________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ ૩. વિકૃતિ=વિગઈ -
વળી, છ વિગઈઓમાંથી શક્તિ અનુસાર શ્રાવકે જાવજીવ સુધી વિગઈઓનો ત્યાગ કરવો જોઈએ. ૪. વાણહsઉપાનહ, પગરખાં :
વળી શ્રાવકે જોડા, મોજડી આદિનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તેની જાવજીવ સુધી મર્યાદા કરવી જોઈએ. વળી, કેટલાક કાષ્ઠની પાદુકાદિ વાપરે છે તેની નીચે કોઈ જીવ આવે તો બચવાની શક્યતા ઓછી રહે છે. તેથી દયાળુ શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ. ૫. તાંબૂલ :
તાંબૂલમાં સ્વાદિમ પદાર્થ આવે છે. તેમાં પણ કઈ કઈ વસ્તુ પોતાને વાપરવી તેના નામગ્રહણપૂર્વક નક્કી કરીને બાકીની વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેથી ભોગપભોગનું પરિમાણ થાય. ૬. વસ્ત્ર :
વસ્ત્રમાં ધોતિયું, પોતીકા, રાત્રે પહેરવાનાં વસ્ત્રોની ગણના થતી નથી; કેમ કે તે ભોગ માટે નથી. પરંતુ વેશભૂષા માટે વપરાતાં વસ્ત્રો કયાં-કયાં વાપરીશ? તેના નામ ગ્રહણપૂર્વક સ્વીકારીને બાકીનાનો જાવજીવ સુધી ત્યાગ કરવો જોઈએ. જેથી વેશભૂષાની વૃત્તિમાં સંકોચની પ્રાપ્તિ થાય. ૭. પુષ્પો:
જેઓ શોખ માટે સુગંધી પુષ્પો વાપરે છે તેમાં પણ પરિમાણ કરવા અર્થે નામગ્રહણપૂર્વક નિયમન કરીને બાકીનાં પુષ્પોનો ત્યાગ કરવો જોઈએ. પુષ્પોનો ત્યાગ કરેલો હોય તોપણ દેવશેષ કલ્પ છે; કેમ કે તેમાં ભગવાન પ્રત્યેની ભક્તિની વૃત્તિ છે. ૮. વાહન :
રથ-અશ્વ આદિ તેનું પણ નામગ્રહણ કરી આના સિવાય અન્ય વાહન જાવજીવ વાપરીશ નહીં, તે પ્રકારનો નિયમ કરવો જોઈએ. જેથી વાહનના ઉપભોગમાં પરિમાણની પ્રાપ્તિ થાય અને વાહનના ઉપભોગ દ્વારા થતી હિંસાથી સંવર થાય. ૯. શયન :
શયનમાં ખાટલા આદિ છે. તેમાં નાયગ્રહણપૂર્વક અનિવાર્ય હોય એટલાને રાખીને બાકીનાનો ત્યાગ કરે. ૧૦. વિલેપન :
ભોગ માટે ચંદન વગેરે કયાં કયાં સુગંધી દ્રવ્યો પોતે ત્યાગ કરી શકે તેમ નથી તેનું નામગ્રહણ કરીને શેષનો ત્યાગ કરે. વળી, વિલેપનનો ત્યાગ હોવા છતાં ભગવાનની પૂજા માટે પોતાના દેહ ઉપર જે કંઈ વિલેપન કરે તેમાં બાધ નથી; કેમ કે ભગવાનની ભક્તિ અર્થે તે પ્રકારનું વિલેપન છે, ભોગ અર્થે નથી.