________________
૧૮૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૩ વળી, અતિચારની વિચારણા અન્ય રીતે પણ કરાય છે. જે શ્રાવકે અહિંસાવ્રતને સ્વીકાર્યું છે, દયાળુ સ્વભાવવાળો છે, તેથી તાડનાદિ ન થાય તેવા ઉચિત યત્નપૂર્વક સર્વ ઉચિત વ્યવહાર કરે છે. આમ છતાં ક્યારેક અનાભોગ સહસાત્કારથી તાડનાદિ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. અથવા અતિક્રમ આદિથી અતિચારની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – દયાળુ શ્રાવક અહિંસાવ્રતના રક્ષણ અર્થે સર્વ દાસદાસી સાથે દયાળુ સ્વભાવથી વર્તન કરે છે છતાં કોઈક એવા નિમિત્તને પામીને અસાવધાનતાને કારણે અર્થાત્ વ્રતની અનુપસ્થિતિને કારણે ગુસ્સો આવે અને તાડન કરે તે અનાભોગથી તાડન કહેવાય છે. વળી, ક્યારેક વ્રતની ઉપસ્થિતિ હોવા છતાં વ્રતનો વિચાર કર્યા વગર સહસા પ્રવૃત્તિ થાય ત્યારે સહસાત્કારથી તાડનાદિ થાય છે.
અનાભોગ અને સહસાત્કારના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે સાક્ષીપાઠ આપે છે. તેનો અર્થ આ પ્રમાણે
પૂર્વમાં જોયા વગર પગ મૂકવામાં આવે ત્યારે જીવરક્ષા વિષયક અનાભોગ વર્તે છે=અનુપયોગ વર્તે છે તેમ પ્રસ્તુતમાં પણ દાસ-દાસી સાથે તાડનાદિની પ્રવૃત્તિકાળમાં વ્રતનું સ્મરણ ન થાય તે અનાભોગ વર્તે છે. વળી, જે જીવો છે તેમ જુએ છે છતાં પગનું નિવર્તન કરવા માટે સમર્થ થતો નથી તે સહસાત્કાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જોવા માટે યત્ન કરે છે છતાં ત્વરાથી ગમનને કારણે જીવ દેખાય છે તો પણ તેના રક્ષણ માટે પગનું નિવર્તન કરી શકતો નથી, તે સહસાત્કાર દોષ છે. તેમ પોતાના વ્રતાનુસાર મારે ગુસ્સો કરવો ન જોઈએ તેવો શ્રાવકનો પરિણામ હોવા છતાં દાસ-દાસીની તેવી પ્રવૃત્તિ જોઈને વિચાર્યા વગર સહસા કોપને વશ તાડનાદિ થઈ જાય છતાં તરત જ નિવર્તનનો પરિણામ થાય છે, તે સહસાત્કાર છે. -
તેથી એ પ્રાપ્ત થાય કે અનાભોગથી અને સહસાત્કારથી થતી પ્રવૃત્તિકાળમાં પોતાના વ્રતના રક્ષણનો પરિણામ અંતઃવૃત્તિથી સર્વથા ગયો નથી. પરંતુ વતની અનુપસ્થિતિને કારણે કે દાસ-દાસીના તેવા અનુચિત વર્તનને કારણે સહસા એવી પ્રવૃત્તિ થવા છતાં વ્રત પ્રત્યેનો અંતરંગ પરિણામ વિદ્યમાન હોવાથી શ્રાવક તે તાડનાદિની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. તોપણ વ્રત પ્રત્યેનો દૃઢ ઉપયોગ નહીં હોવાને કારણે અનાભોગથી કે સહસાત્કાર દોષની પ્રાપ્તિ થાય છે માટે તેટલા અંશથી વ્રત મલિન થાય છે.
વળી, અતિક્રમ આદિ થાય છે. તે આ રીતે – વ્રત ભંગ માટે કોઈક નિમંત્રણ કરે અને તેનો પ્રતિષેધ ન કરે તો તે અતિક્રમ છે. જેમ દાસ-દાસીના કોઈ વર્તનને જોઈને કોઈ કહે કે આ લોકોને તાડન જ કરવું જોઈએ તો આ સીધા ચાલે અને બરાબર કામ કરે. તે વખતે તેનો પ્રતિષેધ ન કરવામાં આવે તો મૌનથી તે કરવા પ્રત્યેનો કંઈક પરિણામ થાય છે છતાં તેવું કૃત્ય કરે નહીં તે વખતે અતિક્રમરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે કોઈકનાં તે વચનો સાંભળીને પોતાને પણ દાસ-દાસીને તે પ્રકારે તાડન કરવાનો પરિણામ કંઈક સૂક્ષ્મ થાય છે. ફક્ત દયાળુ સ્વભાવને કારણે તે પ્રકારની પ્રવૃત્તિ કરી નથી. વળી કોઈકના તે પ્રકારના વચનને સાંભળીને તાડનાદિ કરવાના પ્રયોજનથી તાડન કરવા માટે ઉસ્થિત થાય પરંતુ તાડન કર્યું ન હોય ત્યારે વ્યતિક્રમ નામનો અતિચાર પ્રાપ્ત