________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ વિનયથી પ્રભુને પ્રાર્થના કરી : “હે કરુણાનિધાન ! દયાસિંધુ! આ ભવે મને રાજ્ય સંપદા મળી છે, તે મને કયા કર્મના ઉદયથી પ્રાપ્ત થઈ છે, તે કહેવા મારા પર કૃપા કરશો.”
શ્રા પાર્શ્વનાથ પ્રભુએ કહ્યું : “હે રાજન્ ! જિનેશ્વર ભગવંત સમક્ષ આત્મોલ્લાસથી દીપપૂજા કરવાથી તને આ ભવે રાજયસંપદા મળી છે. તારો પૂર્વભવ તને કહું છું, તે તું સાંભળ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં અંગ નામનો દેશ છે. તેમાં રમા નામની નગરી છે. જિતારી નામે તેનો રાજા હતો. આ જ નગરમાં ધના નામનો એક વણિક રહે. ધનો ગરીબ અને કંગાળ હતો.
એક વખત એ નગરના એ ઉદ્યાનમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અઢાર ગણધર, અઢાર હજાર સાધુ અને છત્રીશ હજાર સાધ્વીઓના પરિવાર સહિત પધાર્યા. દેવતાઓએ તેમના માટે સમવસરણ રચ્યું. સુવર્ણ સિંહાસન પર બેસીને પ્રભુએ ધર્મદેશના આપી.
भजे जीवा वि बज्झति, मुच्चंति य तहे व च ।
सव्वकम्म खवेउण, सिद्धिं गच्छइ नीरया ॥ “જીવો સંસારથી બંધાય છે તેમ તેઓ સંસારથી મુક્ત પણ થાય છે અને સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધિપદ-મોક્ષને પામે છે.”
ભગવાનની પર્ષદામાં ધનો પણ બેઠો હતો. તેને ઉદ્દેશીને જ ભગવાને કહ્યું: “જે ભવ્ય જીવ જિનેન્દ્રની પૂજા કરે છે તે રાજ્યલક્ષ્મીને પામીને કાળક્રમે મોક્ષે જાય છે.”
ધન્નાએ આ સાંભળીને મનમાં દઢ સંકલ્પ કર્યો: “આજથી હું રોજ જિનેશ્વર ભગવંતની દીપપૂજા કરીશ.” ઘરે જઈને તેણે ઘીનો દીપ તૈયાર કર્યો. સ્નાન કરીને અને ચોખ્ખાં વસ્ત્ર પહેરીને તે જિનમંદિરમાં ગયો. ત્યાં તેણે અનેરા ઉલ્લાસથી પ્રભુજીની દીપપૂજા કરી અત્યંત ભાવથી દીપપૂજા કરવાથી ધન્નાએ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. ધન્નો મરણ પામ્યો. મરીને એ રાજકુળમાં જન્મ પામ્યો. હે રાજન્ ! એ ધન્નાનો જીવ તે તું જ છો.”
કલાકેલિ રાજા, પોતાના પૂર્વભવને સાંભળીને ખૂબ જ ભાવથી શ્રી જિનેશ્વર ભગવંત સમક્ષ વિધિપૂર્વક ઉલ્લાસથી દીપપૂજા કરવા લાગ્યો. આ રાજા અનેક પ્રકારનાં સુખ ભોગવીને કાળક્રમે મોક્ષ જશે.
ધન્ના વણિકનું આ નાનકડું જીવન ઘણું જ પ્રેરક અને બોધક છે. દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. દીપક અંધકારને દૂર કરે છે. જેના હાથમાં દીપ-દીવો છે તે કદી અંધારામાં અટવાતો-અથડાતો નથી. સરળતાથી તે પોતાના માર્ગે જઈ શકે છે. એ જ પ્રમાણે જે આત્માને જાણે છે, જેની પાસે આત્મજ્ઞાનનો દીપ છે, તેના જ્ઞાનનો પ્રકાશ જેના હૈયે પ્રગટે છે તે સંસારમાં ભટકતો નથી. દીપપૂજા કરીને અંતરમાં આત્મજ્ઞાનનો દીપ પ્રજ્વલિત કરવાનો છે.