઈ પ્રકારે ઉપકાર કરવા માટે યત્ન કરતા નથી છતાં તે રત્નો પ્રત્યે જેને ભક્તિ છે તેઓને ચિંતામણિ આદિ રત્નો ફળ આપે છે તેમ તીર્થંકરના ગુણો પ્રત્યે જેમને બહુમાન છે અને તેના કારણે જિનપ્રતિમાની પૂજા કરે છે તેઓને સાક્ષાત્ ભગવાન કોઈ ઉપકાર કરતા નથી. છતાં ગુણવાન એવા તીર્થંકર પ્રત્યે જે ભક્તિનો પરિણામ છે તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે જેથી સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. વળી, જિનબિંબની ભક્તિ કરવા અર્થે જિનબિંબમાં ધનવ્યય કરવો જોઈએ તેમ કહ્યું તેથી જિજ્ઞાસા થાય કે જિનપ્રતિમા કેટલા પ્રકારની છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
ભક્તિ માટે કરાયેલી જિનપ્રતિમા છે. જે વર્તમાનમાં મનુષ્યાદિ વડે કરાય છે. વળી ગૃહદ્વારમાં મંગલ માટે જિનપ્રતિમા કરાય છે. તે જિનપ્રતિમાની પણ જે ભક્તિ કરાય છે તેનાથી પણ ફળ મળે છે. જેમ પોતાના કલ્યાણ અર્થે કોઈ શ્રાવક ગૃહદ્વારમાં જિનપ્રતિમા સ્થાપન કરે તે વખતે તેને બુદ્ધિ થાય છે કે મારા જીવનમાં કલ્યાણની પરંપરાનું કારણ આ તીર્થંકરની પ્રતિમા છે તે બુદ્ધિથી ભક્તિપૂર્વક ગૃહદ્વારમાં જે જિનપ્રતિમાનું નિર્માણ કરે તેમાં જે ધનનો વ્યય થાય ને ધનનો વ્યય સાતક્ષેત્ર અંતર્ગત જિનપ્રતિમાની