________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ
૨૬૫
પણ વિશેષથી છઠ્ઠી વ્રતમાં દિશાનું પરિમાણ કરે છે, જેથી ધનાદિની મૂર્છાને વશ બહારના ક્ષેત્રના આરંભસમારંભથી નિવર્તન પામે છે અને આ રીતે છઠ્ઠા વ્રતથી ક્ષેત્રનો સંકોચ કરેલ હોવા છતાં પ્રતિદિન અધિક ક્ષેત્રનો સંકોચ કરીને તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં થતા આરંભ-સમારંભથી નિવૃત્તિ કરવા અર્થે શ્રાવક દેશાવગાસિક વ્રત ગ્રહણ કરે છે. તે દેશાવગાસિક વ્રત જઘન્યથી બે ઘડી અને ઉત્કૃષ્ટથી એક દિવસનું શ્રાવક ગ્રહણ કરે છે. આ રીતે વ્રત ગ્રહણ કર્યા પછી પણ જીવ સ્વભાવસહજ લોભને વશ તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાનું પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે અવિવેકના કારણે શ્રાવક વિચારે કે મેં ક્ષેત્રની મર્યાદાથી બહાર નહીં જવાની પ્રતિજ્ઞા કરી છે. તેથી પોતે બહાર જતો નથી તો પણ, કોઈ દ્વારા બહારના ક્ષેત્રમાં વસ્તુ મોકલે ત્યારે બહારના ક્ષેત્રમાં વસ્તુને મોકલવાથી તે ક્ષેત્રમાં થતા આરંભ-સમારંભને કારણે શ્રાવકનું વ્રત મલિન થાય છે; કેમ કે બહારના ક્ષેત્રમાં થતા આરંભ-સમારંભની નિવૃત્તિ અર્થે શ્રાવકે દેશાવગાસિક વ્રત ગ્રહણ કરેલ છતાં કોઈકને મોકલીને બીજા પાસે તે પ્રકારનું કાર્ય કરાવે તો તે બહારના ક્ષેત્રમાં આરંભ-સમારંભની પ્રવૃત્તિ થાય છે. આથી વ્રતનું આરંભ-સમારંભની નિવૃત્તિરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. ઊલટું પોતે વિવેકસંપન્ન હોય તો જીવરક્ષાના યત્નપૂર્વક બહારના ક્ષેત્રમાં જઈ તે કાર્ય કરે. જ્યારે બીજાને મોકલે ત્યારે તે જનાર પુરુષ અનિપુણ હોવાથી ઇર્યાસમિતિ આદિની યતના વગર જાય તો પ્રતિજ્ઞાના ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં અધિક આરંભ-સમારંભની પ્રાપ્તિ થાય છે. માટે પરમાર્થથી વ્રતનું ઉલ્લંઘન જ છે. ફક્ત મુગ્ધતાને કારણે તે શ્રાવક વિચારે છે કે હું બહારના ક્ષેત્રમાં જતો નથી માટે મારો વ્રતભંગ નથી. તેથી શ્રાવકમાં વ્રતનું રક્ષણ કરવાનો જેટલો પરિણામ છે તેટલા અંશથી વ્રતનો રાગ હોવાને કારણે “પ્રેષણ' અતિચાર કહેલ છે.
વળી, જેમ બહારના ક્ષેત્રમાં કોઈ વસ્તુ મોકલાવે તેમ બહારના ક્ષેત્રથી કોઈ વસ્તુ બીજા પાસેથી મંગાવે ત્યારે “આનયન' અતિચારની પ્રાપ્તિ થાય છે. વાસ્તવિક રીતે વ્રતની મર્યાદાથી બહારના ક્ષેત્રમાં આરંભસમારંભની નિવૃત્તિના પ્રયોજનથી વ્રત ગ્રહણ કરાય છે અને કોઈને તે ક્ષેત્રમાં મોકલવામાં આવે અને વસ્તુ મંગાવવામાં આવે ત્યારે બહારના ક્ષેત્રમાં આરંભ-સમારંભ કરાવીને વસ્તુની પ્રાપ્તિ કરવાનો અધ્યવસાય થાય છે તેથી વ્રત મલિન થાય છે. ફક્ત મુગ્ધતાને કારણે તે શ્રાવકને લાગે છે કે બહારના ક્ષેત્રમાં હું જતો નથી. બીજા દ્વારા મંગાવું છું માટે મારું વ્રત નાશ પામતું નથી. તેવી મુગ્ધ બુદ્ધિ હોવાને કારણે અતિચાર છે.
પ્રેષણ” અને “આનયન”આ બંને અતિચારો મુગ્ધતાથી થાય છે કે સહસાત્કારથી થાય છે. જે શ્રાવકને બોધ છે કે બહારના ક્ષેત્રમાં આરંભ-સમારંભની મનોવૃત્તિના સંવર અર્થે મેં આ દેશાવગાસિક વ્રત ગ્રહણ કરેલ છે, તે શ્રાવક બહારના ક્ષેત્રમાં આરંભ-સમારંભ કરાવવાનો વિચાર પણ કરે નહિ. તેથી બીજાને મોકલીને બહારના ક્ષેત્રનું કાર્ય પણ કરે નહિ; કેમ કે કર્મબંધની પ્રાપ્તિ અસંવરભાવથી છે અને સંવૃત ચિત્ત જેટલું હોય તેટલો કર્મબંધ અટકે છે તેથી વિવેકસંપન્ન શ્રાવક ક્ષેત્રની મર્યાદા કર્યા પછી મર્યાદાની બહારના ક્ષેત્રમાં કાર્ય કરવાનો વિચાર માત્ર કરતો નથી. એટલું જ નહીં પણ કાલાવધિ પછી તે-તે ક્ષેત્રમાંથી તે-તે વસ્તુ મંગાવીશ કે મોકલીશ ઇત્યાદિ વિચાર પણ શ્રાવક વ્રતની અવધિકાલમાં કરતો નથી અને વિચારે છે