________________
૧પ૪
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૪૧
તેથી એ પ્રાપ્ત થાય કે મંદ સંજ્વલનકષાયનો ઉદય થાય ત્યારે અતિચાર રહિત સર્વવિરતિ પ્રાપ્ત થાય છે અને સંજ્વલનકષાયનો ઉદય તીવ્ર બને ત્યારે સર્વવિરતિમાં અતિચારો પ્રાપ્ત થાય છે. આથી જ મુનિ જ્યારે જિનવચનના રાગથી સંયમમાં અપ્રમાદપૂર્વક યત્ન કરે ત્યારે સંજ્વલન કષાયનો ઉદય જિનવચનના રાગથી નિયંત્રિત હોવાને કારણે નિરતિચાર ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને જ્યારે તે સંજ્વલન કષાયના ઉદય વખતે પ્રમાદને કારણે જિનવચનનું નિયંત્રણ તૂટે છે ત્યારે અતિચાર થાય છે. તેથી અપ્રશસ્ત એવા સંવલનકષાયના ઉદયથી અતિચારની પ્રાપ્તિ થાય છે. એ રીતે મંદ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોતે છતે દેશવિરતિ પ્રાપ્ત થાય છે અને તીવ્ર પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થવાથી દેશવિરતિમાં અતિચારો પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય સર્વવિરતિનો બાધક હોવા છતાં દેશવિરતિનો બાધક નહીં હોવાને કારણે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયમાં વર્તતા શ્રાવકને દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. વળી પ્રત્યાખ્યાનાવરણ કષાયનો મંદ ઉદય વર્તતો હોય ત્યારે શ્રાવક જિનવચનથી કષાયને નિયંત્રિત કરીને દેશવિરતિના ઉચિત આચારમાં અપ્રમાદથી યત્ન કરે છે ત્યારે દેશવિરતિમાં અતિચારની પ્રાપ્તિ થતી નથી. વળી, પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા શ્રાવકો જિનવચનથી કરાતા નિયંત્રણમાં સ્કૂલના પામીને મોહને વશ પોતાના વ્રતમાં કંઈક મલિનતા કરે છે, ત્યારે એ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય અતિચારનું કારણ બને છે. આથી જ દેશવિરતિવાળા શ્રાવકો પોતાના ઉદયમાન કષાયને જિનવચનથી નિયંત્રિત કરવા અર્થે પ્રતિદિન સર્વવિરતિના સ્વરૂપને સાંભળે છે. સર્વવિરતિ પ્રત્યે રાગવૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે. પોતાનાં લીધેલાં વ્રતોમાં ક્યાંય અતિચાર ન થાય તેની ચિંતા કરે છે. અને લીધેલાં વ્રતોનું નિત્ય સ્મરણ કરીને તેના અતિચારોના નિવારણ માટે લીધેલા વ્રતોનું એ રીતે પાલન કરે જેથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તેવા શ્રાવકોને પ્રત્યાખ્યાનનાવરણ કષાયનો ઉદય હોવા છતાં અતિચારોની પ્રાપ્તિ થતી નથી અને જે શ્રાવકોને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોવા છતાં પોતાનાં વ્રતોમાં નિત્ય સ્મરણમાં સ્કૂલના થાય છે અને બાહ્ય પદાર્થોને આશ્રયીને કંઈક મોહનો પરિણામ થાય છે, ત્યારે તે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સ્વીકારાયેલાં વ્રતોમાં અતિચાર પ્રાપ્ત થાય છે.
વળી, અપ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં સમ્યક્ત અને તેના અતિચારો થાય છે; કેમ કે અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય દેશવિરતિનો બાધક છે તેથી દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ સમ્યત્વનો બાધક નહીં હોવાથી તેના ઉદયમાં પણ=અપ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં પણ, સમ્યત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત પ્રાપ્ત થયા પછી સમ્યગ્દષ્ટિ જીવો સતત અવિરતિનો નાશ કરવા માટે જિનવચનાનુસાર યત્ન કરે છે. તેથી તેઓના અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય જિનવચનથી નિયંત્રિત થઈને અવિરતિને ક્ષીણ કરવામાં પ્રવર્તે છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવો પણ પ્રમાદને વશ હોય છે ત્યારે તેઓને ઉદયમાં આવતો અપ્રત્યાખ્યાન કષાય જિનવચનના નિયંત્રણથી રહિત થાય છે. ત્યારે સમ્યક્તમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવ અતિચારના પરિવાર અર્થે સતત અમૂઢભાવમાં યત્ન કરે છે અને પોતાના અમૂઢભાવને સ્થિર કરવાર્થે જિનવચનાનુસાર સદા તત્ત્વનું અવલોકન કરે છે. જેથી સમ્યગ્દષ્ટિ જીવને સતત મોક્ષની ઇચ્છા અને મોક્ષના ઉપાયોને સેવવાની ઇચ્છા વર્તે છે. ત્યારે સમ્યક્તમાં અતિચારની પ્રાપ્તિ થતી નથી