________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ ૧૩. મૃદજાતિ
સર્વ પણ માટી, દેડકા આદિ પંચેંદ્રિય પ્રાણીની ઉત્પત્તિનું નિમિત્ત હોવાથી અને મરણ આદિ અનર્થને કરનારી હોવાથીઃખાનારને અનર્થની પ્રાપ્તિ હોવાથી, ત્યાજ્ય છે. માટીના ભક્ષણમાં અસંખ્ય પૃથ્વીકાયની વિરાધના પણ થાય છે. વળી, મીઠું પણ અસંખ્ય પૃથ્વીકાય જીવાત્મક હોવાથી સચિત્ત છે=જીવ સંસક્ત છે માટે ત્યાજ્ય છે. અને અગ્નિકાય આદિ પ્રબલ શસ્ત્રના યોગથી જ મીઠું અચિત્ત થાય છે પરંતુ કૂટવાથી કે પીસવાથી અચિત્ત થતું નથી. માટે શ્રાવકે માટી કે સચિત્ત મીઠાનો ત્યાગ કરવો જોઈએ. ૧૪. રાત્રિભોજન -
શ્રાવકે રાત્રિમાં ભોજન કરવું જોઈએ નહિ; કેમ કે ઘણા પ્રકારના જીવોના સંપાતનો સંભવ હોવાને કારણે આલોક અને પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. જેમ, અંધારાને કારણે ભોજનમાં એવાં કોઈ જંતુ આવી જાય તો વર્તમાનમાં જ અનેક પ્રકારના રોગો થાય છે. જેથી અસમાધિનો પ્રસંગ આવે અને ઘણા જીવોની હિંસા કરવાને કારણે પરલોકમાં અનર્થ થાય છે. માટે શ્રાવકે રાત્રિભોજન વર્જન કરવું જોઈએ.
વળી, દિવસમાં કરાયેલ લાડુ, ખજૂર, દ્રાક્ષાદિના ભક્ષણમાં રાત્રે પાકનો સંભવ નથી કે રાત્રિમાં વાસણ ધોવા આદિનો સંભવ નથી તેથી અન્ય ભોજનમાં જેટલી વિરાધના છે તેવી વિરાધના નથી તોપણ કંથવા આદિ કોઈ સૂક્ષ્મ જીવો તેમાં પ્રાપ્ત થાય અને રાત્રિના કારણે તે દેખાય નહીં તો હિંસાનો સંભવ છે.
વળી, પ્રદીપ આદિના પ્રકાશમાં તેવા જીવો દેખાય છે, તેથી તે હિંસાનો પરિહાર થઈ શકે છે. તોપણ શાસ્ત્રકાર રાત્રિભોજન અનાચીર્ણ કહે છે માટે શ્રાવકે રાત્રિભોજન કરવું જોઈએ નહિ.
વળી, રાત્રિભોજનથી થતી હિંસાને કારણે ઘણા તિર્યંચભવોની પ્રાપ્તિ છે માટે દુર્ગતિના પાતથી રક્ષણના અર્થી શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.
વળી, શ્રાવકે શક્ય હોય તો ચારે પ્રકારના આહારનો રાત્રે ત્યાગ કરવો જોઈએ. આમ છતાં ચારે પ્રકારના આહારના ત્યાગ માટેનું સામર્થ્ય પ્રગટ્યું ન હોય તો અશન અને ખાદિમનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ અને સ્વાદિમમાં સોપારી આદિ દિવસના સમ્યફ જોઈને રાખેલ હોય અને રાત્રે યતનાપૂર્વક તેને વાપરવી જોઈએ, જેથી ત્રસજીવોની હિંસા થાય નહિ.
વળી, શ્રાવકે પ્રધાન રીતે સવારે સૂર્યોદય પછી બે ઘડી અને રાત્રે સૂર્યાસ્ત થતા પૂર્વે બે ઘડી ભોજનનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે શાસ્ત્રમાં સર્વ જઘન્ય પચ્ચખ્ખાણ નવકાર સહિત મુહૂર્ત પ્રમાણ છે. તેથી પચ્ચખ્ખાણના અર્થી શ્રાવકે સૂર્યોદયથી બે ઘડી પછી આહાર વાપરવો જોઈએ અને સાંજે સૂર્યાસ્ત પહેલાં બે ઘડી પૂર્વે પચ્ચખાણ કરવું જોઈએ. તે-તે પ્રવૃત્તિમાં વ્યગ્રપણાને કારણે કોઈ શ્રાવક બે ઘડી પૂર્વે આહાર ત્યાગ ન કરી શકે તોપણ સૂર્યાસ્તનો નિર્ણય કરીને સૂર્યાસ્ત પૂર્વે અવશ્ય આહારનો ત્યાગ કરવો જોઈએ. અન્યથા સૂર્યાસ્ત થઈ ગયો હોય છતાં હજી પ્રકાશ દેખાય છે તેમ માનીને ભોજન કરવામાં આવે તો રાત્રિભોજનનો દોષ લાગે છે.