________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
દીર્ઘપૃષ્ઠથી ભય રાખવાનો છે. પિતાશ્રી પાસેથી અપરોક્ષ સ્પષ્ટ વાત સાંભળીને ગર્દભિલ્લની તેમના વિષેની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ગુપ્તવાસ છોડીને પિતા-મુનિ સમક્ષ છતો થયો અને તેમને ત્રિવિધે ખમાવ્યા.
૧૩
યવમુનિ તો સંસારી પુત્ર પાસેથી બધી વાત જાણીને વિચારમાં પડી ગયા. તેમને તો કલ્પના પણ ન હતી કે પોતાના અલ્પજ્ઞાનથી પુત્રનું આમ અણધાર્યું પરિવર્તન થશે. પણ યવમુનિ એ સમયે મૌન જ રહ્યા. પુત્ર પિતા-મુનિને વિધિવત્ વંદના કરીને રાજમહેલમાં ગયો અને રાતોરાત જ તેણે સુભટો ને પ્રધાન તેમજ તેના પુત્રના ઘરે જડતી લેવા મોકલી આપ્યા. તો જડતીમાં પ્રધાન-પુત્રના ભોંયરામાંથી રાજપુત્રી મળી આવી. આથી સવારે રાજાએ પ્રધાનને અને તેના પરિવારને દેશનિકાલ કર્યા. આ કામ પતાવીને તે પિતા-મુનિ પાસે ગયો. તેની સમક્ષ વ્રત નિયમ આદિ લીધાં. આમ પોતાના અલ્પજ્ઞાનનો આવો વિસ્મયજનક પ્રભાવ જોઈને, યવમુનિ તે પછીથી જ્ઞાનાભ્યાસમાં વધુ રસથી પ્રવૃત્ત બન્યા.
અલ્પજ્ઞાનથી દરેક વખતે પ્રભાવ પડે જ એવું નથી. ક્યારેક તેનું વિપરીત પરિણામ પણ આવે છે. કહ્યું છે કે - ‘જેણે સિદ્ધાંતનો અભ્યાસ કર્યો નથી અને સાંભળીને પોતાની બુદ્ધિ મુજબ જવાબ આપે છે તે લોકોમાં મૂર્ખમાં ખપે છે. આ અંગેનું દૃષ્ટાંત ‘કલ્પવૃત્તિ'માં આ પ્રમાણે છે.
એક ગચ્છના આચાર્યે પોતાના આયુષ્યનો અંત નજીકમાં જાણીને, પોતાના એક શિષ્યને પોતાની પાટ પર સ્થાપિત કર્યો. આ શિષ્યનું પોતાનું આગવું કંઈ જ્ઞાન ન હતું. પરંતુ ગુરુના મહિમાથી તેની પણ બોલબાલા થવા લાગી.
એક સમયે વિહાર કરતા આ નવા આચાર્ય પૃથ્વીપુર નગરમાં પધાર્યા. ત્યાંના શ્રાવકોએ તેમનો ધામધૂમથી સત્કાર કર્યો. આ નગરમાં એક સમયે બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું. પરંતુ સમર્થ જૈનાચાર્યોએ વાદવિવાદ અને શાસ્ત્રાર્થ કરીને તેમનું પ્રભુત્વ ઓછું કરી નાંખ્યું હતું.
આ નવા આચાર્ય વિદ્વાન નથી એવી સાચી હકીકત બ્રાહ્મણોના ધ્યાનમાં આવી. તેમણે તેમને શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો. આચાર્ય રાજદરબારમાં ગયા. શાસ્ત્રાર્થ શરૂ થયો. બ્રાહ્મણ પંડિતે પ્રથમ પ્રશ્ન પૂછ્યો : ‘હે ભગવન્ ! પુદ્ગલને કેટલી ઇન્દ્રિય હોય ?’
નવા આચાર્યે ગુરુ પાસે શાસ્ત્ર અભ્યાસ કર્યો ન હતો. માત્ર સાંભળ્યું હતું. તેના ઉપર મનન, ચિંતન કશું જ કર્યું ન હતું. તેમને યાદ આવ્યું. ગુરુએ એક દિવસ કહ્યું હતું કે ‘પુદ્ગલ એક સમયે લોકાંત સુધી જાય છે.’ તેમણે અત્યારે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો કે ‘પંચેન્દ્રિય વિના આટલી બધી વિરાટ શક્તિ બીજા કોનામાં હોય ?' આથી તેમણે જવાબમાં કહ્યું : ‘હે ભદ્ર ! પુદ્ગલને પાંચ ઇન્દ્રિય હોય છે.’
આ જવાબથી તેમનું અજ્ઞાન ખુલ્લું પડી ગયું. શાસ્ત્રાર્થમાં હારી ગયા. તેમની અને જૈનધર્મ