________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૦
૨૨૭
આહા૨ની સંખ્યાનું નિયમન કરે છે. અને જે પ્રમાણે વ્રત ગ્રહણ કર્યું હોય તે વ્રતનું નિત્ય સ્મરણ કરીને તે વ્રત દ્વારા ભોગોપભોગની વૃત્તિને નિત્ય સ્મરણ કરીને તે વ્રત દ્વારા ભોગોપભોગની વૃત્તિને શાંત ક૨વા અર્થે અને સર્વવિરતિની શક્તિ સંચય કરવા અર્થે શ્રાવકે સદા યત્ન કરવો જોઈએ. તે પ્રકારે જે વિવેકી શ્રાવક યત્ન કરે છે તે શ્રાવક સ્વીકારાયેલી વ્રતની મર્યાદાનું અનાભોગાદિથી પણ ઉલ્લંઘન કરતા નથી. પરંતુ જેઓને ભોગપભોગ પરિમાણ વ્રત દ્વારા તે પ્રકારનો દૃઢ અધ્યવસાય થયો નથી જેથી તેનું સ્મરણ કરીને સતત ભોગોપભોગ વૃત્તિને ક્ષીણ કરવા યત્ન કરતા નથી. તેઓના વ્રતનો પરિણામ કંઈક શિથિલ છે. આથી જ વ્રત પ્રત્યે દૃઢ અનુરાગ નથી. તેથી તેમને અનાભોગાદિથી અતિચારની પ્રાપ્તિ થાય છે. તેટલા અંશથી વ્રતના વિષયમાં મંદ ધર્મવાળા છે છતાં વ્રતના રક્ષણ પ્રત્યે કંઈક રુચિ છે તેથી અનાભોગાદિથી વ્રતનું ઉલ્લંઘન થાય છે ત્યારે વ્રતનો ભંગ નથી, અતિચાર છે એમ કહેલ છે. વસ્તુતઃ અનાભોગાદિથી તે વ્રતનું અતિચરણ છે અર્થાત્ વ્રતનું ઉલ્લંઘન જ છે. માટે ગુણસ્થાનકના પરિણામના અર્થી શ્રાવકે અતિચારનો પરમાર્થ જાણીને સર્વ યત્નથી અતિચારના વર્જન માટે યત્ન કરવો જોઈએ.
વળી, સચિત્તના ત્યાગી શ્રાવકને સચિત્ત સાથે પ્રતિબદ્ધ વસ્તુ હોય તે વસ્તુનો પણ ત્યાગ પ્રાપ્ત થાય છે. જેમ કોઈ સચિત્ત વસ્તુ સાથે તેને અડીને સચિત્ત બીજ આદિ એક ભાજનમાં પડ્યાં હોય તો અચિત્ત વસ્તુ સાથે ચિત્તનો સંબંધ હોવાને કા૨ણે તે અચિત્ત વસ્તુને શ્રાવક ગ્રહણ કરે તોપણ સચિત્ત વસ્તુ સાથે સંબંધ હોવાને કા૨ણે અતિચારની પ્રાપ્તિ થાય છે. માટે જે શ્રાવકે સચિત્તનો ત્યાગ કરેલો હોય અથવા સચિત્તની સંખ્યા પરિમિત કરેલી હોય અને તેનું ઉલ્લંઘન થાય તેમ હોય ત્યારે સચિત્ત પ્રતિબદ્ધ આહાર કરવાથી અતિચારની પ્રાપ્તિ છે.
વળી, કેટલીક વસ્તુ સચિત્તથી મિશ્ર હોય અર્થાત્ દળેલી કે રસ રૂપે કરાયેલી સચિત્તથી સંમિશ્ર હોય તેવી વસ્તુમાં કેટલાક અવયવો સચિત્ત હોય છે અને કેટલાક અવયવો અચિત્ત હોય છે. તેવી વસ્તુ સચિત્તનું વર્જન કરનાર શ્રાવક ગ્રહણ કરે તો અતિચારની પ્રાપ્તિ થાય છે તેથી સચિત્તના ત્યાગીએ કે સચિત્તની સંખ્યા પરિમિત કરી છે તેવા શ્રાવકે જો સચિત્તનો ત્યાગ કર્યો હોય તો સચિત્તથી મિશ્ર વસ્તુ પણ તેણે ગ્રહણ ક૨વી જોઈએ નહિ. પરંતુ સ્વીકારાયેલા વ્રતનું એ રીતે પાલન કરવું જોઈએ કે મનમાં પણ તેવી વસ્તુ ગ્રહણ કરવાનો પરિણામ થાય નહિ. અન્યથા, અતિક્રમાદિથી અતિચાર થાય છે.
વળી, અભિષવ=અનેક દ્રવ્યના મિશ્રણથી જેમાં જીવોત્પત્તિ થયેલી હોય તેવી વસ્તુ છે. સચિત્તના ત્યાગી શ્રાવક તેવી વસ્તુ ગ્રહણ કરે તો વ્રતનું ઉલ્લંઘન થાય છે. ફક્ત અનાભોગથી, સહસાત્કારથી કે અતિક્રમાદિથી તેવી વસ્તુના ગ્રહણનો પરિણામ થયો હોય તો તેમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. જોકે સચિત્ત વસ્તુના ત્યાગથી જ અનેક દ્રવ્યોનું સંધાન કે નિષ્પન્ન થયેલી વસ્તુ જીવ સંસક્ત હોવાથી વર્જ્ય બને છે. છતાં પણ કેટલાકને તેવાં અથાણાંદિ અતિ પ્રિય હોય છે અને તે જીવ સંસક્ત હોવા છતાં જીવ સંસક્ત નથી તેમ સ્વબુદ્ધિથી કલ્પના કરીને તેને ગ્રહણ કરે છે તે બતાવવા અર્થે તેવા દારૂ, જીવસંસક્ત અથાણાં આદિનો સ્વતંત્ર રૂપે ‘અભિષવ'થી બતાવેલ છે.