Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વગેરે જે ગતિમાં છે, તેઓ મૃત્યુ પશ્ચાત્ ભાવિ ભવોમાં પણ શું એ જ ગતિમાં, એ જ પ્રકારના શરીરમાં ઉત્પન્ન થશે ?' પોતાની આ શંકાની પુષ્ટિમાં તું મનોમન એ યુક્તિ આપે છે કે - જે પ્રકારે એક ખેતરમાં જવ રોપવામાં આવે તો જવ, ઘઉં રોપવામાં આવે તો ઘઉં ઉત્પન્ન થશે. એ સંભવ નથી કે જવ રોપવા પર ઘઉં ઉત્પન્ન થઈ જાય અથવા ઘઉંના રોપવાથી જવ ઉત્પન્ન થઈ જાય.' સૌમ્ય સુધર્મન્ ! તારી આ શંકા સમુચિત નથી. કારણ કે પ્રત્યેક પ્રાણી ત્રિકરણ (મન, વચન અને કાયા) અને ત્રિયોગથી જે પ્રકારની સારી અથવા નરસી ક્રિયાઓ કરે છે, એ જ કાર્યો અનુસાર એને ભાવિ ભવોમાં સારી કે નરસી (ખરાબ) ગતિ, શરીર, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ વગેરેની પ્રાપ્તિ થતી રહે છે. કૃતકર્મજન્ય આ ક્રમ નિરંતર ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી કે તે આત્મા પોતાનાં સારાં-ખરાબ બધાં પ્રકારનાં સમસ્ત કર્મોનો સમૂળ નાશ કરી શુદ્ધ-બુદ્ધ-મુક્ત નથી થઈ જતો.”
એક પ્રાણી જે યોનિમાં છે, તે જો એ યોનિમાં ઉત્પન્ન કરાવનારાં કર્મોનો બંધ કરે તો તે પુનઃ એ જ યોનિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, પણ એકાન્તત્ત એવું માનવું સત્ય નથી કે જે પ્રાણી વર્તમાનમાં જે યોનિમાં છે, તે સદાસર્વદા માટે નિરંતર એ જ યોનિમાં ઉત્પન્ન થતો રહે.”
સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન મહાવીરના મુખારવિંદથી પોતાના અંતરમનની નિગૂઢતમ શંકા અને એનું સમાધાન સાંભળી સુધર્મા આશ્ચર્યાભિભૂત થઈ ગયા. ભ. મહાવીરની તર્કસંગત અને યુક્તિપૂર્ણ અમોઘ વાણીથી પોતાના સંદેહનું સંપૂર્ણ રૂપથી સમાધાન થતા જ આર્ય સુધર્માએ પરમ સંતોષ અનુભવતા પોતાના ૫૦૦ શિષ્યો સહિત શ્રમણદીક્ષા ગ્રહણ કરી પોતાની જાતને પ્રભુચરણ-શરણમાં સમર્પિત કરી દીધી.
ભગવાન મહાવીર પાસે ત્રિપદીનું જ્ઞાન મેળવતાં જ તેઓ અગાધ જ્ઞાનના ભંડાર બની ગયા. એમણે સર્વ પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી અને ત્યાર બાદ દ્વાદશાંગીની રચના કરી.
આર્ય સુધર્માએ ૫૦ વર્ષની અવસ્થામાં ભ. મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. તપ-સંયમની આરાધના અંગે નિરંતર ૩૦ વર્ષ સુધી એક પરમ વિનીત શિષ્યના રૂપમાં ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ગણની મહત્તમ સેવા કરી.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
.૫૩