________________
૨૪૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૨-૫૩
‘નનુ'થી શંકા કરે છે
અંગારકર્મ ખરકર્મમાં=કઠોર કર્મમાં, કેવી રીતે અતિચાર છે ? અર્થાત્ ખરકર્મ રૂપ જ આ=અંગારકર્માદિ, છે.
“તેનો ઉત્તર આપતાં કહે છે – તારી વાત સાચી છે. આ=અંગારકર્માદિ, ખરકર્મરૂપ જ છે=કઠોરકર્મરૂપ જ છે. પરંતુ અનાભોગાદિથી કરાતા ખરકર્મના વર્જનના વ્રતવાળા શ્રાવકના અતિચારો થાય છે. વળી ઉપેત્ય કરાતા=જાણીને કરાતા, ભંગ જ છે=ખરકર્મના વર્ષકવાળા શ્રાવકના વ્રતના ભંગરૂપ જ છે." એ પ્રમાણે પંચાશક અને યોગશાસ્ત્રની વૃત્તિમાં છે. (તુલા-પંચાશક ટીકા ૧/૨૨, ૫.૨૧-એ, યોગશાસ્ત્ર ટીકા ૩/૧૧૩, ૫. ૫૫૩) ૫૨-૫૩॥
ભાવાર્થ
--
જે વ્યાપારમાં કઠોરતાનો પરિણામ થાય તેને ખરકર્મ કહેવાય છે. અને તેવાં ખરકર્મોથી આજીવિકા કરવામાં આવે તેને ‘કર્માદાન' કહેવામાં આવે છે. તેના સંક્ષેપથી ૧૫ ભેદો કહ્યા છે. ઉપલક્ષણથી અનેક ભેદોની પ્રાપ્તિ છે. તેમાં જે ક્રિયાઓમાં સાક્ષાત્ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયજીવોની હિંસા થાય તેવાં કૃત્યોપૂર્વક જે આજીવિકા કરવામાં આવે તે કર્માદાન છે. આથી જ શ્રાવક પોતાના ગૃહકાર્ય માટે અગ્નિકાયનો ઉપયોગ કરે છે તોપણ શક્ય એટલી યતના રાખી ઉપયોગ કરે છે. તેથી દયાળુ સ્વભાવ ૨હે છે. જ્યારે ધનાર્જન અર્થે અગ્નિકાયની સાક્ષાત્ વિરાધના થતી હોય તેવો સર્વ વ્યાપાર કરે ત્યારે આરંભમય તે પ્રવૃત્તિ પ્રત્યે અર્થાત્ અગ્નિકાયની વિરાધના પ્રત્યે ઉપેક્ષા થવાને કા૨ણે કઠોર પરિણામ થાય છે. માટે તેવા વ્યાપારને ખરકર્મરૂપ=કઠોરકર્મરૂપ, કર્માદાન કહેવાય છે. તે રીતે સચિત્ત વનસ્પતિનું છેદન-ભેદન થતું હોય તેવાં ફલાદિ લઈને વેચવાની ક્રિયા કોઈ કરતું હોય તો તે કર્માદાનમાં જાય છે. વળી, પંચેંદ્રિયને પીડા થાય તેવાં પશુ આદિના પાલનમાં પણ કર્માદાનની પ્રાપ્તિ થાય છે; કેમ કે તે પ્રકારની પીડા કરવાના પ્રસંગમાં શ્રાવકનું હૈયું કઠોર બને છે. વળી, હાથીદાંત વગેરે જીવોની હિંસાથી જ પ્રાપ્ત થાય છે. તેથી જ્યાં તેવી હિંસા થતી હોય ત્યાંથી તેની ખરીદી કરવામાં સાક્ષાત્ હિંસામાં સહકાર આપવાનો પ્રસંગ આવે છે. તેથી કર્માદાન છે. પરંતુ હિંસાથી જ પ્રાપ્ત થયેલા હાથીદાંત પશુઓનાં રોમાદિ સાક્ષાત્ જીવસંસક્ત નથી. પરંતુ જીવના શરીરના અંગો છે અને તેને બજારમાંથી લઈને કોઈ વેચતું હોય તો ત્યાં કર્માદાનની પ્રાપ્તિ થતી નથી.
વળી, તલ-શે૨ડી આદિ વનસ્પતિ પણ જીવથી યુક્ત છે. તેવી વસ્તુઓને પીલીને તેનાથી કોઈ આજીવિકા કરે ત્યારે સાક્ષાત્ જીવ રૂપ તલાદિને પીલતી વખતે શ્રાવકનું હૈયુ કઠોર બને છે. તેથી તેવી ક્રિયાથી આજીવિકામાં પણ કર્માદાન સ્વીકારેલ છે. તેથી શ્રાવકે વારંવાર પૃથ્વીકાયાદિ જીવોમાં પણ જીવો છે તેઓ પ્રત્યે પણ દયાળું ચિત્ત રહે તે પ્રકારે જ ગૃહસ્થજીવનની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને વિશેષથી તેવા જીવોની હિંસાનો પ્રસંગ હોય તેવા વ્યાપારાદિનો પરિહાર કરવો જોઈએ. માટે ભોગોપભોગવિરમણ વ્રત દ્વારા સચિત્તાદિના પરિહારથી જેમ શ્રાવક દયાળુ ચિત્ત કરે છે તેમ વ્યાપારમાં પણ સાક્ષાત્ જીવોને પીડા થાય તેવાં કૃત્યોના પરિહારથી પોતાનો દયાળુ સ્વભાવ જીવંત રાખે છે અને જે શ્રાવકનો દયાળુ સ્વભાવ હોય તેને પરમદયાળુ એવા મુનિઓ સદા સ્મૃતિમાં રહે છે. II૫૨-૫૩॥