________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
હે ગર્દભ ! તું ઉતાવળે આવે છે અને મને જુએ છે પણ મને તારા મનની વાતની ખબર પડી ગઈ છે કે તારે જવનું ભક્ષણ કરવું છે.”
યવમુનિએ ધ્યાનથી આ ગાથા સાંભળી આગળ વિહારમાં ગોખતાં ગોખતાં તેને કંઠસ્થ કરી લીધી. થોડેક આગળ જતાં તેમણે કેટલાક છોકરાઓને મોઈ દંડા રમતા જોયા. રમનાર બાળકે જોરથી મોઈ ફટકારી. મોઈ એવી જગાએ પડી કે બાળકોએ શોધી તો પણ ન મળી. એક છોકરો શાંત ઊભો હતો. તેણે મોઈ શોધી નહિ. બીજા છોકરાઓને મોઈ શોધતાં જોઈ તે બોલ્યો :
अओ गया तओ गया, जाइज्जति न दीसई । . अम्हे न दिट्ठि तुम्हे न दीट्ठि, अगडे छुढा अणुलिया ॥
“અહીંથી ગઈ ત્યાંથી ગઈ. શોધવા છતાંય ન મળી. અમે જોઈ નથી. તમે પણ જોઈ નથી. પણ તે અણુલ્લિકા (મોઈ) ખાડામાં છે.”
યમુનિને આ ગાથા સાંભળવાની મજા આવી. આ ગાથા પણ તેમણે કંઠસ્થ કરી. આમ વિહાર કરતાં તે વિશાલાનગરી પાસે આવ્યા. રાતના તેમણે એક કુંભારને ત્યાં રાતવાસો કર્યો. કુંભારને ત્યાં ઉંદરો હતા. તેમને આમતેમ દોડાદોડ કરતા જોઈને કુંભારે એક ઉંદરને કહ્યું.
सकुमालय कोमल मुद्दलया, तुम्हे रत्ति हिंडणसीलणया ।
अम्ह पसाओ नत्थि ते भयं, दिहपिट्ठाओ तुम्ह भयं ॥
કોમળ અંગવાળા હે ભદ્ર! રાતે ચાલવાનો તારો સ્વભાવ છે પણ તારે અમારો ભય રાખવાનો નથી. તને દીર્ઘપૃષ્ઠ (સાપ)નો ભય છે.”
યવમુનિને આ ગાથામાં રસ પડતાં તેણે પણ કંઠસ્થ કરી લીધી. ત્રણ ત્રણ ગાથાઓ મોંએ કરીને યવમુનિ નગરમાં આવી પહોંચ્યા ત્યારે તેમના સંસારી પુત્ર ગર્દભિલ્લ રાજાના રાજ્યમાં કંઈક બીજી જ રાજરમત ખેલાઈ રહી હતી.
નગરનો રાજમંત્રી દીર્ઘપૃષ્ઠમહત્ત્વાકાંક્ષી હતો. તેને નગરીના રાજા બનવું હતું અને રાજકુંવરી અણુમલ્લિકાને પરણવું હતું. આથી તેણે ગર્દભિલ્લ રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને અણુમલ્લિકાનું અપહરણ કરાવીને તેને એક ભોંયરામાં નજરકેદ કરાવી. રાજાએ એકની એક રાજકન્યા શોધવા નગરનો ખૂણેખૂણો ફેંદાવ્યો. પણ ક્યાંય રાજકન્યાની ભાળ ન મળી.
આ જ સમયે યવમુનિ નગરમાં પધાર્યા. આની જાણ થતાં રાજમંત્રી દઈપૃષ્ઠને ફાળ પડી. તેને થયું : “યવમુનિ એક વખત આ જ નગરના રાજા હતા. દીક્ષા લઈને તેમણે ઉગ્ર અને આકરી તપશ્ચર્યા કરી છે. આથી જરૂર તેમને ત્રિકાળજ્ઞાન થયું હશે. ગર્દભિલ્લ તેમને પુત્રી વિષે પૂછશે તો નક્કી મારું કાવતરું પકડાઈ જશે. પછી મારા માટે જીવવું શક્ય નહિ રહે. મને પકડી