Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સુચારુરૂપ પર્વારાધનાથી વંચિત રહી જઈશ, માટે છઠ્ઠના દિવસે પર્વારાધના કરવામાં આવે તો સારું રહેશે.”
આચાર્યએ કહ્યું: “પર્વતિથિનું અતિક્રમણ તો નથી થઈ શકતું.”
રાજા સાતવાહને કહ્યું : “આવા સંજોગમાં એક દિવસ પહેલા આગળ પર્વારાધના કરી લેવામાં આવે તો શું નુકસાન થવાનું ?”
પોતાની સંમતિ દર્શાવતા કાલકાચાર્યએ કહ્યું: “વારુ ત્યારે, એવું થઈ શકે છે.”
આ રીતે પ્રભાવશાળી હોવાના લીધે કાલકાચાર્યએ દેશ-કાળ આદિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ પર્યુષણ (સંવત્સરી) પર્વારાધન પ્રારંભ કર્યું.
(કાલકાચાર્ય (દ્વિતીય) સ્વર્ણભૂમિમાં) પોતાના જીવનના આખરના પડાવમાં એક વખત કાલક આચાર્ય (દ્વિતીય) એમના સુવિશાળ શિષ્ય પરિવારની સાથે ઉજ્જૈનમાં વિચરી રહ્યા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ તેઓ એમના શિષ્ય-સમૂહને આગમ-વાચના આપવા માટે હંમેશાં તત્પર રહેતા હતા. એ જ દિવસોમાં આર્ય કાલકના પ્રશિષ્ય સુત્રાર્થજ્ઞાતા આર્ય સાગર સ્વર્ણભૂમિમાં વિચરણ કરી રહ્યા હતા.
પોતાના અંગત શિષ્યોમાં આગમોના અધ્યયન પ્રત્યે જોઈએ એટલી રૂચિ અને તત્પરતાનો અભાવ જોઈ આચાર્ય એક દિવસ ઘણા ખિન્ન થયા. તેઓ વિચારવા લાગ્યા - “આ મારા શિષ્યો મનોયોગથી અનુયોગ શ્રવણ નથી કરી રહ્યા (મનથી ન કરવું), આવી સ્થિતિમાં એમની વચ્ચે રોકાવાથી શો ફાયદો ? મારે એવી જગ્યાએ જ રહેવું જોઈએ જ્યાં અનુયોગોની પ્રવૃત્તિ સારી રીતે થતી હોય. શક્ય છે, મારા બીજે ક્યાંક જતા રહેવાથી શિષ્યો પણ શરમના માર્યા અનુયોગ ધારણ કરવા માટે ઉત્સાહિત થઈ જાય.”
આમ વિચારી આર્ય કાલકે શય્યાતરને કહ્યું: “હું સ્વર્ણભૂમિ તરફ જઈ રહ્યો છું, તું મારા શિષ્યોને એમ આસાનીથી આ વાત જણાવીશ નહિ. જ્યારે તેઓ ખૂબ જ આગ્રહ કરે તો કહી દેજે કે – “આચાર્ય સ્વર્ણભૂમિમાં સાગર પાસે ગયા છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2629999999999 ૨૨૫]