________________
૧૪૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ ઊભા થઈ તેઓને આસન આપે, તેઓના પાદ પ્રમાર્જન કરે, તેઓને નમસ્કાર કરે તે સર્વ પ્રકારના આદરસત્કારપૂર્વક પોતાના વૈભવ અનુસાર અને પોતાની શક્તિ અનુસાર તેઓને અન્ન-પાન-વસ્ત્ર-ઔષધ રહેવા સ્થાનાદિ આપે તે અતિથિસંવિભાગવત કહેવાય.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવક-શ્રાવિકા પણ અન્ય નગરથી આવેલાં હોય તો તેઓને શ્રાવક રહેવા સ્થાન આપે તે પણ અતિથિસંવિભાગવત કહેવાય અને તેઓને ભક્તિપૂર્વક અન્નપાન આદિ આપે તો તે પણ અતિથિસંવિભાગવત કહેવાય.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા તે-તે ઉત્તમ આચારોના બળથી તેઓમાં વર્તતા ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને શક્તિ અનુસાર તેઓની ભક્તિ કરવાથી અતિથિસંવિભાગવ્રતની આરાધના થાય છે. આ અતિથિસંવિભાગવત તે સાધુધર્મની શિક્ષારૂપ હોવાથી શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવાથી પણ સાધુધર્મને અનુકૂળ શક્તિનો સંચય થાય છે; કેમ કે વિવેકસંપન્ન શ્રાવક કે શ્રાવિકાઓ હંમેશાં ભાવસાધુપણાની પ્રાપ્તિના અત્યંત અભિલાષવાળાં હોય છે તેથી તેઓના ભાવસાધુપણાના અત્યંત અભિલાષવાળા ગુણને સામે રાખીને કરાયેલી ભક્તિથી ભાવસાધુપણાની પ્રાપ્તિના બાધક કર્મનો નાશ થાય છે માટે શ્રાવકશ્રાવિકાની ભક્તિથી પણ સાધુધર્મની શક્તિનો સંચય થાય છે.
વળી, અતિથિસંવિભાગવતની આરાધના માટે જ વિવેકસંપન્ન શ્રાવક પ્રતિદિવસ પોતાના માટે કરાયેલા નિર્દોષ ભોજન, નિર્દોષ વસતી, નિર્દોષ વસ્ત્રાદિ હોય ત્યારે સાધુને વિનંતી કરે છે કે “મને લાભ આપો.” તેથી નિર્દોષ આહારાદિ દ્વારા સાધુની ભક્તિ કરવાનો અધ્યવસાય શ્રાવકને પ્રતિદિવસ હોવાથી અને શક્તિ અનુસાર તે પ્રકારે યત્ન કરવાથી શ્રાવક દ્વારા અતિથિસંવિભાગવતનું પાલન પ્રતિદિવસ પણ થાય છે અને આ અતિથિસંવિભાગવ્રતનું ફળ દિવ્યભોગોની સમૃદ્ધિ, સામ્રાજ્ય અને તીર્થંકરપદ આદિ છે. આથી જ શાલિભદ્રના જીવે પૂર્વભવમાં મુનિને ખીરનું દાન કરીને અતિથિસંવિભાગવ્રતનું પાલન કરેલ જેના ફળરૂપે શાલિભદ્રના ભવમાં દિવ્યભોગોની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. મૂલદેવે અટવીમાં સાધુને અન્નદાન આપેલું અને તે અન્નદાનથી પ્રભાવિત થયેલા દેવ દ્વારા મૂલદેવને સામ્રાજ્યની પ્રાપ્તિ થઈ. અને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના જીવે ધન્ના સાર્થવાહના પ્રથમ ભાવમાં સાધુને વૃતનું દાન કરીને “બોધિબીજ' પ્રાપ્ત કરેલ જેના ફળરૂપે તીર્થંકરપદની પ્રાપ્તિ થઈ. તેથી અતિથિસંવિભાગવ્રતનાં ઉત્તમ ફળોનું સ્મરણ કરીને શ્રાવકે શક્તિ અનુસાર પ્રતિદિવસ અતિથિસંવિભાગવ્રતનું પાલન કરવું જોઈએ. વળી, જેઓ અતિથિસંવિભાગવત સમ્યકુ સેવતા નથી કે અનાદરપૂર્વક સાધુને દાનાદિ કરે છે તેઓને બીજા ભવોમાં દાસપણું, દરિદ્રપણું આદિ પણ પ્રાપ્ત થાય છે. માટે કલ્યાણના અર્થીએ વિવેકપૂર્વક અતિથિસંવિભાગવ્રતનું પાલન કરવું જોઈએ.
અત્યાર સુધીના કથનથી છેલ્લે “અતિથિસંવિભાગવત' નામનું ચોથું શિક્ષાવ્રત કહેવાયું અને તે કહેવાથી શ્રાવકનાં બાર વ્રતોનું પ્રતિપાદન પૂર્ણ થયું; કેમ કે અતિથિસંવિભાગવ્રત અંતિમ વ્રત છે અને આ બાર વ્રતો ગૃહસ્થના વિશેષ ધર્મો છે. એ પ્રમાણે યોજન કરાયું; કેમ કે ગૃહસ્થના સામાન્ય ધર્મ પૂર્વમાં બતાવેલ, તેના કરતાં આ બાર વ્રતો શ્રાવકના વિશેષ ધર્મરૂપ છે. I૪૦ના