________________
૩૯
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ ૧૬. અજ્ઞાતફળ :
વળી, અજ્ઞાતફળનું શ્રાવકે વર્જન કરવું જોઈએ. જે ફળ પોતાને જ્ઞાત નથી અને બીજા પાસેથી તે કયું ફળ છે તેનો નિર્ણય થતો નથી તે અજ્ઞાતફળ કહેવાય અને તે અજ્ઞાતફળ ખાવાથી શાસ્ત્રમાં નિષિદ્ધ ફળની કે વિષવાળા ફળની પ્રાપ્તિ થઈ શકે. તેથી વ્રતભંગનો કે જીવનના નાશનો સંભવ છે માટે શ્રાવકે અજ્ઞાતફળનો પણ ત્યાગ કરવો જોઈએ. ૧૭. સંધાન :
વળી, શ્રાવકે સંધાનનો ત્યાગ કરવો જોઈએ. સંધાન એટલે બોળઅથાણાં. જેમાં અનેક જીવોની નિષ્પત્તિનો સંભવ છે. તેથી દયાળુ સ્વભાવવાળો શ્રાવકે સંધાનનો ત્યાગ કરવો જોઈએ. બાળઅથાણાં વગેરે ત્રણ દિવસ પછી અભક્ષ્ય થાય છે. તે પ્રકારનો વ્યવહાર છે. તેથી ત્રણ દિવસની અંદર બનાવેલ તે વસ્તુ ગ્રહણ કરવાથી દોષની પ્રાપ્તિ નથી.
૧૮. અનંતકાય : -
વળી, અનંતકાયમાં એક શરીરમાં અનંતા જીવો હોય છે અને સામાન્યથી સર્વ ત્રસ જીવો અને સર્વ પ્રત્યેક એકેન્દ્રિય જીવો કરતાં અનંતગુણા સિદ્ધના જીવો છે. તેનાથી પણ અનંતગુણા અનંતકાયના એક શરીરમાં જીવો છે. માટે ઘણી બધી સંખ્યાવાળા એકેન્દ્રિય જીવો અનંતકાયમાં હોવાથી દયાળુ એવા શ્રાવકે અનંતકાયનું વર્જન કરવું જોઈએ. ૧૯. વૃન્તાકષરીંગણ -
વળી, શ્રાવકે રીંગણનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે રીંગણાં ખાવાથી ઘણી નિદ્રા આવે છે અને કામઉદ્દીપન દોષોની પ્રાપ્તિ છે, માટે શ્રાવકને રીંગણાં ત્યાજ્ય છે. ૨૦. ચલિતરસઃ
વળી ચલિતરસ અર્થાત્ જે વસ્તુના રસ, ગંધ આદિ કંઈક વિપરીત થઈ ગયેલા હોય તે ચલિતરસ કહેવાય. તેમાં અનેક જંતુઓની નિષ્પત્તિ થાય છે તેથી દયાળુ શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ. તેથી પક્વાન્ન આદિ પણ સ્વાદથી ચલિત થયેલા હોય તો શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ અને બે દિવસથી ચલિત એવું દહીં આદિ પણ ચલિતરસમાં ગણાય છે માટે શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. ૨૧. તુચ્છ ફળ :
શ્રાવકે તુચ્છ પુષ્પ-ફલાદિનો ત્યાગ કરવો જોઈએ. તુચ્છ=અસાર એવાં તુચ્છ પુષ્પ અને ફલાદિનો ત્યાગ કરવો જોઈએ, “આદિ' શબ્દથી મૂળ, પત્ર વગેરેનું ગ્રહણ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે વસ્તુમાં તૃપ્તિ થવાની સંભાવના ઓછી હોય અને વિરાધના વધુ હોય તેવી અસાર વસ્તુ શ્રાવક ખાય નહીં; કેમ કે શ્રાવક ભોગના અર્થી હોવા છતાં દયાળુ સ્વભાવવાળા હોય છે તેથી જેમાં વિરાધના ઘણી હોય અને તૃપ્તિ ઓછી હોય તેવી વસ્તુનો ત્યાગ કરે છે.