________________
૧૧૭
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ કે ઇર્યાપથ તે સાધુપથ છે. અને અસાધુપથમાંથી નિવૃત્ત થઈને ત્રણ ગુપ્તિ રૂપ સાધુપથમાં જવા માટે પૌષધ ગ્રહણ કરતા પૂર્વે ઇર્યાપથનું પ્રતિક્રમણ કરાય છે. ત્યારપછી ખમાસમણથી મુહપત્તિના પડિલેહણનો આદેશ લઈને પૌષધ મુહપત્તિનું પડિલેહણ કરે છે. આ પ્રકારની પડિલેહણની ક્રિયાથી છ કાયના જીવની રક્ષાનો પરિણામ અતિશયિત થાય છે; કેમ કે શ્રાવકે પૌષધ દરમ્યાન અત્યંત યતનાપૂર્વક જીવરક્ષા માટે સર્વ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. ત્યારપછી ખમાસમણ આપીને ઊભો થઈને કહે કે “હે ભગવન્! ઇચ્છાપૂર્વક આદેશ આપો. હું પૌષધને ગ્રહણ કરું.” ત્યારપછી બીજું ખમાસમણ આપીને કહે છે કે “હું પૌષધમાં સ્થિર થાઉં.” આ પ્રકારનો આદેશ માંગવાથી – તેમાં પ્રથમના આદેશથી પૌષધના પરિણામને અભિમુખ ભાવ થાય છે અને બીજા આદેશથી પૌષધમાં સ્થિર થવાનો પરિણામ થાય છે. પૌષધમાં સ્થિર થવાનો પરિણામ કર્યા પછી નવકારપૂર્વક પૌષધની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિજ્ઞા લેતા પૂર્વે પૌષધને અનુકૂળ ચિત્તનું નિર્માણ આવશ્યક છે. આથી જ શ્રાવક ઇરિયાવહિયા કરીને અત્યંત સંવરભાવવાળું ચિત્ત કરે છે. ત્યારપછી પૌષધમાં સ્થિર થવા માટે ઉચિત યતના કરે છે અને પૌષધને અનુકૂળ સ્થિર ચિત્ત થાય ત્યારપછી પૌષધની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. અને તે પૌષધની પ્રતિજ્ઞા આ પ્રમાણે છે.
“હે ભગવન્! હું પૌષધ કરું છું અર્થાત્ જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેવા ચાર પ્રકારના પૌષધ હું ગ્રહણ કરું છું અને તે ચાર પૌષધમાં આહારપૌષધ શક્તિ હોય તો સર્વથી ગ્રહણ કરે છે અને શક્તિ ન હોય તો દેશથી ગ્રહણ કરે છે. શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપાર પૌષધ સર્વથી ગ્રહણ કરે છે. આ પ્રકારે ચાર પ્રકારના પૌષધને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કર્યા પછી કહે છે કે હું ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું.
ક્યાં સુધી સ્થિર થઈશ ? તેથી કહે છે – જ્યાં સુધી અહોરાત્ર હું પૌષધવ્રતની પર્યાપાસના કરીશ ત્યાં સુધી હું પૌષધવ્રતમાં સ્થિર થાઉં છું. કઈ રીતે પૌષધવ્રતમાં પોતે સ્થિર થાય છે ? તેથી કહે છે –
મન-વચન-કાયાથી પૌષધના પરિણામથી વિપરીત પ્રવૃત્તિ હું કરીશ નહીં કે કરાવીશ નહીં એવી દુવિધત્રિવિધથી પ્રતિજ્ઞા ગ્રહણ કરું છું. તેથી પ્રતિજ્ઞાના દઢ સંકલ્પવાળો શ્રાવક પૌષધ દરમિયાન અંતરંગ રીતે કષાયનો ક્ષયોપશમભાવ પ્રવર્તે તે રીતે સંવૃત થઈને સતત ઉચિત સ્વાધ્યાયાદિ દ્વારા ગુણવૃદ્ધિને અનુકૂળ યત્ન કરવાના દઢ સંકલ્પવાળો થાય છે.
ત્યારપછી પૂર્વમાં જે અપૌષધના પરિણામમાં હતો તે અપૌષધના પરિણામ પ્રત્યે તીવ્ર જુગુપ્સા કરીને તે પરિણતિને આત્મામાંથી દૂર કરવા અર્થે કહે છે –
હે ભગવન્!તેની પૂર્વની અપૌષધની, પરિણતિનું હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તેવી પરિણતિથી અત્યંત પાછો ફરું છું. આ પ્રમાણે કહીને અપૌષધની પરિણતિમાંથી ચિત્તનું નિવર્તન કરીને પૌષધની પરિણતિમાં જવાને અનુકૂળ યત્નવાળો થાય છે અને ‘પૂર્વની પૌષધની પરિણતિની હું નિંદા કરું છું, ગર્તા કરું છું અને તેવા પરિણામવાળા આત્માને હું વોસિરાવું છું.” આ પ્રકારે બોલીને સાધુ જેમ ધર્મના ઉપકરણ રૂપે દેહને