________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
૧૧૧ દિવસની કાળમર્યાદાથી સર્વ સાવઘયોગનો ત્યાગ કરીને સાધુની જેમ જ સમભાવમાં ઉદ્યમ કરે છે છતાં એક દિવસ પછી પૌષધ પાળીને ભોગાદિ કરવાનો પરિણામ વિદ્યમાન હોવાથી સાવદ્યની અનુમતિનો પરિણામ શ્રાવક ત્યાગ કરી શકતો નથી તેથી જ દ્વિવિધ-ત્રિવિધથી સાવદ્યનો પરિહાર કરીને શ્રાવક સમભાવમાં ઉદ્યમ કરે છે. શ્રાવક ચારે પ્રકારના પૌષધ પણ અન્યત્ર અનાભોગ-સહસાત્કારથી નહીં પરંતુ દ્વિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે તો સામાયિકની જેમ સર્વ સાવદ્યનો ત્યાગ કરીને સમભાવમાં જ ઉદ્યમ કરે છે; કેમ કે અસમભાવના પરિણામથી જ સાવઘની પ્રવૃત્તિ થાય છે અને સમભાવના પરિણામથી જ સાવદ્યનો ત્યાગ થાય છે અને જ્યારે અનાભોગ કે સહસાત્કાર આગારને છોડીને પૌષધ ગ્રહણ કરવામાં આવે ત્યારે માત્ર પોતાના મન-વચન-કાયાના બાહ્ય કૃત્યને આશ્રયીને ૪ પ્રકારના પૌષધનો સ્વીકાર થાય છે તેથી મનવચન-કાયાથી કરણ-કરાવણને આશ્રયીને પૌષધ હોવા છતાં સ્થૂલથી સ્વીકારાયેલા પૌષધમાં સમભાવનો અંશ અલ્પ છે. અને પરિણામને આશ્રયીને દુવિધ-ત્રિવિધથી સ્વીકારાયેલા પૌષધમાં આગાર નહીં હોવાથી સમભાવનો પરિણામ અધિક છે અને ત્રિવિધ-ત્રિવિધથી સાવદ્યના પરિહારમાં સમભાવનો પરિણામ અતિશયિત છે અને ત્રિવિધ-ત્રિવિધથી સાવદ્યના પરિહારરૂપ સામાયિકનો પરિણામ દીર્ઘકાળના સેવનથી ઉત્તરોત્તર ક્ષયોપશમભાવની વૃદ્ધિ દ્વારા ક્ષાયિકભાવ તરફ જાય છે અને ક્ષાયિક ભાવના સમભાવનો પરિણામ વીતરાગને હોય છે.
વળી, વર્તમાનમાં ચાર પ્રકારના પૌષધ ગ્રહણ કરનારા શ્રાવકો આહારપૌષધ દેશથી પણ ગ્રહણ કરે છે અને સર્વથી પણ ગ્રહણ કરે છે અને જેઓ આહારપૌષધ દેશથી ગ્રહણ કરે છે તેઓ પણ સામાયિક ઉચ્ચરાવે છે.
અહીં પ્રશ્ન થાય કે “દુવિધ-ત્રિવિધ થી સાવઘનો ત્યાગ હોવા છતા સામાયિકમાં આહાર વાપરવાની ક્રિયા કઈ રીતે સંભવી શકે ? કેમ કે સમભાવના પરિણામમાં આહાર વાપરવાની ક્રિયાથી વ્યાઘાત થવાનો સંભવ છે. તેના સમાધાન રૂપે ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ શ્રાવક સર્વથી આહારનો ત્યાગ કરીને સમભાવના પરિણામને ઉત્થિત કરવા અસમર્થ હોય તેથી દેશથી આહારપૌષધ સ્વીકારીને નિરવદ્ય આહાર વાપરે તો સામાયિકના પરિણામમાં વ્યાઘાત થાય નહીં અર્થાત્ સાધુ જેમ પોતાના માટે કરાયેલું ન હોય તેવો દોષ રહિત આહાર વાપરીને સમભાવની ઘુરાને વહન કરે છે તેમ વિવેકસંપન્ન શ્રાવક પણ વિચારે કે સર્વથા આહારનો ત્યાગ કરીને હું સમ્યક રીતે સ્વાધ્યાયાદિ કરી શકીશ નહીં, તેથી સ્વાધ્યાયાદિના અંગ રૂ૫ નિરવદ્ય આહાર ગ્રહણ કરીને અર્થાત્ પોતાના માટે કોઈ આહાર કરાયેલો ન હોય અને પોતાના ઘરમાં અન્ય માટે થતો હોય તેમાંથી પરિમિત આહાર ગ્રહણ કરીને પૌષધવ્રતનું પાલન કરે તો સામાયિકના પરિણામનો વ્યાઘાત થતો નથી; કેમ કે સર્વ સાવદ્યની નિવૃત્તિવાળા સાધુની જેમ ઉપધાનતપ કરનારા શ્રાવકોને પણ સામાયિક ઉચ્ચરાવીને આહાર ગ્રહણ કરવાની વિધિ છે. વળી આહારપૌષધ સિવાયના પૌષધ સર્વથી ઉચ્ચરાવાય છે; કેમ કે અન્ય ત્રણ પૌષધો દેશથી સ્વીકારે તો પ્રાયઃ તેનાથી સામાયિકની સાથે વિરોધની પ્રાપ્તિ થાય.