________________
૨૨૧
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૯ પરમાર્થથી કર્મબંધની પ્રાપ્તિમાં સંકોચરૂપ સંવરભાવનો અભાવ હોવાથી સ્વીકારેલા વ્રતના ફળની પ્રાપ્તિ થતી નથી. માટે શ્રાવકે પોતાના આરંભમય જીવનનો વારંવાર વિચાર કરીને સંપૂર્ણ નિરારંભ સાધુજીવન પ્રત્યે દઢ પક્ષપાત કરવો જોઈએ. અને પોતે જે વ્રતની મર્યાદા સ્વીકારેલી છે તેના પ્રત્યે દઢ પક્ષપાત કરીને અને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે રીતે સદા સર્વવિરતિના ભાવોથી આત્માને ભાવિત કરવો જોઈએ. જેથી દેશસંવર સર્વસંવરનું કારણ બને. આ રીતે પારમાર્થિક વ્રતના સેવનથી પાપની નિવૃત્તિ, સદ્ગતિની પ્રાપ્તિ અને સંવરભાવને કારણે ક્રમસર મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ વ્રતપાલનમાં તે પ્રકારનો યત્ન કરતા નથી તેઓને સર્વવિરતિ પ્રત્યેનો બદ્ધરાગ નહીં હોવાથી સમ્યક્ત પણ પ્રાપ્ત થતું નથી; કેમ કે સમ્યક્તની પ્રાપ્તિમાં પણ સર્વવિરતિના પરિણામ પ્રત્યે ઉત્કટ રાગ વર્તે છે. માટે વ્રત ગ્રહણ કર્યા પછી શ્રાવકે ક્યારેય મનસ્વી રીતે ક્ષેત્રવૃદ્ધિ આદિ કરીને વ્રતને મલિન કરવું જોઈએ નહિ.
વળી, શ્રાવકે વ્રત સ્વીકાર્યા પછી પોતાના વ્રતનું નિત્ય સ્મરણ કરવું જોઈએ છતાં અન્ય પ્રવૃત્તિમાં અતિ વ્યાકુલપણાને કારણે કે પ્રમાદી સ્વભાવને કારણે કે ધારણાની અપટુતાને કારણે, સ્વીકારાયેલા વ્રતનું સ્મરણ ન રહે તો તે સ્મૃતિભ્રંશ વ્રત માટે દૂષણરૂપ છે. છતાં સ્મરણના અભાવને કારણે ક્યારેક શંકા થાય કે મેં સો યોજનનું પરિમાણ કર્યું છે કે ૫૦ યોજનાનું કર્યું છે? તે વખતે સો યોજનનું પરિમાણ કરેલું હોવા છતાં ૫૦ યોજનથી અધિક ગમનની પ્રવૃત્તિ કરે કે ગમનનો વિચાર માત્ર કરે તો પણ અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે જે શ્રાવકને વ્રત પ્રત્યેનો અત્યંત રાગ છે તે શ્રાવક પોતાના વ્રતના પરિમાણનું ઉલ્લંઘન કરીને કોઈ અન્ય પદાર્થની પ્રાપ્તિની ઇચ્છા રાખે નહીં પરંતુ સદા વિચારે કે મારા વ્રતની મર્યાદા લોભાદિ પરિણામના સંકોચ અર્થે છે અને તે સંકોચ અર્થે ગ્રહણ કરાયેલ વ્રતનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો વ્રત પ્રત્યેના અનાદરને કારણે દીર્ઘ સંસારની પ્રાપ્તિ થશે.
વળી, દરેક અનુષ્ઠાનનું સ્મૃતિપૂર્વક સેવન કરવાથી જ ફલવાળું થાય છે. માટે જે વ્રત સ્વીકાર્યું હોય તેનું નિત્ય સ્મરણ કરીને તે વ્રતનું પાલન કરવું જોઈએ અને વ્રત ગ્રહણ કરવાનું મુખ્ય પ્રયોજન પાપની નિવૃત્તિ છે. તેથી વ્રતના પરિણામની સહેજ પણ ગ્લાનિ ન થાય તે રીતે સદા વ્રતપાલન માટે યત્ન કરવો જોઈએ. જેથી પાપની નિવૃત્તિ થાય.
વળી, ક્ષેત્ર મર્યાદા કરવાનું મુખ્ય પ્રયોજન આરંભ-સમારંભની નિવૃત્તિ છે. તેથી તીર્થયાત્રાદિ ધર્મકૃત્યમાં ક્ષેત્રમર્યાદાનું ઉલ્લંઘ થતું નથી. આમ છતાં, જે શ્રાવક પોતાની કરાયેલી ક્ષેત્રમર્યાદાથી બહારના ક્ષેત્રમાં તીર્થયાત્રાદિ ધર્મકૃત્ય માટે જવા નીકળે ત્યારે સાધુની જેમ અત્યંત સંવૃત થઈને ઇર્યાસમિતિપૂર્વક ત્યાં જાય અને તે ક્ષેત્રમાં શ્રાવક ધર્મપ્રવૃત્તિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ ન કરે તો વ્રતનું ઉલ્લંઘન થતું નથી પરંતુ જે શ્રાવક વાહનાદિથી તીર્થયાત્રાદિ ધર્મકૃત્ય અર્થે જાય છે અને ત્યાં જઈને અન્ય કૃત્યો પણ ગૃહસ્થની જેમ કરે છે ત્યારે તે ક્ષેત્રમાં જે કંઈ આરંભ-સમારંભ થયો તે સર્વ આરંભ-સમારંભ તેના વ્રતના ઉલ્લંઘન સ્વરૂપ જ છે; કેમ કે દિક્પરિમાણ વ્રતમાં પોતાના સ્વીકારાયેલા ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં સર્વપ્રકારના આરંભ-સમારંભની નિવૃત્તિનો પરિણામ છે. અને તે નિવૃત્તિના પરિણામનું ઉલ્લંઘન થાય તો વ્રતભંગ થાય. live