Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અને મનોરમ્ય રમકડાં, બાળકોને ખૂબ ભાવતા મિષ્ટાન્ન આદિ બાળક વજની સામે હાજર કરતાં, એને પોતાની પાસે બોલાવવા માટે ઘણીવાર મીઠાં હુલામણાં સંબોધનો અને હાથ-તાળીના અવાજ સાથે હાથોને ફેલાવીને એને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ બધું જ નિરર્થક રહયું. એક પ્રબુદ્ધચેતા યોગીની જેમ વજ પ્રલોભનોથી લેશમાત્ર પણ આકર્ષાયો નહિ. તે પોતાના સ્થાનેથી લેશમાત્ર પણ ડગ્યો નહિ.
ત્યાર બાદ રાજાએ બાળકના પિતા મુનિ ધનગિરિને અવસર આપ્યો. આર્ય ધનગિરિએ પોતાનું રજોહરણ બાળક વજની સામે ઊંચકતા કહ્યું: “વત્સ ! જો તું તત્ત્વજ્ઞ અને સંયમ ગ્રહણ કરવા માટે ઇચ્છા ધરાવતો હોય, તો તારી કર્મ-રજ(ધૂળ)ને ઝાટકવા માટે આ રજોહરણ લઈ લે.”
આર્ય ધનગિરિ પોતાનું વાક્ય પૂરું પણ કરી શક્યા ન હતા કે બાળક પોતાના સ્થાનેથી કૂદીને એમના ખોળામાં જઈને બેસી ગયો અને એમના હાથમાંથી રજોહરણ લઈ એની સાથે રમત રમવા લાગ્યો. સમસ્ત પરિષદ આ જોઈ પળવાર માટે તો સ્તબ્ધ થઈ જોતી જ રહી. ધર્મના નારાથી ગગનચુંબી રાજમહેલ ગાજી ઊઠ્યો - “બાળક વજ સંઘની પાસે જ રહેશે.” આ રાજાજ્ઞા સંભળાવતા રાજાએ સાધુઓ અને સંઘના પ્રત્યે ભાવભીનો સન્માન દર્શાવ્યો. ત્યાર પછી બધાં પોતપોતાનાં સ્થળે જતાં રહ્યાં.
સુનંદા મનોમન વિચારવા લાગી - “મારા સહોદર ભાઈ આર્ય સમિત દીક્ષિત થઈ ગયા, મારા પતિદેવ પણ દીક્ષિત થઈ ગયા અને હવે પુત્ર પણ દીક્ષિતની જેમ છે. આ હાલતમાં મારે પણ શ્રમણીધર્મમાં દીક્ષિત થઈ જવું જોઈએ.” બરાબર વિચારી-સમજીને એણે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર કર્યો અને સાધ્વીઓની સેવામાં જઈ એણે શ્રમણીધર્મની દીક્ષા અંગીકાર કરી. ત્યાં સુધીમાં બાળક વજ ત્રણ વર્ષનો થઈ ચૂક્યો હતો.
જેવો બાળક આઠ વર્ષનો થયો કે તરત જ આર્ય સિંહગિરિએ સાધ્વીઓની છત્રછાયામાંથી તેને દૂર કરી શ્રમણદીક્ષા પ્રદાન કરી અને પોતાની પાસે રાખવાનું શરૂ કર્યું. ત્યાર સુધીમાં તો બાળકે સાધ્વીઓના મોઢેથી સાંભળી-સાંભળીને અગિયાર અંગ પહેલેથી જ મોઢે કરી લીધા હતા.
પોતાના શિષ્ય પરિવાર સાથે અનેક પ્રદેશોમાં વિચરણ કરતાકરતા કાલાન્તરમાં આર્ય સિંહગિરિ એક દિવસ એક પર્વત પાસે પહોંચ્યા. ૨૬૦ 6969696969696969696969]ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|