________________
૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પાડીને રાજા મારો વધ કરશે. આથી ઉત્તમ આ છે કે રાજા અને યવમુનિ બને મળે નહિ તેવું જ કંઈક કરું...”
અને દીર્ઘપૃષ્ઠ વહેલી સવારમાં જ રાજા પાસે પહોંચ્યો. પ્રણામ કરીને ગંભીર ચહેરો રાખીને કહ્યું : “હે રાજન્ ! મને ખૂબ જ ખેદજનક અને ચિંતાજનક ખબર મળ્યા છે. રાજયના ગુપ્તચરો ખબર લાવ્યા છે કે આપના પિતાશ્રી અત્રે પધાર્યા છે અને તેમનો ઇરાદો તમારી પાસેથી રાજ્ય લઈને એ બીજાને આપી દેવાનો છે.”
રાજાએ સ્વસ્થતાથી કહ્યું: “હે અમાત્ય ! એમાં ખેદજનક કે ચિંતાજનક મને કશું જણાતું નથી. તેમનું રાજય છે. ભલે તે લઈ લે અને તેમને ઠીક લાગે તેને આપી દે.”
“હે રાજનું! હવે તમારા પિતાનું રાજય નથી, એ તમને આપ્યું એટલે એ તમારું થઈ ગયું. પિતા હોય તેથી શું થઈ ગયું? તમારું રાજ્ય લઈ લેવાનો તેમને કોઈ અધિકાર નથી અને બીજી એક ખાનગી વાત તમને કહું. આ રાજ્ય લઈને તેમનો ઇરાદો બીજા પુત્રને આપી દેવાનો છે. હું આપને પૂછું કે આ બીજો પુત્ર ક્યાંથી એકાએક ફૂટી નીકળ્યો? આપ તો તેમના એકના એક જ પુત્ર હતા. તો હવે આપ જ વિચારો કે આ ખેદજનક અને ચિંતાજનક ખબર નથી?' આમ પ્રધાને મીઠું મરચું ભભરાવીને કાચા કાનના રાજાના મનમાં ઝેર રેડ્યું. રાજાના મનમાં આથી શંકાનો કીડો સળવળ્યો અને હકીકત સાચી હોય તો પિતાની હત્યા કરવાનો નિર્ણય કરીને, તે પોતાના પિતા યવમુનિ પાસે ગયો.
રાતના સમયે તે કુંભારના ઘરમાં સંતાઈ રહ્યો અને પિતા-મુનિની હિલચાલ જોઈ રહ્યો ત્યાં યવમુનિ સ્વાધ્યાય કરતાં પેલી પ્રથમ ગધેડાવાળી ગાથા બોલ્યા. ગાથા સાંભળી રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતા માટે તેને માન ઊપજયું. કારણ પિતાએ જોયો ન હતો છતાંય તેમને ખબર પડી હતી કે પોતે આવ્યો છે. એટલું જ નહિ પોતાના આવવાના ઇરાદાની પણ તેમને ખબર પડી ગઈ છે. આમ માનવાનું કારણ એ હતું કે તેણે ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો.
“હે ગભિલ્લ! તું ઉતાવળો ઉતાવળો આવ્યો છે તે હું જાણું છું અને મને એ પણ ખબર છે કે તું યવમુનિની હત્યા કરવા આવ્યો છે.—અહીં રાજાના ગાથાના મૂળ શબ્દ ગર્દભનો અર્થ ગર્દભિલ્લ કર્યો અને યવનો અર્થ યવમુનિ કર્યો.
થોડીવાર બાદ યવમુનિ બીજી ગાથા બોલ્યા. ત્યાં રાજાએ અષ્ણુલિયા (મોઈ)નો અર્થ અણુમલ્લિકા કર્યો. આ ગાથા સાંભળીને તેને ખબર પડી ગઈ કે કોઈએ પોતાની પુત્રી અણુમલ્લિકાને ભોંયરામાં સંતાડી છે. આવી રહસ્ય સભર ગાથાઓ સાંભળીને પિતા માટે તેને વધુ માન થયું. પરંતુ પુત્રીને કોણે સંતાડી હશે?
ત્યાં જ યવમુનિ ત્રીજી ગાથા બોલ્યા. તેમાં દીર્ઘપૃષ્ઠનું નામ સાંભળીને રાજા ચમક્યો. અહીં તેણે સાપના બદલે વ્યક્તિવાચક નામનો અર્થ કર્યો. પિતાશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તારે