________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | બ્લોક-૪૧
૧૫૩ અને મહાવ્રતમાં સંજ્વલનકષાયના ઉદયથી અતિચારો સંભવી શકે છે; કેમ કે મહાવ્રતની કાયા ઘણી મોટી છે. જેમ હાથીનું શરીર મોટું હોય તેમાં ત્રણ, પટ્ટ બંધનાદિ થઈ શકે છે, તેમ મહાવ્રત મોટી કાયાવાળા હોવાથી તેમાં અતિચાર અને અતિચારના શોધનની ક્રિયા થઈ શકે છે જ્યારે દેશવિરતિની કાયા નાની હોવાથી તેમાં અતિચાર થાય નહીં અને અતિચારના શોધનની ક્રિયા થઈ શકે નહીં આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતા ગ્રંથકારશ્રી કહે છે –
સમ્યક્ત અને દેશવિરતિમાં અતિચારો થતા નથી તે વચન પૂર્વપક્ષીનું સંગત નથી; કેમ કે “ઉપાસક દશા” આદિમાં દેશવિરતિનાં બધાં વ્રતોને આશ્રયીને પાંચ-પાંચ અતિચાર કહ્યા છે. તેથી બાર વ્રતોના પાંચ-પાંચ અતિચારો છે. એ કથન શાસ્ત્રસંગત હોય ત્યારે “આવશ્યકનિયુક્તિનો પાઠ ગ્રહણ કરીને સમ્યક્ત અને દેશવિરતિમાં અતિચાર સંભવે નહીં તેમ કહેવું ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે “આવશ્યક નિર્યુક્તિ'માં સ્પષ્ટ કહ્યું છે કે સંજ્વલન કષાયના ઉદયથી જ અતિચાર થાય છે. તેની સંગતિ કઈ રીતે થઈ શકે ? તેથી ગ્રંથકારશ્રી “ઉપાસકદશા' ગ્રંથની સાથે વિરોધ ન આવે તે રીતે આવશ્યકનિર્યુક્તિના વચનનો અર્થ કરતાં કહે છે –
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “સંજ્વલન કષાયના ઉદયથી સર્વ અતિચારો થાય છે. એ કથન સર્વવિરતિને આશ્રયીને જ છે પરંતુ સમ્યક્ત અને દેશવિરતિને આશ્રયીને નથી. તેથી આવશ્યક નિર્યુક્તિના કથનનો અર્થ એ પ્રમાણે કરવો જોઈએ કે “સંજ્વલન કષાયના ઉદયમાં સર્વવિરતિમાં અતિચારો થાય છે અને શેષ બાર કષાયના ઉદયમાં સર્વવિરતિનો મૂલછેદ થાય છે અર્થાત્ સર્વવિરતિનો નાશ થાય છે. આ પ્રમાણે સર્વવિરતિને આશ્રયીને “આવશ્યકનિર્યુક્તિનો અર્થ કરવાથી દેશવિરતિમાં અતિચારનો અભાવ પ્રાપ્ત થશે નહીં. તેથી ‘ઉપાસકદશા' આદિમાં જે દેશવિરતિના દરેક વ્રતના અતિચાર કહ્યા છે તે પણ સંગત થાય છે.
વળી, “આવશ્યક નિર્યુક્તિની ગાથાનો ઉત્તરાર્ધ અન્ય પ્રકારે વ્યાખ્યાન કરીને પણ દેશવિરતિમાં અતિચાર સંભવે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
“આવશ્યક નિર્યુક્તિ'ના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે બાર કષાયના ઉદયથી મૂલછેદ થાય છે તેનો અર્થ આ પ્રમાણે કરવો. ત્રીજા એવા પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયમાં સર્વવિરતિનો મૂળછેદ થાય છે. બીજા એવા અપ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં દેશવિરતિનો મૂલછેદ થાય છે. અર્થાત્ દેશવિરતિનો નાશ થાય છે. અને પ્રથમ એવા અનંતાનુબંધી કષાયના ઉદયમાં સમ્યત્વનો નાશ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દેશવિરતિમાં અને સમ્યક્તમાં પણ અતિચાર સંભવે છે. કઈ રીતે સર્વત્ર અતિચાર સંભવે છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – સંજવલન કષાયના ઉદયમાં સર્વવિરતિ પ્રાપ્ત થાય છે અને સંજ્વલન કષાયના ઉદયમાં સર્વવિરતિના અતિચારો પણ પ્રાપ્ત થાય છે.