________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૨૧૪.
જ્ઞાનાભ્યાસ કરવો ज्ञानं शिक्षयेदल्पं हि, भवेत्तत्न निरर्थकम् ।
स्वल्पाक्षर महिम्नापि, यवेन जीव रक्षितः ॥ થોડું જ્ઞાન શીખવાથી પણ તે નકામું જતું નથી. કારણ કે થોડાક જ્ઞાનના મહિમાથી પણ યવ નામના રાજર્ષિએ પોતાના જીવનની રક્ષા કરી હતી.”
યવ ઋષિની કથા વિશાળાનગરીનો યવ નામે રાજા હતો. તેને ગર્દભિલ્લ નામે એક પુત્ર અને અણુમલ્લિકા નામે એક પુત્રી હતી. તેના પ્રધાનનું નામ દીર્ઘપૃષ્ઠ હતું.
યવ રાજાને એક રાતે સુવિચાર આવ્યો. આજે મને રાજ્ય મળ્યું છે, મારી પાસે અઢળક સંપદા છે. નીરોગી શરીર છે. પરિવારમાં ય બધાં સુખી છે. આ બધું કંઈ મને એકાએક વિના મહેનતે મળ્યું નહિ જ હોય. પૂર્વભવમાં મેં જરૂર કોઈ સુકૃત્ય કર્યું હશે. ધર્મની આરાધના કરી હશે. તેના પુણ્ય-પ્રભાવથી જ આ બધું હું આજ ભોગવી રહ્યો છું. હવે મારી ઉંમર થઈ છે. મૃત્યુ ક્યારે પણ આવી શકે તેમ છે. આથી હવે મારે ઘડીના ય વિલંબ વિના ધર્મની આરાધનામાં લાગી જવું જોઈએ.” - આમ વિચારીને બીજા દિવસે પુત્રને રાજગાદી ભળાવીને તેણે દીક્ષા લીધી.
દિક્ષા અવસ્થામાં યવ રાજા તીવ્ર તપ કરવા લાગ્યા. તપ સાથે ગુરુ મહારાજની સાથે વિહાર પણ કરતા. ગુરુ ભગવંત તેમને જ્ઞાનાભ્યાસ કરવા ઘણું સમજાવતા. ત્યારે દરેક વખત યુવા રાજર્ષિ કહેતાઃ હવે આ ઘરડે ઘડપણ હું શું ભણી શકવાનો. મને કંઈ યાદ પણ નથી રહેતું અને ઢળતી ઉંમરે ભણીને પણ હું કેટલું ભણી શકવાનો... ?
એક દિવસ ગુરુએ લાભનું કારણ જોઈને શિષ્ય યવમુનિને તેમના સંસારી પુત્રને પ્રતિબોધ આપવા જવાની આજ્ઞા કરી. યવમુનિ ઊંડી ચિંતામાં પડી ગયા. સંસારી પુત્રને શું બોધ આપવો? કેવી રીતે તેને પ્રતિબોધ પમાડવો? પોતાને તો ઉપદેશ વગેરેનું જ્ઞાન ન હતું. શું કરવું? છતાંય ગુરુ ભગવંતની આજ્ઞા માથે ચડાવીને તે વિહારમાં સતત વિચારતા રહ્યા.
વિહાર કરતાં કરતાં યવમુનિ એક ખેતર પાસે આવ્યા. તે સમયે એક ગધેડો જવ ખાવા માટે ખેતરમાં ઘૂસ્યો. તેને જોઈને ખેતરનો રક્ષક બોલ્યો
ओहांवसि पहावसि, ममं चेव निरखसि ।। लखिओ ते अभिप्पाओ, जवं लखेसि गद्हा ॥